મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ઘરની બહાર ફાયરિંગ બાદ આવ્યું પંજાબી સિંગરનું નિવેદન, પોસ્ટ શેર કરીને કહ્યું- 'મારા લોકો...'

રવિવારે રાત્રે કેનેડામાં જાણીતા અને પ્રખ્યાત પંજાબી ગાયક એપી ઢિલ્લોનના ઘરની બહાર કેટ

ઘરની બહાર ફાયરિંગ બાદ આવ્યું પંજાબી સિંગરનું નિવેદન, પોસ્ટ શેર કરીને કહ્યું- 'મારા લોકો...'

રવિવારે રાત્રે કેનેડામાં જાણીતા અને પ્રખ્યાત પંજાબી ગાયક એપી ઢિલ્લોનના ઘરની બહાર કેટલાક અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સિંગર ઢિલ્લોનનું ઘર વેનકુવરના વિક્ટોરિયા આઇલેન્ડ પર છે. ફાયરિંગની ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. હવે, એક દિવસ પછી એપી ઢિલ્લોને પોતે આ મામલે પોતાનું મૌન તોડ્યું અને તેના સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કર્યું.

તેનું નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેને વાંચીને તેના ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. તાજેતરમાં, એપી ઢિલ્લોને તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના ફેન્સને જણાવ્યું હતું કે, તે સુરક્ષિત છે. તેણે તેના તમામ ફેન્સ અને પોલીસનો પણ આભાર માન્યો અને કહ્યું કે, તે અને તેના લોકો સુરક્ષિત છે. જોકે, આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય રોહિત ગોદરાએ લીધી છે. રોહિતનો દાવો છે કે, આ ગોળીબાર કેનેડામાં બે જગ્યાએ વિક્ટોરિયા આઇલેન્ડ અને વુડબ્રિજ ટોરોન્ટોમાં થયો હતો, જેની જવાબદારી તે લે છે.

એપી ઢિલ્લોને બહાર પાડ્યું હતું એક નિવેદન 

સિંગરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘હું સુરક્ષિત છું, મારા લોકો પણ સુરક્ષિત છે. મારો સંપર્ક કરનાર દરેકનો હૃદયપૂર્વક આભાર. તમારા સમર્થનનો અર્થ મારા માટે ઘણો છે.’ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફાયરિંગ પાછળનું કારણ જણાવતા રોહિત ગોદારાએ કહ્યું કે, આ હુમલો એટલા માટે કરવામાં આવ્યો કારણ કે એપી ઢિલ્લોને હાલમાં જ એક મ્યુઝિક વીડિયોમાં સલમાન ખાન સાથે કામ કર્યું હતું, જેમાં તેની સાથે સંજય દત્ત પણ જોવા મળે છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, રોહિત ગોદારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે સંબંધ ધરાવે છે.

તેના ગીતો માટે જાણીતા છે એપી ઢિલ્લોન

આ પહેલા રોહિત ગોદારાએ પણ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. એપી ઢિલ્લોન પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને 80ના દાયકાની સિન્થ-પોપ શૈલી સાથે જોડવા માટે જાણીતો છે. તેના ઘણા ગીતો ખૂબ પ્રખ્યાત થયા છે અને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. તેના હિટ ગીતોની યાદીમાં 'બ્રાઉન મુંડે', 'એક્સક્યુઝ', 'સમર હાઈ', 'વિથ યુ', 'દિલ નુ' અને 'પાગલ' જેવા ગીતોનો સમાવેશ થાય છે. જેના કારણે તેણે ગ્લોબલ લેવલ પર પોતાની ઓળખ બનાવી છે. સલમાન અને ઢિલ્લોન પહેલા બિશ્નોઈ ગેંગે સિંગર ગિપ્પી ગ્રેવાલના ઘરે કથિત ફાયરિંગની જવાબદારી લીધી હતી.

આ સમાચાર શેર કરો