મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ટોરેન્ટ પાવરના ચોથા ક્વોર્ટરના પરિણામો જાહેર, શેર દીઠ રૂ. 4ના અંતિમ ડિવિડન્ડની ભલામણ

ટોરેન્ટ પાવર લિમિટેડે 31 માર્ચ 2024ના અંતે સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી

ટોરેન્ટ પાવરના ચોથા ક્વોર્ટરના પરિણામો જાહેર, શેર દીઠ રૂ. 4ના અંતિમ ડિવિડન્ડની ભલામણ

ટોરેન્ટ પાવર લિમિટેડે 31 માર્ચ 2024ના અંતે  સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. વર્ષ 2023-24 માટે કંપનીનો કર પછીનો નફો રૂ. 1896 કરોડ થયો છે. જે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રૂ. 2165 કરોડ હતો.

કામગીરી અંગે માહિતી આપતા કંપનીના ચેરમેન સમીર મહેતાએ જણાવ્યું હતું કે, પાછલા વર્ષ દરમિયાન પાવરની માંગ ખૂબ જ મજબૂત રહી હતી અને ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોવાને કારણે આગળ પણ મજબૂત રહેવાની અપેક્ષા છે. ટોરેન્ટ પાવરનું પાછલુ વર્ષ પરિવર્તનકારી રહ્યું, જેમાં હાલની કામગીરી અને વૃદ્ધિની પહેલોમાં સકારાત્મક વિકાસ થયો.

ટોરેન્ટને 3GWpના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ મેળવવામાં સફળતા મળી

વીજળીની માંગમાં થયેલ વધારો અને એલએનજીના ભાવમાં ઘટાડાના કારણે અમે ભવિષ્યમાં  અમારા ગેસ આધારિત પાવર પ્લાન્ટના ઉપયોગીતા અંગે સારી સંભાવનાઓ જોઈ રહ્યા છીએ. અમારો ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસે પોતાનો સારો દેખાવ કરવાનું ચાલુ રાખ્યું છે અને નવા ઓપરેશનલ બેન્ચમાર્ક સેટ કર્યા છે. કંપનીએ રિન્યુએબલ પ્રોજેક્ટ્સની મોટી પાઈપલાઈન બનાવવામાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે અને ગ્રીન હાઈડ્રોજન અને પંપ સ્ટોરેજ હાઈડ્રોના નવા એનર્જી સેગમેન્ટ્સમાં પણ શુભ શરૂઆત કરી છે. વર્ષ દરમિયાન ટોરેન્ટને લગભગ 3GWpના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ મેળવવામાં સફળતા મળી છે, જેના કામ અત્યારે ચાલી રહ્યા છે અને આગામી 2-3 વર્ષમાં પૂર્ણ થવાની આશા રાખી રહ્યા છીએ. ટોરેન્ટને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે PLI યોજના હેઠળ 18 કેટીપીએ ક્ષમતા આપવામાં આવી હતી. કંપની પંપ સ્ટોરેજ હાઇડ્રો સેગમેન્ટમાં પણ પ્રવેશ કરવામાં સફળ રહી છે, જેમાં કંપનીને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 2-2 સાઇટ્સ ફાળવવામાં આવી છે.

બોર્ડે નાણાકીય વર્ષ 2023-24 માટે ડિવિડન્ડની ભલામણ કરી

બોર્ડે નાણાકીય વર્ષ 2023-24 માટે ઇક્વિટી શેર દીઠ ₹4.00ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ ડિવિડન્ડ ₹16.00 પ્રતિ ઈક્વિટી શેર છે, જેમાં ઈક્વિટી શેર દીઠ ₹12.00ના વચગાળાના ડિવિડન્ડ અને ઈક્વિટી શેર દીઠ ₹4.00ના અંતિમ ડિવિડન્ડનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો