LTCG રદ થાય તો શું થાય? સરકારને આવકમાં રૂ. 50,000 કરોડની વાર્ષિક તૂટ પડી શકે

લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (એલટીસીજી) ટેકસ નાબુદ કરાશે તો નાણાં વર્ષ ૨૦૨૮માં સરકારની તિજોરીને આવકમાં રૂપિયા ૪૦,૦૦૦થી રૂપિયા ૫૦,૦૦૦ કરોડની તૂટ પડવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
એસબીઆઈ રિસર્ચના એક અહેવાલ પ્રમાણે આવકમાં આ સૂચિત ઘટ દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)ના ૦.૧-૦.૨ ટકા જેટલી થવા જાય છે અને તેને કારણે રાજકોષિય શિસ્તતા પર કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે.
નાણાં વર્ષ ૨૦૨૬માં એલટીસીજીની વસૂલી રૂપિયા એક લાખ કરોડ રહ્યાનો અંદાજ છે અને વર્તમાન નાણાં વર્ષમાં તે ઘટી રૂપિયા ૪૦,૦૦૦થી રૂપિયા ૫૦,૦૦૦ કરોડ રહેવા ધારણાં છે.
નાણાં વર્ષ ૨૦૨૫માં એલટીસીજી ટેકસ મારફત સરકારને રૂપિયા ૧.૩૦ લાખ કરોડની આવક થઈ હતી. તેના આગલા વર્ષમાં ૩૦ ટકા જેટલુ વળતર પૂરુ પાડયુ હતું જેનો લાભ લઈ રોકાણકારોએ નફો કરી લીધો હતો.
જો કે છેલ્લા ત્રણ વર્ષથી નિફટીનું વળતર નીચુ રહ્યું છે અને વિદેશી રોકાણકારોનો એકંદર આઉટફલો રૂપિયા ૪.૮૦ લાખ કરોડ રહ્યો હતો.
જો સરકાર સંપૂર્ણ એલટીસીજી ટેકસ નાબુદ કરશે તો પણ તે તેને સહન કરી શકશે એવું અમે માનીએ છી એમ રિપોર્ટમાં જણાવાયું હતું.
રિટેલ રોકાણકારો માટે એલટીસીજીની મુક્તિ મર્યાદા જે રૂપિયા ૧.૨૫ લાખ છે તે વધારી રૂપિયા બે લાખ કરવા અને તેને ફુગાવા સાથે સાંકડી લેવા પણ ભલામણ કરવામાં આવી છે.લાંબા ગાળા સુધીના રોકાણ પર એટલે કે બેથી ત્રણ વર્ષ સુધીના રોકાણ પર ટેકસ દર ઘટાડી પાંચ ટકા કરવા પણ સૂચન કરાયું છે. હાલનો ૧૨.૫૦ ટકા વેરા દર એક થી બે વર્ષ સુધીના હોલ્ડિંગ પર જાળવી રાખવો જોઈએ.
એલટીસીજી ટેકસમાં સૂચિત ખોટને ભરપાઈ કરવા એસબીઆઈ રિસર્ચે સિક્યુરિટીઝ ટ્રાન્ઝકશન ટેકસ (એસટીટી)માં ૫૦ ટકા વધારો કરવા પણ અનુરોધ કર્યો છે. આને કારણે આવકમાં રૂપિયા ૪૫૦૦૦ કરોડ જેટલો વધારો થવા સંભવ છે.








