નવા વર્ષના પહેલા દિવસથી બદલાઈ જશે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર અસર પડશે કે નહીં
નવા વર્ષની સાથે પર્સનલ ફાયનાન્સ અને બેન્કિંગ સંબંધિત અનેક મોટા ફેરફારો થવાના છે. 1 જાન્યુઆરી, 2025થી લાગુ

નવા વર્ષની સાથે પર્સનલ ફાયનાન્સ અને બેન્કિંગ સંબંધિત અનેક મોટા ફેરફારો થવાના છે. 1 જાન્યુઆરી, 2025થી લાગુ થતા નવા નિયમોની સીધી અસર રોજિંદા જીવન અને ફાયનાન્સિયલ પ્લાનિંગ પર થશે. તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતોથી લઈને પેન્શન-યુપીઆઈ સેવાઓ સુધીના નિયમોમાં ફેરફારો સામેલ છે.
આ પણ વાંચો: UPI યુઝર્સ ખાસ વાંચે, ટ્રાન્જેક્શનમાં 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે આ નવા નિયમો
એલપીજી ગેસના ભાવો યથાવત
દરમહિને બદલાતા એલપીજી ગેસના ભાવો જાન્યુઆરી મહિનામાં યથાવત રહેવાની જાહેરાત થઈ છે. આ જાહેરાત સાથે નવા વર્ષના પહેલા મહિનામાં લોકોના બજેટ પર કોઈ વધારાનો બોજો નહીં પડે. ઉલ્લેખનીય છે, છેલ્લા કેટલાક મહિનાથી એલપીજી ગેસના ભાવો સ્થિર રહ્યા છે. જોકે, કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં વધ-ઘટ જોવા મળી છે.
કાર મોંઘી થશે
દર વર્ષે નવા વર્ષની શરુઆતમાં ઓટોમોબાઇલ કંપનીઓ કારની કિંમતોમાં ફેરફારો કરતી હોય છે. વર્તમાન મોંઘવારી તેમજ કોમ્પોનન્ટ્સના ભાવોમાં વૃદ્ધિના પગલે મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા, અને બીએમડબ્લ્યૂ જેવી કારની કિંમતોમાં 3 ટકા સુધી વૃદ્ધિ જોવા મળી છે. જેથી 1 જાન્યુઆરીથી કાર મોંઘી થશે.
રાશન કાર્ડ માટે ઈ-કેવાયસી જરૂરી
સરકારે રાશન કાર્ડધારકો માટે ઈ-કેવાયસી અનિવાર્ય બનાવ્યું છે. 31 ડિસેમ્બર, 2024 સુધી ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન કરનારા લોકોના રાશન કાર્ડ 1 જાન્યુઆરી, 2025થી રદ થશે.
ફિક્સ્ડ ડિપોઝિટના નવા નિયમ
RBIએ એનબીએફસી અને હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ માટે ફિક્સ્ડ ડિપોઝિટ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નિયમ 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે અને ડિપોઝિટની સુરક્ષા સુનિશ્ચિત કરાશે.
આ પણ વાંચો: નવા વર્ષે PFના આ પાંચ મોટા નિયમોમાં થશે બદલાવ, કર્મચારીઓ પર થશે સીધી અસર
વિઝા નિયમોમાં ફેરફાર
અમેરિકા માટે સ્ટુડન્ટ, વર્ક, ટુરિસ્ટ સહિત નોન-ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરતા અરજદારો પોતાની મરજી મુજબ ઇન્ટરવ્યુ એપોઇન્ટમેન્ટ એક વખત કોઈ વધારાના ચાર્જ વિના રિ-શિડ્યુલ કરાવી શકાશે.
સેન્સેક્સ અને બેન્કિંગ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની નવી તારીખો
બીએસઈના જણાવ્યા પ્રમાણે, 1 જાન્યુઆરી, 2025થી સેન્સેક્સ અને બેન્કેક્સના સાપ્તાહિક કોન્ટ્રાક્ટ દર મંગળવારે પૂરા થશે. અગાઉ તેનો એક્સપાયરી ડે શુક્રવાર હતો.
જાન્યુઆરીમાં સાત દિવસ બેન્કો બંધ
ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં કુલ સાત દિવસ બેન્કો બંધ રહેશે. જેમાં એક મકરસંક્રાતિની રજા તેમજ ચાર રવિવાર અને બીજો-ચોથો શનિવાર સામેલ છે. દેશભરમાં વિવિધ રાજ્યોમાં કુલ 15 દિવસ બેન્ક બંધ રહેવાની છે. જોકે, RBIનું સત્તાવાર હોલિડે લિસ્ટ જાહેર નથી થયું.








