જ્યારે રતન ટાટાએ અમેરિકાની ફોર્ડ પાસેથી લીધો હતો પોતાના અપમાનનો બદલો
ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. રતન ટાટાના નિધન બાદ દેશમાં શોકની લહેર જોવા

ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. રતન ટાટાના નિધન બાદ દેશમાં શોકની લહેર જોવા મળી રહી છે. રતન ટાટાને લોકો યાદ કરી રહ્યાં છે. રતન ટાટાએ ફોર્ડ જેવી વિદેશી કંપની પાસેથી પોતાના અપમાનનો બદલો લીધો હતો. શું હતી આ ઘટના અને રતન ટાટાએ કેવી રીતે વિદેશી કંપની ફોર્ડ પાસેથી પોતાના અપમાનનો બદલો લીધો તેના વિશે જાણીયે...
કેટલાક વર્ષ પહેલા બિરલા પ્રિસિજન ટેકનોલોજીના ચેરમેન વેદાંત બિરલાએ ટ્વિટર પર એક વાર્તા કહી હતી. અને તે વાત હતી રતન ટાટાના ફોર્ડના બદલાની કહાની... આ વાત વર્ષ 1998ની છે. ટાટા મોટર્સે ભારતની પ્રથમ સ્વદેશી કાર ટાટા ઇન્ડિકાને લૉન્ચ કરી હતી. ટાટા ઇન્ડિકા રતન ટાટાનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો. જોકે, આ કારને આશા અનુસાર સફળતા મળી નહતી, જેનું કારણ કંપની નુકસાનમાં જતી રહી હતી. કારના ઓછા વેચાણને કારણે ટાટા મોટર્સ પોતાના કારના વેપારને એક વર્ષની અંદર વેચવા માંગતું હતું, જેના માટે ટાટાએ 1999માં અમેરિકાની મોટી કાર કંપની ફોર્ડ સાથે વાત કરવાનો નિર્ણય કર્યો હતો.
વાતચીત માટે અમેરિકા ગયા હતા રતન ટાટા
આ સોદા માટે રતન ટાટા પોતાની ટીમ સાથે ફોર્ડ કંપનીના ચેરમેન બિલ ફોર્ડને મળવા માટે અમેરિકા ગયા હતા.બન્ને કંપનીઓ વચ્ચે એક મીટિંગ થઇ. આ મીટિંગ દરમિયાન બિલ ફોર્ડે રતન ટાટાને અપમાનિત કર્યા હતા. બિલ ફોર્ડે રતન ટાટાને કહ્યું કે તેમને કાર બિઝનેસમાં ઉતરવું જોઇતું નહતું. કહેવામાં આવે છે કે બિલ ફોર્ડે એમ પણ કહી દીધુ કે તમે પેસેન્જર કાર ડિવીઝન કેમ શરું કર્યું? તેના વિશે તમે કંઇ જાણતા નથી. બિલ ફોર્ડે કહ્યું કે જો હું આ સોદો કરૂ છું તો તમારા પર અહેસાન કરીશ. તે બાદ બન્ને કંપનીઓ વચ્ચે વાતચીત તૂટી ગઇ હતી. આ અંગે કોઇ સોદો થયો નહતો. તે બાદ રતન ટાટાએ ઇન્ડિકાના પ્રોડક્શન યૂનિટને ના વેચવાનો નિર્ણય કર્યો હતો.
પછી શું થયું?
તે બાદ જે થયું તે બિઝનેસની દુનિયામાં મોટી ઘટનામાંથી એક છે. 9 વર્ષ પછી ટાટા માટે વસ્તુઓ બદલાતી ગઇ. જ્યારે ફોર્ડ સન 2008ની મંદી પછી નાદારીની આરે હતી. આ પછી રતન ટાટાએ ફોર્ડ પોર્ટફોલિયોની બે પોપ્યુલર બ્રાન્ડ જગુઆર અને લેન્ડરોવર ખરીદવાની ઓફર કરી હતી. જૂન 2008માં ટાટાએ ફોર્ડ પાસેથી જગુઆર અને લેન્ડ રોવરને 2.3 બિલિયન ડૉલરમાં ખરીદી લીધી હતી. એવું કહેવાય છે કે ફોર્ડના ચેરમેન બિલ ફોર્ડે ટાટાનો આભાર માનતા કહ્યું કે તમે તેમને ખરીદીને અમારા પર મોટો ઉપકાર કરી રહ્યા છો. આ પછી ટાટાએ જેએલઆરના બિઝનેસને નફામાં ફેરવી દીધો હતો.
ભારતમાં પણ ફોર્ડની ફેક્ટરી ખરીદી
તે બાદ વર્ષ 2022માં ફોર્ડે ભારતીય બજારમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે ફોર્ડની ભારતમાં કાર બનાવવાની બે ફેક્ટરી હતી. એક ચેન્નાઇમાં અને બીજી ફેક્ટરી સાણંદમાં હતી. તે સમયે પણ ફોર્ડનો સાણંદ પ્લાન્ટ ખરીદવા માટે ટાટા મોટર્સ જ આગળ આવ્યું હતું. ટાટા મોટર્સે પોતાની એક સબ્સિડિયરી કંપની દ્વાર ફોર્ડ ઇન્ડિયાના સાણંદનો પ્લાન્ટ ખરીદી લીધો હતો.








