Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Threat of 500% super tariff on countries buying oil from Russia, open warning to India and China

રશિયા પાસેથી ઓઇલ ખરીદનારા દેશો પર 500% સુપર ટેરિફનું જોખમ, ભારત અને ચીનને ખુલ્લી ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
રશિયા પાસેથી ઓઇલ ખરીદનારા દેશો પર 500% સુપર ટેરિફનું જોખમ, ભારત અને ચીનને ખુલ્લી ચેતવણી
સોર્સ : gstv

વૈશ્વિક બજારમાં કાચા ઓઇલ (Crude Oil) ના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે અમેરિકા તરફથી આવી રહેલા એક મોટા સમાચાર ભારત માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે હવે રશિયા પાસેથી ઓઇલ ખરીદનારા દેશો પર અમેરિકાએ કડકાઈ વધારવાનું શરૂ કર્યું છે.

App Store

અમેરિકાનો હેતુ શું?

અમેરિકાના ચાર શક્તિશાળી સેનેટર્સે ટ્રમ્પ પ્રશાસન સાથે મળીને રશિયા પર નવા આર્થિક પ્રતિબંધો લગાવતા એક બિલને આગળ વધારવા માટે સંમતિ સાધી છે. આ બિલનો મુખ્ય હેતુ રશિયાની આર્થિક કમર તોડવાનો છે, જેથી તેને યુક્રેન સામેના યુદ્ધ માટે ફંડિંગ મળતું બંધ થઈ જાય. આ માટે જે દેશો હજુ પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, યુરેનિયમ અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ખરીદી રહ્યા છે, તેમને નિશાના પર લેવામાં આવ્યા છે. આ કાયદાને 'Sanctioning Russia Act' અંતર્ગત લાવવાની તૈયારી ચાલી રહી છે.

કોણે તૈયાર કર્યું બિલ?

આ પ્રસ્તાવિત બિલને રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ અને રોજર વિકર તેમજ ડેમોક્રેટ સાંસદ રિચર્ડ બ્લૂમેન્થલ અને જીન શાહીન આગળ વધારી રહ્યા છે. આ ચારેય સેનેટર્સે સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પ પ્રશાસન સાથે આ અંગે સહમતિ બની ગઈ છે અને બિલનો નવો ડ્રાફ્ટ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.

બિલના ડ્રાફ્ટમાં શું છે?

આ બિલના પ્રારંભિક ડ્રાફ્ટમાં એક અત્યંત કડક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જે મુજબ રશિયા પાસેથી ઊર્જા સ્ત્રોતો ખરીદવાનું ચાલુ રાખનારા દેશોના અમેરિકા ખાતે થતા નિકાસ (Export) પર 500 ટકા સુધીનો ટેરિફ (આયાત ડ્યુટી) લાદવાની જોગવાઈ હતી. તે સમયે અમેરિકી સેનેટરે તેને 'બોન-ક્રશિંગ' એટલે કે હાડકાં તોડી નાખે તેવી પેનલ્ટી ગણાવી હતી. જોકે, તાજેતરના અહેવાલો મુજબ, નવા ડ્રાફ્ટમાં ટેરિફના દરોમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ ટ્રમ્પ પ્રશાસને હજુ સુધી ફાઈનલ ડ્રાફ્ટ જાહેર ન કર્યો હોવાથી અંતિમ ટેરિફ કેટલો હશે તે હજુ સ્પષ્ટ નથી.

બધુ હવે ટ્રમ્પના હાથમાં?

રાહતની વાત એ છે કે આ પ્રસ્તાવિત બિલમાં અમેરિકન પ્રમુખને એક વિશેષ સત્તા (છૂટ) આપવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. જો અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાના હિત માટે જરૂરી જણાશે, તો રાષ્ટ્રપતિ કોઈપણ દેશને આ પ્રતિબંધોમાંથી 180 દિવસ (આશરે છ મહિના) સુધીની મુક્તિ આપી શકશે. આ કાયદાની ચર્ચામાં ભારત અને ચીનનું નામ વારંવાર સામે આવી રહ્યું છે. અગાઉ જૂન 2025માં સેનેટર લિન્ડસે ગ્રેહામે સોશિયલ મીડિયા પર ખુલ્લી ચેતવણી આપી હતી કે જો ભારત અને ચીન રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે તો તેમણે આકરા પરિણામો ભોગવવા પડી શકે છે.

ભારત પર કેમ સૌની નજર?

ભારતની વાત કરીએ તો, અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે અમેરિકી ટ્રેઝરી દ્વારા એક અસ્થાયી જનરલ લાયસન્સ જાહેર કરવામાં આવ્યું હતું, જેના હેઠળ ભારત પ્રતિબંધો વિના રશિયા પાસેથી ઓઇલ ખરીદી શકતું હતું. આ મુક્તિની સમયસીમા 17 જૂનના રોજ સમાપ્ત થઈ ગઈ હોવા છતાં ભારતે પોતાની જરૂરિયાતો માટે રશિયા પાસેથી ઓઇલની ખરીદી ચાલુ રાખી છે, જેને કારણે અમેરિકાના આ નવા બિલમાં ભારત ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. જોકે, હાલના તબક્કે ભારત પર કોઈ નવો ટેરિફ લાગુ થયો નથી. આ બિલ હજુ માત્ર સંમતિના સ્તરે છે અને સંસદમાં રજૂ થયા બાદ જ કાયદાકીય પ્રક્રિયા આગળ વધશે. ભારત વિશ્વમાં કાચા ઓઇલનો મોટો આયાતકાર દેશ હોવાથી જો આ બિલ કડક જોગવાઈઓ સાથે પાસ થશે, તો ભારતની વેપાર અને ઊર્જા આયાત નીતિ પર તેની સીધી અસર પડી શકે છે.