કેટરીના કૈફની માતા લંડન છોડી ભારતના કયા ગામડામાં વસી ગયા? સુવિધાઓ વગર કરી રહ્યા છે આ સેવાનું કામ

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ આ દિવસોમાં ટ્રોલિંગના કારણે ચર્ચામાં આવી છે. વિક્કી કૌશલ સાથે લગ્ન પછી તે અમુક ફિલ્મોમાં જ જોવા મળી અને દીકરાને જન્મ આપ્યા પછી તે પરિવારમાં જ વ્યસ્ત થઈ ગઈ. હાલમાં જ જ્યારે તે સ્પૉટ થઈ ત્યારે વજનના કારણે તેને ટ્રોલ કરવામાં આવી હતી. જોકે, તેને સપોર્ટ કરવા માટે સલમાન ખાનથી લઈને ઘણા કલાકારો પણ સામે આવ્યા.
કેટરીના કૈફ 43 વર્ષની થઈ ગઈ છે. તેનું પૂરું નામ કેટરીના રોઝમેરી ટરકોટ છે. તેનો જન્મ બ્રિટિશ હોંગકોંગમાં થયો હતો. એક્ટ્રેસે પોતાનું બાળપણ ઘણા દેશોમાં વિતાવ્યું. આવી જ રીતે તે ત્રણ વર્ષ લંડનમાં પણ રહી જ્યાં ફિલ્મમેકર કાઈઝાદ ગુસ્તાદની નજર એક મોડેલિંગ પ્રોજેક્ટ દરમિયાન કેટરીના પર પડી અને આ રીતે તેમણે પોતાની વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘બૂમ’માં તેને કાસ્ટ કરી.
કેટરીના કૈફની પર્સનલ લાઈફ અને ફેમિલીની વાત કરીએ તો તે 8 ભાઈ-બહેન છે. તેની માતા સુઝેન ટરકોટ વકીલ અને સમાજસેવી છે. જ્યારે તેના પિતા મોહમ્મદ કૈફ કશ્મીરી મૂળના કારોબારી છે. કેટરીના ખૂબ નાની હતી ત્યારે જ તેના પિતા-માતાના છૂટાછેડા થઈ ગયા હતા. 8 બાળકોનો ઉછેર કેટરીનાની માતા સુઝેને એકલા હાથે જ કર્યો. કેટરીનાની ત્રણ મોટી બહેનો અને ત્રણ નાની બહેનો છે, જ્યારે એક મોટો ભાઈ છે.
જ્યાં કેટરીના કૈફ ગ્લેમર વર્લ્ડનો હિસ્સો બની તો તેની માતા આનાથી બિલકુલ અલગ છે. તેમણે સમાજસેવી તરીકે પોતાનું જીવન વિતાવ્યું છે. આજના સમયમાં પણ તે આ જ કામ કરી રહી છે. તે ગ્રામીણ વિસ્તારોમાં રહીને બાળકોને ભણાવે છે અને પોતાનો NGO ચલાવે છે.
વર્ષ 2008માં લંડનથી સુઝેન ટરકોટ ભારત આવી. અહીં તેમણે તમિળનાડુના એક નાના ગામમાં રહીને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. તે ‘રિલીફ પ્રોજેક્ટ્સ ઈન્ડિયા’ નામે NGO ચલાવે છે, જ્યાં સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને સાંજના સમયે ફ્રીમાં ટ્યુશન ભણાવવામાં આવે છે.
સુઝેને ટ્યુશન સેન્ટર પછી 2015માં માઉન્ટેન વ્યૂ સ્કૂલનો પાયો નાખ્યો, જ્યાં ક્યારેક 30 બાળકો ભણતા હતા. આજના સમયમાં અહીં બાળકોની સંખ્યા 300 થઈ ચૂકી છે. ખુદ કેટરીના કૈફ પણ પોતાની માતાના આ વ્યવસાય અંગે પ્રતિક્રિયા આપી ચૂકી છે.
ઘણા વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં કેટરીના કૈફ જણાવ્યુ હતું કે તેની માતા મદુરાઈમાં સ્કૂલ ચલાવે છે, જ્યાં તે શિક્ષક તરીકે બાળકોને ભણાવે છે. એક્ટ્રેસે જણાવ્યું હતું કે જે નાના ગામમાં તેની માતા ભણાવે છે, ત્યાં વીજળી પણ માત્ર થોડા કલાકો માટે જ આવે છે અને કેટલીકવાર ઈન્ટરનેટ પણ સરખું નથી આવતું. આ જ કારણે તે માતા સાથે કોલ પર પણ બરાબર વાત નથી કરી શકતી.
સુઝેને એકલા રહીને 8 બાળકોને ઉછેર્યા. આ દરમિયાન પણ તે સતત ચૅરિટીનું કામ કરતી રહી. હવે તેમના બાળકો પણ સફળ થઈ ચૂક્યા છે. કેટરીના ખુદ આર્થિક રીતે આવા બાળકોની મદદ કરે છે.
રિલીફ પ્રોજેક્ટ ઈન્ડિયા આજના સમયમાં 25 ગામોની અંદર કામ કરી રહ્યું છે. હવે શિક્ષણની સાથે સાથે મહિલાઓ, લાઈફ સ્કીલ ટ્રેનિંગ, કરિયર ગાઈડન્સ, સર્વાઈકલ કેન્સરથી લઈને યુવાનોના વિકાસ સાથે જોડાયેલાં પણ ઘણાં કામો કરે છે.

