VIDEO: 'માસ્ટરશેફ ઇન્ડિયા'ના વિનર Pankaj Bhadauriaને બ્રેસ્ટ કેન્સર, સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી આપી માહિતી
'માસ્ટરશેફ ઇન્ડિયા'ની પ્રથમ સીઝનની વિનર પંકજ ભદૌરિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પ

'માસ્ટરશેફ ઇન્ડિયા'ની પ્રથમ સીઝનની વિનર પંકજ ભદૌરિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે કે તેમને બ્રેસ્ટ કેન્સર થયું છે. ૨૮ મેના રોજ પંકજે હોસ્પિટલમાંથી પોતાની એક તસવીર શેર કરી હતી, જેમાં તેઓ હોસ્પિટલના બેડ પર સૂતેલા જોવા મળે છે અને તેમના શરીર સાથે મેડિકલ વાયર જોડાયેલા છે. આ પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું, 'મને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. મને તમારી પ્રાર્થનાઓ અને સપોર્ટની જરૂર છે.'
ઘણા મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ તેમણે હોસ્પિટલમાંથી એક વીડિયો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. વીડિયોમાં તેઓ હોસ્પિટલના ગાઉનમાં બેઠેલા છે અને તેમના હાથમાં મેડિકલ કેન્યુલા (સોય) લગાવેલી છે. વીડિયો પર લખ્યું છે, 'તપાસ માટે જઈ રહી છું... બિલકુલ ખુશ નથી.' તેમણે વધુ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેમણે પોતાની બીમારી વિશે જણાવ્યું અને પોતાની વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિ અંગે માહિતી આપી.
પંકજે ચાહકો સાથે શેર કર્યું હેલ્થ અપડેટ
તેમણે કહ્યું, 'હું આપ સૌને જણાવવા માંગુ છું કે મને બ્રેસ્ટ કેન્સર હોવાનું જાણવા મળ્યું છે. આપ સૌ મારા માટે એક પરિવાર જેવા છો, તેથી હું આ વાત આપ સૌની સાથે વ્યક્તિગત રીતે શેર કરવા માંગતી હતી. આ સમયે મને તમારી પ્રાર્થનાઓ અને સમર્થનની ખૂબ જ જરૂર છે. જેમ કહેવાય છે કે, પ્રાર્થનાઓ ચમત્કાર કરે છે. તેથી કૃપા કરીને મને તમારી પ્રાર્થનાઓમાં યાદ રાખજો.'
કોણ છે પંકજ ભદૌરિયા?
જે લોકો નથી જાણતા તેમને જણાવી દઈએ કે, પંકજ ભદૌરિયા ૨૦૧૦માં 'માસ્ટરશેફ ઇન્ડિયા'ની પ્રથમ સીઝન જીત્યા બાદ રાતોરાત પ્રખ્યાત થઈ ગયા હતા. તેઓ દેશના પ્રથમ માસ્ટરશેફ વિજેતા બન્યા હતા. આ સીઝનને બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે હોસ્ટ કરી હતી. પંકજ પહેલા અંગ્રેજીના શિક્ષિકા હતા અને અહેવાલો અનુસાર, તેમણે આ કુકિંગ રિયાલિટી શોમાં ભાગ લેવા માટે પોતાની ૧૬ વર્ષની કારકિર્દી છોડી દીધી હતી. આ મોટી જીત બાદ, તેઓ ભારતના સૌથી પ્રખ્યાત સેલિબ્રિટી શેફ અને ટેલિવિઝન હોસ્ટમાંથી એક બની ગયા. તેમણે 'શેફ પંકજ કા ઝાયકા', 'કિફાયતી કિચન', '૩ કોર્સ વિથ પંકજ' અને 'રસોઈ સે - પંકજ ભદૌરિયા કે સાથ' જેવા કુકિંગ પર આધારિત ઘણા શો હોસ્ટ કર્યા છે.
પંકજ ભદૌરિયાની યુટ્યુબ ચેનલ
પંકજે પોતાની યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા મોટી સંખ્યામાં ફોલોઅર્સ બનાવ્યા છે. તેઓ ખૂબ જ સક્રિય રહીને રેસિપી વીડિયો, કુકિંગ ટિપ્સ અને અન્ય ઘણી વાતો ઓનલાઈન ફોલોઅર્સ માટે પોસ્ટ કરતા રહે છે.








