'આખી રાત ઊંઘી ન શક્યો', અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યું દર્દ; ઉત્તમ કામની શોધમાં સવાર સુધી જાગતા રહ્યા મહાનાયક

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહી પોતાના ચાહકો માટે દરરોજ કંઈક ને કંઈક અપડેટ શેર કરતા રહે છે. બિગ બી પોતાની લાઈફ અપડેટ્સ પણ ફેન્સ સાથે અવારનવાર શેર કરે છે. બીગ બીનો બ્લોગ પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે, જેમાં તેઓ પોતાની રસપ્રદ શૈલીમાં રોજબરોજની વસ્તુઓ અને વિચારોને વાચા આપે છે. બીગ બીએ હાલમાં જ એક એવી પોસ્ટ શેર કરી છે, જે કોઈપણ વ્યક્તિ માટે પ્રેરણારૂપ બની શકે છે. અમિતાભ બચ્ચન દાયકાઓથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે, પરંતુ આજે પણ તેઓ પોતાની કરિયરના શરૂઆતના દિવસો જેટલી જ આકરી મહેનત કરે છે અને હંમેશા ઉત્તમ કામની શોધમાં રહે છે.
'મને રાત્રે ઊંઘ ન આવી' - અમિતાભ બચ્ચને સ્વીકાર્યું
ઇન્ડસ્ટ્રીમાં દાયકાઓ વિતાવ્યા પછી પણ અમિતાભ બચ્ચન પોતાના કામને એ જ લગન અને પરફેક્શન સાથે કરે છે, જેણે તેમની કરિયરને આટલી ખાસ બનાવી છે. એક બ્લોગ પોસ્ટમાં આ દિગ્ગજ અભિનેતાએ જણાવ્યું કે, તેમણે પોતાના કામના એક ભાગને ફરીથી રી-શૂટ (અથવા રી-ડબ) કર્યો કારણ કે તેમને લાગ્યું કે તેને તેઓ હજુ વધુ સારી રીતે કરી શકે તેમ છે.
શુક્રવારે સવારે અમિતાભે પોતાના બ્લોગ પર જણાવ્યું કે, કામ સંબંધિત વિચારોના કારણે તેઓ રાતભર ઊંઘી શક્યા નહોતા. તેમણે લખ્યું કે, 'કામની કેટલીક પળ, એને પુરું કર્યા પછી મને લાગ્યું કે હજુ પણ એને વધુ સારું કરી શકાય તેમ હતું. મને મંજૂરી મળી એટલા માટે મેં બીજી વખત કર્યું. હવે મને નથી ખબર કે એ સારું થયું કે નહીં. એને જોનારા જ બતાવી શકશે. આ વિચારોના કારણે હું ઉંઘી ના શક્યો. અને ક્યારે સવાર થઈ ગઈ ખબર પણ ના પડી. એક્સટેન્ડેડ ફેમિલીને શુભેચ્છાઓ અને પ્રેમ." અગાઉ બિઝી શેડ્યૂલ અંગે કરી હતી વાત
હજુ એક અઠવાડિયા પહેલા જ ૮૩ વર્ષના બિગ બીએ ફેન્સને પોતાના અત્યંત વ્યસ્ત કામના શેડ્યૂલની ઝલક બતાવી હતી. અભિનેતાએ પોતાના બ્લોગ પર લખ્યું હતું કે, "કામ એ કામ છે... કામ એ કામ છે... કામ એ કામ છે...!!! આજે ૧૨ શોર્ટ ફિલ્મો શૂટ કરી... ૨ સ્ટિલ શૂટ કર્યા... અને હવે તમારા લોકો માટે કામ કરી રહ્યો છું."
તેમણે ઉમેર્યું હતું કે તેમના માટે ફેન્સ સાથે જોડાયેલા રહેવાની પ્રક્રિયા એવી છે જે ક્યારેય અટકવી જોઈએ નહીં. તેમણે આગળ લખ્યું, "...જોડાવાની આ પ્રક્રિયા, કોઈપણ વિલંબ વિના, આજનું કામ છે... બાકી બધું તો ચાલતું રહેશે! આ અટકવું ન જોઈએ!! કામના દિવસ પહેલા ઘણા દિવસોની તૈયારી હોવા છતાં મન લગાવીને વાંચવું અને પરિસ્થિતિ અને દૃષ્ટિકોણ સાથે ક્યારેય સમાધાન ન કરવું!!!! બસ હવે... સૂવા જઈ રહ્યો છું."
બિગ બી આગામી સમયમાં નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી સુપરહિટ ફિલ્મ 'કલ્કિ 2898 AD' ના સિક્વલમાં જોવા મળશે. વર્ષ 2024માં રિલીઝ થયેલી આ ફિલ્મના પહેલા પાર્ટમાં અમિતાભ બચ્ચને 'અશ્વત્થામા'ની ભવ્ય ભૂમિકા ભજવી હતી. ક્રિટિક્સ અને દર્શકોએ તેમના અભિનયના ભારોભાર વખાણ કર્યા હતા અને ઘણા લોકોનું માનવું હતું કે ફિલ્મમાં તેઓ પ્રભાસ પર પણ ભારે પડ્યા હતા. આ હાઈ-બજેટ સિક્વલમાં તેઓ કમલ હાસન અને પ્રભાસ સાથે ફરી એકવાર એ જ દમદાર રોલમાં જોવા મળશે. જોકે, દીપિકા પાદુકોણ જે પહેલી ફિલ્મનો મહત્વનો હિસ્સો હતી, તે આ સિક્વલમાં જોવા મળશે નહીં. મેકર્સે હજુ સુધી તેની જગ્યાએ કોઈ અન્ય અભિનેત્રીનું નામ ફાઈનલ કર્યું નથી, પરંતુ ચર્ચાઓ છે કે સાઈ પલ્લવી અથવા આલિયા ભટ્ટમાંથી કોઈ એક તેની જગ્યા લઈ શકે છે.

