મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ થઈ શકે છે રિલીઝ, પણ પહેલા લગાવવા પડશે આટલા કટ્સ

કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ની ફેન્સ આતુરતાથી રાહ

કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ થઈ શકે છે રિલીઝ, પણ પહેલા લગાવવા પડશે આટલા કટ્સ

કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ અગાઉ 6 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ ન મળવાને કારણે ફિલ્મની રિલીઝ ટાળવી પડી હતી. હવે બોમ્બે હાઈકોર્ટમાં ફિલ્મની રિલીઝ પર સુનાવણી થઈ છે અને સેન્સર બોર્ડે પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડે આરોપ મૂક્યો હતો કે, CBFC ગેરકાયદેસર રીતે ‘ઈમરજન્સી’ને અટકાવી રહી છે. CBFC તરફથી હાજર રહેલા એડવોકેટ અભિનવ ચંદ્રચુડે જસ્ટિસ બીપી કોલાબાવાલા અને ફિરદૌસ પૂનીવાલાની બેન્ચને જણાવ્યું હતું કે, CBFCની રિવાઇઝિંગ કમિટીએ ફિલ્મમાં કેટલાક કટ માટે સૂચન કર્યું છે.

કટ સાથે રિલીઝ થઈ શકે છે ‘ઈમરજન્સી’

CBFCએ ગુરુવારે બોમ્બે હાઈકોર્ટને માહિતી આપી હતી કે, એક્ટ્રેસ અને બીજેપી સાંસદ કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ ત્યારે જ રિલીઝ થઈ શકે છે જો ફિલ્મ બોડીની રિવિઝન કમિટીના સૂચનો અનુસાર અમુક કટ કરવામાં આવે.

30 સપ્ટેમ્બરે થશે સુનાવણી

ઝી તરફથી હાજર રહેલા એડવોકેટ શરણ જગતિયાનીએ એક દસ્તાવેજ બતાવ્યો જેમાં ફિલ્મની રિલીઝ પહેલા તેમાં 11 સુધારા કરવામાં આવ્યા હતા. સૂચિત 11 સુધારાઓમાં ફિલ્મમાં કેટલાક કટનો સમાવેશ થાય છે. હવે તે ફિલ્મ નિર્માતાઓ પર નિર્ભર છે કે, તેઓ આ સુધારા સાથે સંમત થાય છે કે તેને પડકારે છે. હવે આ અરજી પર 30 સપ્ટેમ્બરે સુનાવણી થશે.

પ્રતિબંધ મુકવાની ઉઠી હતી માગ

ઉલ્લેખનીય છે કે, ફિલ્મની રિલીઝ પહેલા જ તેના પર પ્રતિબંધની માગ ઉઠવા લાગી હતી. પંજાબ, તેલંગાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશના લોકોએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી, અને દાવો કર્યો હતો કે ફિલ્મમાં તેમના સમુદાયને નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યો છે અને ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. કંગના રણૌતે ‘ઈમરજન્સી’નું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મિલિંદ સોમન સહિત ઘણા કલાકારો મહત્ત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.

આ સમાચાર શેર કરો