'Dhurandhar' એ બનાવ્યો નવો રેકોર્ડ, ઓલ ટાઈમ ટોપ-10 ભારતીય ફિલ્મોમાં મેળવ્યું સ્થાન

Dhurandhar Box Office Collection: રવિવારે આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધરે'એ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રિલીઝના 17 દિવસ પછી રણવીર સિંહની ફિલ્મ ભારતની ટોપ-10 ફિલ્મોની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. આ સાથે જ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ'ને 10મા સ્થાન પરથી બહાર ધકેલી દીધી છે. બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા પ્રમાણે 'ધુરંધરે'એ રવિવારની કમાણી સાથે 555.5 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. જ્યારે 'એનિમલ'નું ભારતમાં લાઈફટાઈમ કલેક્શન 553 કરોડ હતું, જેના કારણે 'ધુરંધરે'એ 'એનિમલ'ને પાછળ છોડી દીધી છે.
ભારતની ટોપ-10 ફિલ્મોમાં 'ધુરંધર' સામેલ
બોક્સ ઓફિસ પર ટોપ-10 ઓલ ટાઈમ ભારતીય ફિલ્મોની યાદીમાં 'પુષ્પા: ધ રૂલ પાર્ટ 2' (2024) 1234.1 કરોડના કલેક્શન સાથે પ્રથમ સ્થાન પર છે. 'બાહુબલી 2: ધ કન્ક્લુઝન' (2017) 1030.42 કરોડના કલેક્શન સાથે બીજા સ્થાન પર છે. 'KGF: ચેપ્ટર 2' (2022) 859.7 કરોડના કલેક્શન સાથે ત્રીજા સ્થાન પર છે. 'RRR' (2022) 782.2 કરોડની કમાણી સાથે ચોથા સ્થાન પર છે. 'કલ્કી 2898એડી' (2024) 646.31 કરોડના કલેક્શન સાથે પાંચમા સ્થાન પર છે. 'જવાન' (2023) 640.25 કરોડના કલેક્શન સાથે છઠ્ઠા સ્થાન પર છે. 'કાંતારા: અ લેજેન્ડ ચેપ્ટર-1' (2025) 622.42 કરોડની કમાણી સાથે સાતમા સ્થાન પર છે. 'છાવા' (૨૦૨૫) 601.54 કરોડના કલેક્શન સાથે આઠમા સ્થાન પર છે. 'સ્ત્રી-2' (2024) 597.99 કરોડના કલેક્શન સાથે નવમા સ્થાન પર છે. 'ધુરંધર' (2025)એ 555.7 કરોડના કલેક્શન સાથે દસમા નંબર પર એન્ટ્રી કરી છે.
2025ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
આ ઉપરાંત 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની વાત કરીએ તો 17 દિવસમાં 'ધુરંધર'એ ટોપ-3માં એન્ટ્રી મારી લીધી છે. 'કાંતારા: ચેપ્ટર 1'નું લાઈફટાઈમ કલેક્શન 622 કરોડ છે. બીજી તરફ 'છાવા'નું કલેક્શન 602 છે, જેને 'ધુરંધર' આગામી અઠવાડિયામાં પાછળ છોડી શકે છે.
'ધુરંધર'ના શોરમાં 'કિસ કિસ કો પ્યાર કરું 2' ખોવાઈ
તમને જણાવી દઈએ કે, 'ધુરંધર'નું બોક્સ ઓફિસ કલેક્શન 17 દિવસમાં 836.75 કરોડ રહ્યું છે. જ્યારે ઈન્ડિયા ગ્રોસ 666.75 કરોડ રહ્યો છે. બીજી તરફ આ જ દિવસે રિલીઝ થયેલી કપિલ શર્માની ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું 2' 17 દિવસમાં ભારતમાં 11.88 કરોડનું કલેક્શન કર્યું છે. જ્યારે વર્લ્ડ વાઈડ 14.9 કરોડની કમાણી કરી છે.

