ભારત માટે AIમાં રોકાણ ઓછું હોવું બન્યું ફાયદો! ઝેરોધાના નીતિન કામથે સમજાવ્યું શેરબજારનું ગણિત

ભારત માટે AIમાં રોકાણ ઓછું હોવું બન્યું ફાયદો! ઝેરોધાના નીતિન કામથે સમજાવ્યું શેરબજારનું ગણિત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલી કંપનીઓના શેરોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતના શેરબજાર માટે એક અનોખી બાબત ફાયદાકારક સાબિત થઈ રહી હોવાનું ઝેરોધા (Zerodha)ના સ્થાપક અને CEO નીતિન કામથે જણાવ્યું છે. તેમના મતે, ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકોમાં મોટી AI કંપનીઓનો અભાવ હોવાને કારણે વૈશ્વિક ટેકનોલોજી બજારમાં થતી અસ્થિરતાની અસર ભારતીય બજાર પર પ્રમાણમાં ઓછી પડી રહી છે.

AI કંપનીઓથી અંતર ભારત માટે ફાયદો

નીતિન કામથે લિંક્ડઇન (LinkedIn) પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતીય બજારમાં મોટી AI કંપનીઓની ગેરહાજરીને કારણે બજારમાં ઓછી અસ્થિરતા જોવા મળી છે. તેમણે આ સ્થિતિને 'એન્ટી-AI ટ્રેડ'નો ફાયદો ગણાવ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં AI સાથે સંકળાયેલી વૈશ્વિક કંપનીઓના શેરોએ પરંપરાગત બજાર સૂચકાંકો કરતાં નોંધપાત્ર સારું પ્રદર્શન કર્યું છે. જોકે, તાજેતરમાં આ શેરોમાં મોટો ઘટાડો પણ જોવા મળ્યો છે.

જાહેરાત

₹100નું રોકાણ વધીને ₹426 થયું

ઝેરોધા દ્વારા રજૂ કરવામાં આવેલા ચાર્ટમાં 3 જાન્યુઆરી, 2022ના રોજ 31 વૈશ્વિક AI કંપનીઓના શેરોમાં કરવામાં આવેલા કાલ્પનિક રૂ. 100ના રોકાણનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ રોકાણને દર ત્રણ મહિને ફરી સંતુલિત (Quarterly Rebalancing) કરવામાં આવ્યું હતું. ચાર્ટના તાજેતરના આંકડા મુજબ, સમાન વજન ધરાવતા AI શેરોના પોર્ટફોલિયોમાં રૂ. 100નું રોકાણ વધીને રૂ. 426 થયું હતું. જ્યારે માર્કેટ કેપિટલાઇઝેશન આધારિત પોર્ટફોલિયોમાં તે રૂ. 267 થયું હતું. તેની સરખામણીએ નિફ્ટી 100માં રોકાણ રૂ. 143 અને નિફ્ટી IT ઇન્ડેક્સમાં રૂ. 84 થયું હતું.

વિદેશી રોકાણકારોની ભારતીય બજારમાં વાપસી

5 નવેમ્બરના રોજ વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં આશરે 1.6 અબજ ડોલરની ચોખ્ખી ખરીદી કરી હતી. લગભગ છ વર્ષમાં એક દિવસની આ સૌથી મોટી ખરીદી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને AI શેરોમાંથી રોકાણકારોની પીછેહઠને કારણે ભારતીય બજારનું આકર્ષણ વધ્યું હોવાનું માનવામાં આવે છે. જોકે, નીતિન કામથના મતે AI કંપનીઓમાં મર્યાદિત રોકાણ હોવું ભારતને વૈશ્વિક ટેકનોલોજી બજારની અસ્થિરતાથી અમુક અંશે રક્ષણ આપી શકે છે, પરંતુ તેના કારણે ભારતીય શેરબજાર સંપૂર્ણ સુરક્ષિત બની જાય અથવા વિદેશી રોકાણ સતત આવતું રહે તેની ખાતરી મળતી નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત