'જોશ' ફેમ શરદ કપૂરની હાલત જોઈ ચિંતામાં ફેન્સ! વોકરના સહારે ચાલતા દેખાયા, બોલિવૂડ પાસે માંગી કામની તક

'જોશ' ફેમ શરદ કપૂરની હાલત જોઈ ચિંતામાં ફેન્સ! વોકરના સહારે ચાલતા દેખાયા, બોલિવૂડ પાસે માંગી કામની તક
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

શાહરૂખ ખાન અને રિતિક રોશન જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂકેલો જાણીતો અભિનેતા શરદ કપૂર (જેણે 'જોશ' જેવી યાદગાર ફિલ્મમાં કામ કર્યું છે) હાલમાં એક ખૂબ જ ભાવુક અને ચર્ચાસ્પદ મામલાને લઈને ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના ચાર પાલતુ કૂતરાઓથી વિદાય લેતી વખતે આંસુ રોકવાનો પ્રયાસ કરતો નજરે પડે છે.

શરદ કપૂરનો ભાવુક વીડિયો વાયરલ

જાહેરાત

વાયરલ થયેલી એક ક્લિપમાં શરદ કપૂર પોતાના ચાર વહાલા કૂતરાઓને પશુ કલ્યાણ કેન્દ્રમાં મોકલતા ખૂબ જ પરેશાન અને ભાવુક દેખાઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે આ અભિનેતા તેના લુક્સ અને ફિટનેસ માટે જાણીતો હતો, પરંતુ આ વીડિયોમાં તેની અલગ જ હાલત જોઈને ફેન્સ ચિંતામાં મુકાઈ ગયા છે.

શરદ કપૂરની ખાસ મિત્ર હેમા ચૌધરી દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં શરદ ચાલવા માટે વોકરના સહારે નજરે પડી રહ્યો છે અને તે પોતાના ચાર પાલતુ કૂતરાઓને અસ્થાયી રૂપે મુંબઈના YODA એનિમલ વેલફેર સેન્ટર વિદાય આપી રહ્યો છે, જે દ્રશ્ય જોઈને તેમના પ્રશંસકો ખૂબ ચિંતામાં મુકાઈ ગયા છે.

ફૂટબોલ રમતી વખતે ઈજાનો શિકાર બન્યા

પોતાના સ્વાસ્થ્ય વિશે વાત કરતા શરદ કપૂરે જણાવ્યું કે, 'હું બાર્સેલોનામાં ફૂટબોલ રમવા ગયો હતો. ત્યાં મોટા ખેલાડીઓ વચ્ચે અચાનક હું પોતાની જાતને 'મેસી' સમજવા લાગ્યો અને રમત દરમિયાન એક ખેલાડીના સામાન્ય સ્પર્શથી મારા પગમાં ગંભીર ઈજા થઈ ગઈ. હાલમાં ડૉક્ટર આનંદની સારવાર હેઠળ હું સ્વસ્થ થઈ રહ્યો છું અને ડૉક્ટરોના જણાવ્યા અનુસાર આગામી બે મહિનામાં હું સંપૂર્ણપણે સાજો થઈ જઈશ.'

મનોરંજન જગત અને OTT પાસે માંગી કામની તક

અભિનેત્રી જયા ભટ્ટાચાર્ય દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં શરદ કપૂર ઇન્ડસ્ટ્રીના નિર્માતાઓ અને દિગ્દર્શકો પાસે કામ માટે અપીલ કરી રહ્યો છે. તેણે વીડિયોમાં જણાવ્યું કે, 'હું જાન્યુઆરીથી ફરીથી કેમેરા સામે કામ શરૂ કરવા ઈચ્છું છું. મને સારા રોલ અને કામની સખત જરૂર છે. હિન્દી ફિલ્મો, સિરિયલો તેમજ OTT પ્લેટફોર્મ્સ પર કામ કરવા માટે ઉત્સુક છું, કારણ કે આજે ઓટીટી માધ્યમથી કલાકારો કરોડો દર્શકો સુધી પહોંચી શકે છે.' શરદ કપૂરે સૌનો આભાર માનતા ફરીથી ઇન્ડસ્ટ્રીમાં શાનદાર વાપસી કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે.

'જોશ' ફિલ્મથી મળી અસલી ઓળખ

અભિનેતા શરદ કપૂરે શરૂઆતમાં સંઘર્ષ બાદ ટીવી સિરિયલ 'સ્વાભિમાન' અને 1994ની ફિલ્મ 'મેરા પ્યારા ભારત'થી અભિનય સફર શરૂ કરી હતી. વર્ષ 2000ની ફિલ્મ 'જોશ'માં શાહરૂખ ખાનના વિલન (પ્રકાશ શર્મા)ના રોલથી તેમને અસલી ઓળખ અને ફિલ્મફેર નોમિનેશન મળ્યું. તેમણે 'એલઓસી કારગિલ', 'લક્ષ્ય', 'વાન્ટેડ', બંગાળી ફિલ્મો અને 'ધ ગુડ મહારાજા' સહિત 40થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને મુંબઈ-બંગલુરુમાં રેસ્ટોરન્ટ્સ પણ ચલાવે છે.

તેના અંગત જીવનની વાત કરીએ તો, તેણે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુની પૌત્રી કોએલ બસુ સાથે લગ્ન કર્યા છે અને નવેમ્બર 2024માં તેના પર યૌન ઉત્પીડનનો એક ગંભીર આરોપ લાગ્યો હતો, જો કે તે ક્યારેય સાબિત થયો ન હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત