ઓસ્કર નોમિનેટેડ દિગ્ગજ અભિનેત્રીએ ડૉક્ટરની મદદથી ટૂંકાવ્યું જીવન! 95 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા!

અમેરિકાની દિગ્ગજ અભિનેત્રી બાર્બરા બેરીનું 95 વર્ષની વયે નિધન થયું છે. 1979માં આવેલી ફિલ્મ ‘બ્રેકિંગ અવે’માં તેમના અભિનય માટે તેમને ઓસ્કર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યાં હતાં. ફિલ્મો ઉપરાંત તેમણે ટેલિવિઝન અને બ્રોડવેના રંગમંચ પર પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. તેમનું નિધન 28 ઑક્ટોબર, બુધવારે ન્યૂયોર્ક શહેરમાં આવેલા તેમના નિવાસસ્થાને થયું હતું. તેમની પુત્રી જેન હાર્નિકે આ સમાચારની પુષ્ટિ કરી હતી. અહેવાલ અનુસાર, તેમને લાસ્ટ સ્ટેજનું કેન્સર હોવાનું નિદાન થયા બાદ તેઓ સારવાર લઇ રહ્યા હતા. જો કે આખરે તેઓએ ડૉક્ટરની મદદથી પોતાના જીવનનો અંત આણ્યો હતો. આ પહેલાં વર્ષ 2014માં બાર્બરા બેરીએ જણાવ્યું હતું કે તેઓ ઇડિયોપેથિક પલ્મનરી ફાઇબ્રોસિસ નામની ફેફસાંની બીમારીથી પીડિત હતાં. આ બીમારીમાં સમય જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી વધતી જાય છે.
‘બ્રેકિંગ અવે’થી મળી ખાસ ઓળખ
બાર્બરા બેરીને 1979ની ફિલ્મ ‘બ્રેકિંગ અવે’માં કરેલા અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીના ઓસ્કર એવોર્ડ માટે નામાંકન મળ્યું હતું. તેમણે સ્ટીફન સોન્ડહાઇમના બ્રોડવે મ્યુઝિકલ ‘કંપની’માં સારાહની ભૂમિકા પણ ભજવી હતી. આ અભિનય માટે તેમને ટોની એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યાં હતાં. વર્ષ 1964માં આવેલી ફિલ્મ ‘વન પોટેટો, ટૂ પોટેટો’માં પણ તેમણે યાદગાર અભિનય કર્યો હતો. આંતરજાતીય લગ્ન અને તેની સામેના પૂર્વગ્રહો પર આધારિત આ ફિલ્મમાં તેમના અભિનય બદલ તેમને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો.
ટેલિવિઝન અને રંગમંચ પર પણ નોંધપાત્ર કામ
બાર્બરા બેરીને ટેલિવિઝન સિટકોમ ‘બાર્ની મિલર’માં તેમની ભૂમિકા માટે પણ ઓળખવામાં આવતાં હતાં. તેમની લાંબી કારકિર્દી દરમિયાન તેમણે અનેક ટેલિવિઝન શ્રેણીઓમાં કામ કર્યું હતું. વર્ષ 2010માં ‘નર્સ જેકી’ અને 2011માં ‘એનલાઇટન્ડ’માં પણ તેઓ જોવા મળ્યાં હતાં. વધતી ઉંમર છતાં તેમણે રંગમંચ સાથેનો સંબંધ જાળવી રાખ્યો હતો. વર્ષ 2017માં તેમણે બ્રોડવેના નાટક ‘સિગ્નિફિકન્ટ અધર’માં અભિનય કર્યો હતો. ફિલ્મો, ટેલિવિઝન અને રંગમંચમાં તેમના યોગદાનને કારણે બાર્બરા બેરી અમેરિકન મનોરંજન જગતમાં જાણીતા નામ તરીકે યાદ રહેશે.








