મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

National Science Day 2025 / ગુજરાતમાં 80 ટકા વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ નથી પસંદ કરતા, જાણો શું છે તેના કારણો

ફિઝીક્સમાં એક સદી પૂર્વે ભારતનું નામ વિશ્વભરમાં રોશન કરનાર, ઈ.સ. 1930 માં રમન ઈફેક્ટની શોધ મા

National Science Day 2025 / ગુજરાતમાં 80 ટકા વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ નથી પસંદ કરતા, જાણો શું છે તેના કારણો

ફિઝીક્સમાં એક સદી પૂર્વે ભારતનું નામ વિશ્વભરમાં રોશન કરનાર, ઈ.સ. 1930 માં રમન ઈફેક્ટની શોધ માટે નોબેલ પ્રાઈઝ મેળવનાર તમિલ બ્રાહ્મણ પરિવારમાં 7 નવેમ્બર 1888ના જન્મેલા ચંદ્રશેખર વેંકટ રામન (સીવી રામન) ના માનમાં દેશમાં ઈ.સ. 1987થી દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં છે. ગુજરાતમાં આજે વિજ્ઞાન દિવસથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે તેના પર નજર કરતા જ દર પાંચમાંથી ચાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ પસંદ નથી કરતા. ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 4,23,909 વિદ્યાર્થીઓ સામે વિજ્ઞાાન પ્રવાહમાં માત્ર 1,11,384 વિદ્યાર્થીઓ જ નોંધાયા છે.

ધો. 11, 12 સાયન્સમાં ભણાવવા માટે સરેરાશ ખર્ચ 3થી 4 લાખ રૂપિયા

ગુજરાતમાં વિજ્ઞાાનથી વિમુખ થઈ રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ અંગે શિક્ષણવિદ્દોનો સંપર્ક સાધતા મુખ્ય બે કારણો બહાર આવ્યા હતા. હાલના સમયમાં વિજ્ઞાાનમાં એ ગ્રુપ એટલે કે ઈજનેરી માટેની વિદ્યાશાખામાં બેફામ ખાનગીકરણના પગલે સીટો ઘણી વધી ગઈ પરંતુ, ટેકનોલોજી ભણ્યા પછી સન્માનભેર જોબ, સર્વિસની ગેરેંટી નથી મળતી. જ્યારે બી ગ્રુપ એટલે કે મેડીકલમાં હજુ ડિમાન્ડ છે પરંતુ તેનો ખર્ચ શિક્ષણમાં નિરંકુશ ખાનગીકરણના કારણે અસહ્ય વધી ગયો છે. બાળકોને ધોરણ 11, 12 સાયન્સમાં ભણાવવા માટે સરેરાશ 3થી 4 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. 

મેડીકલ સીટો કાગળ ઉપર વધી પણ ઓછી ફીવાળી સીટો નહીવત

સરકારની પોલીસીના કારણે કુલ મેડીકલ સીટો કાગળ ઉપર વધી પણ ઓછી ફીવાળી સીટો નહીવત છે. આ કારણે તબીબી વિદ્યાશાખામાં ભણવા ડોનેશનમાં પચાસ લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયા જેટલો તોતિંગ ખર્ચ થતો હોય છે અને તે સામાન્ય વાલીઓની પહોંચની બહાર છે. ઉલ્લેખનીય છે કે આ કારણે જ ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ઓછી ફી વાળા અન્ય નાના નાના દેશોમાં મેડીકલ ભણવા જવાનું પસંદ કરવા લાગ્યા છે. આમ, એક તરફ વિદ્યાર્થીઓને વિજ્ઞાાન ભણવું અઘરૂં લાગે છે અને વાલીઓને વિજ્ઞાાનમાં બાળકોને ભણાવવા અતિ ખર્ચાળ લાગે છે. 

રાજકોટ મનપાના કરોડોનું આંધણ કરીને હાઈસ્કૂલો ખડકી દેવાઈ છે પરંતુ, શર્મનાક બાબત એ છે કે ગરીબ-મધ્યમવર્ગની કન્યાઓ માટે એક પણ સ્કૂલમાં વિજ્ઞાાન પ્રવાહ નથી શરૂ કરાયો. આથી વિજ્ઞાન ભણવા માંગતી કન્યાઓએ ફરજીયાત ખાનગી સ્કૂલમાં પ્રવેશ લેવો પડે જે પરવડતો નથી. આવી સ્થિતિ રાજ્યમાં અનેક જગ્યાએ છે. સરકારે આ વર્ષે આજે વિજ્ઞાન દિવસ ઉજવવાની નક્કી કરેલી થીમ 'વિકસીત ભારત માટે વિજ્ઞાન અને સંશોધનના ક્ષેત્રે ભારતીય યુવાનો વિશ્વનું નેતૃત્વ કરે તેવા સશક્ત બનાવવા' નો છે. આ ધ્યેય સાકાર કરવા મુશ્કેલ નથી પરંતુ, આ માટે વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને રસ લેતા કરવાની સાથે વિજ્ઞાન શિક્ષણ દરેક માટે સુગમ કરવાની જરૂર છે. 

આ સમાચાર શેર કરો