'દારુના નશામાં લાઈફ જેકેટ પહેરવાની ના પાડી હતી', ઝુબીન ગર્ગના મોત અંગે પોલીસનું ચોંકાવનારું નિવેદન

પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગનું સીંગાપોરમાં થયેલા મૃત્યુનો મામલો હજુ ઉકેલાયો નથી. હવે આ મામલે એક મોટો ખુલાસો થયો છે. આ મામલે તપાસ અધિકારીએ સિંગાપોરની કોર્ટમાં જણાવ્યું હતું કે, ઝુબીન ગર્ગ ગત સપ્ટેમ્બરમાં લાઝારસ ટાપુ નજીક ખૂબ જ નશામાં હતો અને લાઇફ જેકેટ પહેરવાનો ઇનકાર કર્યા બાદ ડૂબ્યો હતો.
ગાયકે લાઈફ જેકેટ નહોતું પહેર્યું
મળતી માહિતી મુજબ મુખ્ય તપાસ અધિકારીએ તપાસની શરૂઆતમાં કોર્ટને જણાવ્યું હતું કે, ગાયકે શરૂઆતમાં લાઇફ જેકેટ પહેર્યું હતું, પરંતુ બાદમાં તેને ઉતારી નાખ્યું હતું. તેને બીજું લાઈફ જેકેટ આપ્યું પરંતુ તે પહેરવાની ના પાડી. ઝુબીન ગર્ગ તે સમયે ખૂબ જ નશામાં હતો, ઘણા સાક્ષીઓએ તેને હોડીમાં પાછા ફરવા તરવાનો પ્રયાસ કરતા જોયો હતો. તે થાકીને બેહોશ થતાં પાણીમાં ડૂબી ગયો. ગર્ગને તાત્કાલિક બોટમાં પાછો લાવી CPR આપવામાં આવ્યું, પરંતુ તે દિવસે પાછળથી તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
સિંગાપોર પોલીસે કોઈપણ કાવતરાનો ઈન્કાર કર્યો
કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે ઝુબિનને હાઈ બ્લડ પ્રેશર અને વાઈનો રોગ હતો. છેલ્લે 2024માં હાર્ટએટેક આવ્યો હતો. જોકે, ઘટનાના દિવસે તેણે વાઈ માટે નિયમિત દવા લીધી હતી કે નહીં તે સ્પષ્ટ નથી. રિપોર્ટ અનુસાર સિંગાપોર પોલીસને તેના મૃત્યુમાં કોઈ કાવતરાની આશંકા નથી. તપાસ માટે કુલ 35 સાક્ષીઓને બોલાવવામાં આવ્યા હતા, જેમાં યાટ પરના સાક્ષીઓ, યાટ કેપ્ટન, પોલીસ અધિકારીઓ અને પેરામેડિક્સનો સમાવેશ થાય છે. કેસના મુખ્ય તપાસ અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે ઝુબિન અને યાટ પરના આશરે 20 લોકો કે જેમાં તેના મિત્રો અને સાથીઓ પણ સામેલ હતા. તમામે થોડો નાસ્તો કર્યો અને દારુ પીધો હતો.
લાઇફ જેકેટ વિના પાણીમાં ઉતર્યો
તપાસ અધિકારીએ તે દિવસની ઘટનાઓની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગર્ગે પહેલી વાર તરતા સમયે પોતાનું લાઇફ જેકેટ કાઢી નાખ્યું હતું અને પછી યાટ પર પાછો ફર્યો. સાક્ષીઓએ તેને કહેતા સાંભળ્યો હતો કે, તે થાકી ગયો છે. જ્યારે તેણે ફરી તરવાનું શરૂ કર્યું, ત્યારે તેને બીજું નાનું લાઇફ જેકેટ આપવામાં આવ્યું, પરંતુ તેણે તે પહેરવાની ના પાડી દીધી અને લાઇફ જેકેટ વિના પાણીમાં ઉતર્યો. લાઝારસ આઇલેન્ડ તરફ એકલો તરવા લાગ્યો. ઝુબીનના શરીરની તપાસમાં જાણવા મળ્યું કે મૃત્યુનું કારણ ડૂબવું હતું. રિપોર્ટ અનુસાર તેના શરીર પર કેટલીક ઇજાઓ મળી આવી હતી, પરંતુ આ ઇજાઓ CPR અને બચાવ પ્રયાસો દરમિયાન થઈ હતી. હાઈ બ્લડ પ્રેશર અને વાઈની દવા સિવાય તેના લોહીમાં અન્ય કોઈ દવા મળી નથી.
ઝુબીનના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ
કોર્ટને કહેવામાં આવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે, ઝુબીનના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 100 મિલિલીટર દીઠ 333 મિલિગ્રામ હતું, જે ગંભીર નશો દર્શાવે છે. પોલીસે ગાયકના હોટલ રૂમમાંથી સ્કોચ વ્હિસ્કીની 750 મિલી બોટલ પણ જપ્ત કરી હતી, જેમાં 43 ટકા આલ્કોહોલ હતો અને 25 ટકા બોટલ ભરેલી હતી. રિપોર્ટ મુજબ અનેક સાક્ષીઓના નિવેદનોના આધારે કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા સૂચવે છે કે ઝુબીન ગર્ગે આત્મહત્યા કરી નથી કે તેને પાણીમાં ધકેલી દેવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તે સ્વિમિંગ માટે જાતે જ પાણીમાં કૂદી પડ્યો હતો. ગાયકનું પોસ્ટમોર્ટમ કરનાર ફોરેન્સિક પેથોલોજિસ્ટે જુબાની આપી હતી કે તેને આંચકી આવી હતી કે નહીં તે પુષ્ટિ કરી શકાતી નથી, કારણ કે જીભ કપાવા જેવા જોઈ લક્ષણો નહોતા.

