JEE Mains 2026 સેશન 1 માટે બહાર પડ્યું એડમિટ કાર્ડ, આ રીતે કરી લો ડાઉનલોડ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE Main 2026 સેશન 1ના ઉમેદવારો માટે એક મોટું અપડેટ બહાર પાડ્યું છે. NTAએ આજે 17 જાન્યુઆરી, 2026ના રોજ JEE Mains સેશન 1નું એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ હવે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવા માંગતા લાખો વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા મહત્ત્વપૂર્ણ છે. એડમિટ કાર્ડમાં પરીક્ષાની તારીખ, કેન્દ્ર અને જરૂરી સૂચનાઓ હોઉં છે, જે કાળજીપૂર્વક વાંચવા આવશ્યક છે.
આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ
NTAએ JEE Mains 2026 સેશન 1નું એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર ઉપલબ્ધ કરાવ્યું છે. સેશન 1ની પરીક્ષા 21, 22, 23 અને 24 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેલ્લી ઘડીની મુશ્કેલીઓ ટાળવા માટે તેમના પ્રવેશ કાર્ડ અગાઉથી ડાઉનલોડ કરી લે.
જો કોઈ કારણોસર એડમિટ કાર્ડ માટે ડાયરેક્ટ લિંક કામ ન કરી રહી હોય, તો ગભરાવાની જરૂર નથી. ઉમેદવારો વેબસાઈટ પર ઉપલબ્ધ બીજી લિંક દ્વારા લોગિન કરી શકે છે. આ માટે તેમનો અરજી નંબર અને પાસવર્ડ જરૂરી રહેશે. લોગિન કર્યા પછી એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે, જે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી લેવું જોઈએ.
એડમિટ કાર્ડમાં ઉમેદવારનું નામ, રોલ નંબર, પરીક્ષા કેન્દ્રનું સરનામું, પરીક્ષા તારીખ અને સમય જેવી મહત્ત્વપૂર્ણ માહિતી હોય છે. પરીક્ષાના દિવસે એડમિટ કાર્ડ સાથે માન્ય ફોટો ID સાથે રાખવું ફરજિયાત છે.
પરીક્ષાની તારીખ
JEE Mains દર વર્ષે બે સેશનમાં કમ્પ્યુટર બેઝ્ડ મોડ (CBT) માં લેવામાં આવે છે. પ્રથમ સેશન જાન્યુઆરીમાં અને બીજું સેશન એપ્રિલમાં યોજાય છે. સેશન 1ના પરિણામો 12 ફેબ્રુઆરી, 2026 સુધીમાં જાહેર થવાની સંભાવના છે. જ્યારે JEE Mains સેશન-2ની પરીક્ષા 1થી 10 એપ્રિલ 2026 દરમિયાન યોજાશે, જેનું પરિણામ 20 એપ્રિલ 2026 સુધીમાં જાહેર કરવામાં આવશે.

