સિગારેટ- તમાકુ, કોલ્ડ ડ્રિંક્સ થશે મોંઘા, સરકાર લેવા જઈ રહી છે આ નિર્ણય
સિગારેટ અને તમાકુનું સેવન કરનારાઓના ખિસ્સાનું ભારણ વધવાનું છે. કારણ કે આગામી સમયમાં આ પદાર્થો પર લાગુ જીએસ

સિગારેટ અને તમાકુનું સેવન કરનારાઓના ખિસ્સાનું ભારણ વધવાનું છે. કારણ કે આગામી સમયમાં આ પદાર્થો પર લાગુ જીએસટી દરમાં વધારો થઈ શકે છે. GST કાઉન્સિલની બેઠક પહેલાં દર અંગે સુધારા વધારા માટે રચાયેલા મંત્રી જૂથ (GoM) એ તમાકુ ઉત્પાદનો પર GST 28 ટકાથી વધારીને 35 ટકા કરવાની ભલામણ કરી છે. જોકે, આ અંગેનો અંતિમ નિર્ણય આ મહિને 21મી ડિસેમ્બરે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે.
28 ટકાથી વધારીને 35 ટકા કરવાની ભલામણ
એક રિપોર્ટ મુજબ GST કાઉન્સિલની બેઠક પૂર્વે જીએસટી દર વિશે ચર્ચા વિચારણા માટે રચાયેલી કમિટિએ સિગારેટ અને તમાકુ તેમજ ઠંડા પીણા જેવા હાનિકારક ઉત્પાદનો પરનો GSTનો વર્તમાન દર 28 ટકાથી વધારીને 35 ટકા કરવાની ભલામણ કરી હતી. જો સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે, તો આ ઉત્પાદનોની કિંમતોમાં મોટો ઉછાળો આવી શકે છે.
148 વસ્તુઓના દરોમાં ફેરફારની પણ ભલામણ કરી
એક અધિકારીના હવાલાથી રિપોર્ટમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં જીઓએમની કમિટિએ આ નિર્ણય લીધો છે. 35 ટકાનો આ GST દર હાલના 5%, 12%, 18% અને 28%ના ચાર સ્લેબ સિવાય વધુ એક નવો સ્લેબ હશે. જીઓએમએ તૈયાર અને મોંઘા વસ્ત્રો પરના ટેક્સના દરોના અભ્યાસ કરી તેને યોગ્ય કરવાની ભલામણ કરી છે. આ કમિટિએ 148 વસ્તુઓના દરોમાં ફેરફારની પણ ભલામણ કરી છે.
રેડીમેઈડ કપડાંની કિંમતો વધશે
મંત્રીઓના સમૂહે રૂ.1,500 સુધીની કિંમતના તૈયાર વસ્ત્રો પર 5 ટકા જીએસટીની ભલામણ કરી છે, જ્યારે રૂ. 1,500થી રૂ. 10,000 સુધીની કિંમતના વસ્ત્રો પર 18 ટકા જીએસટી અને રૂપિયા 10 હજારથી વધુની કિંમતના વસ્ત્રો પર 28 ટકા જીએસટીની ભલામણ કરવામાં આવી છે.
જીઓએમની કમિટિએ જીએસટી રેટ્સમાં બદલાવની જે ભલામણ કરી છે તે રિપોર્ટ જીએસટી કાઉન્સિલને સોંપવામાં આવશે. એના પર આખરી નિર્ણય 21 ડિસેમ્બરે મળનારી બેઠકમાં લેવામાં આવશે. જણાવી દઈએ કે જીએસટી કાઉન્સિલની 55મી બેઠક રાજસ્થાનના જેસલમેરમાં 21 ડિસેમ્બરે યોજાવાની છે.
છ માસનો માગ્યો સમય
GST રિફંડ સેસ મુદ્દે રચાયેલી GoMએ તેનો અહેવાલ સબમિટ કરવા GST કાઉન્સિલ પાસે વધુ છ મહિનાનો સમય માગ્યો છે. અગાઉ GoMએ આ રિપોર્ટ 31 ડિસેમ્બર સુધીમાં GST કાઉન્સિલને સુપરત કરવાનો હતો. આ GoMની રચના નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. તેમાં આસામ, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, પંજાબ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના સભ્યોનો સમાવેશ થાય છે.








