'The Bluff'ના ટ્રેલરમાં દેશી ગર્લ Priyanka Chopra બની ખતરનાક દરિયાઈ લૂંટારૂ, જુઓ ટ્રેલર

પ્રિયંકા ચોપરા અને કાર્લ અર્બન અભિનીત ફિલ્મ 'ધ બ્લફ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં પ્રિયંકા એક પૂર્વ દરિયાઈ લૂંટારૂ (પાઈરેટ) ના દમદાર અવતારમાં જોવા મળી રહી છે.
પ્રિયંકા ચોપરા અને કાર્લ અર્બન સ્ટારર ફિલ્મ 'ધ બ્લફ' નું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રાઇમ વિડિયોએ પોતાની યુટ્યુબ ચેનલ પર બે મિનિટથી વધુનો વીડિયો શેર કર્યો છે.
ચાકુ-તલવારથી લડતી જોવા મળી અભિનેત્રી
પ્રિયંકાનું પાત્ર પોતાની પુત્રીની રક્ષા કરતું બતાવવામાં આવ્યું છે, જ્યારે કાર્લ અર્બનના નેતૃત્વમાં કેટલાક લોકો તેનો પીછો કરી રહ્યા છે. પ્રોટેક્ટિવ પ્રિયંકા તેમની સામે ખાલી હાથે, ચાકુ, પથ્થરો અને તલવારથી લડતી જોવા મળી રહી છે. પાત્રો વચ્ચે ભયંકર ટકરાવ અને કેટલાક ડ્રામેટિક સીન્સ પણ બતાવવામાં આવ્યા છે.
પ્રિયંકા એક દમદાર અને જોશીલા અવતારમાં એક ભૂતપૂર્વ દરિયાઈ લૂંટારૂની ભૂમિકા ભજવી રહી છે, જેનો ભૂતકાળ ફરી સામે આવે છે અને તેને એવા પડકારોનો સામનો કરવા મજબૂર કરે છે જેને તે લાંબા સમય પહેલા પાછળ છોડી ચૂકી હતી. ટ્રેલરમાં પ્રિયંકાના પાત્રને 'બ્લડી મેરી' નામ આપવામાં આવ્યું છે.
ચાહકોએ કર્યા એક્શનના વખાણ
ચાહકોને પણ પ્રિયંકાનો આ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ તેના વખાણ કરતા થાકતા નથી. વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે કહ્યું, "આખરે પ્રિયંકાને હોલીવુડમાં તેનો હક મળી રહ્યો છે. રાહ જોઈ શકતો નથી, ક્વીન! આ ટ્રેલર શાનદાર છે." અન્ય એક વ્યક્તિએ લખ્યું, "પ્રિયંકા ચોપરાના શાનદાર અભિનય માટે એક ક્ષણ રોકાઈએ. તેને આ અભિનય માટે ઓસ્કર મળવો જોઈએ."
અન્ય એક ચાહકે લખ્યું, "બધું જ શાનદાર લાગે છે... પણ મારી નજર માત્ર પ્રિયંકા ચોપરા પર જ ટકેલી છે. બહાદુર, શક્તિશાળી, એક સાચી યોદ્ધા." તો વળી કોઈકે પ્રિયંકાને કાર્લ અર્બન કરતા પણ વધુ સારી ગણાવી છે.

