Stock news today: ખાનગી બેન્કના શેરોની વેચવાલીના દબાણથી સેન્સેક્સ 120 પોઇન્ટ ઘટ્યોઃ નિફ્ટી 25818 પર બંધ

Stock news today: એશિયન બજારોના મિશ્ર

Stock news today: ખાનગી બેન્કના શેરોની વેચવાલીના દબાણથી સેન્સેક્સ 120 પોઇન્ટ ઘટ્યોઃ નિફ્ટી 25818 પર બંધ

Stock news today: એશિયન બજારોના મિશ્ર સંકેતો વચ્ચે બુધવારે (17 ડિસેમ્બર) ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યા અને નજીવા ઘટાડા સાથે બંધ થયા. બુધવારે સતત ત્રીજા દિવસે બજાર નીચા સ્તરે બંધ થયું. બંને બેન્ચમાર્ક સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા. આ ઘટાડો રૂપિયામાં નબળાઈ, વિદેશી રોકાણકારોના બહાર નીકળવાના પ્રવાહ અને ભારત-અમેરિકા વેપાર સોદામાં વિલંબ અંગે ચિંતાને કારણે થયો હતો. આ  ઉપરાંત તો.આઇસીઆઇસીઆઇ બેન્ક અને એચડીએફસી બેન્ક જેવા હેવી વેઇટ શેરોમાં થયેલા ઘટાડાએ બજારને નીચે ખેંચ્યું હતું.  ડોલર સામે રૂપિયાની અસ્થિરતાએ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર કરી હતી. જોકે, આરબીઆઇના હસ્તક્ષેપ બાદ રૂપિયો રેકોર્ડ નીચા સ્તરેથી પાછો આવી ગયો છે.

30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ ૮૪,૮૫૬ પર ખુલ્યો. ખુલ્યા પછી ઈન્ડેક્સમાં વધઘટ જોવા મળી અને દિવસ દરમિયાન તે 84,415 પર સરકી ગયો. અંતે તે 120.21 પોઈન્ટ અથવા 0.14 ટકા ઘટીને 84,559.65 પર બંધ થયો.

જાહેરાત

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો નિફ્ટી 50 પણ 25,902 પર ફ્લેટ ખુલ્યો અને પછીના ટ્રેડિંગ સેશનમાં 25,770ના ઇન્ટ્રાડે નીચા સ્તરે ગયો અને પછી 41.55 પોઈન્ટ અથવા 0.16 ટકા ઘટીને 25,818 પર બંધ થયો.

એનરીચ મનીના સીઇઓ પોનમૂડી આરને જણાવ્યું હતું કે,  "ઈક્વિટી બજારો સાંકડી રેન્જમાં ટ્રેડ થયા હતા અને થોડો ઘટાડો થયો હતો. રેકોર્ડ નીચા સ્તરે ખુલ્યા પછી રૂપિયામાં ઇન્ટ્રાડેમાં તીવ્ર રિકવરી અલ્પજીવી હતી, જે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર કરતી હતી."

રૂપિયો અમેરિકન ડોલર સામે 91.07ના સર્વકાલીન નીચા સ્તરે ખુલ્યો અને પછી થોડા સમય માટે મજબૂત થઈને 89.96ની નજીક પહોંચ્યો પરંતુ વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી વચ્ચે 90ના સ્તરથી નીચે સરકી ગયો. 

"સમગ્ર સત્ર દરમિયાન બજારનું સેન્ટિમેન્ટ નબળું રહ્યું. યુએસ ગ્રાહક ફુગાવાના મુખ્ય ડેટા પહેલાં યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો અને સ્થાનિક સ્તરે કોઈ સકારાત્મક સંકેતોના અભાવે પણ બજાર દબાણ હેઠળ રહ્યું," તેમણે જણાવ્યું.

ટોપ ગેનર્સ અને લૂઝર્સ
સેન્સેક્સની કંપનીઓમાં એસબીઆઇ, ઇન્ફોસિસ, એક્સિસ બેન્ક, સન ફાર્મા, મારુતિ સુઝુકી, ટીસીએસ અને ટાટા સ્ટીલ ટોપ ગેનર્સમાં રહ્યા હતાં. આ શેરોમાં 1.5 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ટ્રેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, અદાણી પોર્ટ્સ અને બજાજ ફિનસર્વ મુખ્ય ઘટાડામાં સામેલ હતા.

નિફ્ટી 50 કંપનીઓમાં સૌથી વધારે સુધારો શ્રી રામ ફાઇનાન્સમાં નોધાયો હતો આ કંપનીનો શેર 1.87 ટકા વધ્યો હતો. આ પછી, એસબીઆઇમાં 1.53 ટકા, હિન્ડાલ્કોમાં 1.40 ટકા, આઇશર મોટર્સમાં 1.04 ટકા, ટાટા કન્ઝ્યુમરમાં 0.85 ટકાનો વધારો જોવા મળ્યો.

નિફ્ટી 50 કંપનીઓમાં સૌથી વધારે નુકસાન મેક્સ હેલ્થ કેરમાં નોંધાયું હતું તેમાં 3.91 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પછી, એપોલો હોસ્પિટલ્સ 1.85 ટકા, ટ્રેન્ટ 1.55 ટકા, એચડીએફસી લાઇફ 1.42 ટકા, એસબીઆઇ લાઇફના શેરના ભાવ 1.27 ટકા ઘટ્યા હતા.

બ્રોડર માર્કેટ્સ પણ દબાણ હેઠળ આવ્યાં હતાં.  બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 0.53 ટકા અને 0.84 ટકા ઘટીને લાલ નિશાનમાં બંધ થયા.

આજે મિડકેપ શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 322 પોઇન્ટ ઘટીને 59,389 પર બંધ થયો. આ ઘટાડાને કારણે માર્કેટ બ્રેડ્થમાં વ્યાપક નકારાત્મકતા જોવા મળી અને વધનારા શેરોની સામે ઘટનારા શેરોની સંખ્યા વધારે હતી. 

ક્ષેત્રીય રીતે, નિફ્ટી મીડિયા સૌથી વધુ 1.7 ટકા ઘટ્યું હતું. નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી કેમિકલ્સ પાછળ રહ્યા હતા. દરમિયાન, નિફ્ટી પીએસયુ  બેંક અને નિફ્ટી આઇટી સૂચકાંકો વધારા સાથે બંધ થયા.

રોકાણકારો માટે નિષ્ણાતોની સલાહ છે કે, બજાર હાલમાં કોન્સોલિડેશન મોડમાં છે. મિડ-કેપ શેરો વધુ અસ્થિર છે, તેથી પસંદગીના શેરોમાં સાવચેતીભર્યું વલણ દાખવી કામકાજ કરવું યોગ્ય રહેશે.  સામાન્ય રોકાણકારો માટે સરળ ભાષામાં સમજીએ તો મતલબ સાફ છે-વેચવાલીનું એકધારુ દબાણ છે, અને લેવાલી  હાલમાં ઓછી દેખાય છે. જ્યારે કોઈ શેર સતત ઘટે છે, ત્યારે બજારમાં ભયનું વાતાવરણ બની જાય છે અને નાના રોકાણકારો વધુ પડતાં સાવધ બની જાય છે. 

વૈશ્વિક બજારો
એશિયાઇ બજારોમાં પણ મોટા ભાગના ઇન્ડેક્સ ઘટાડે બંધ રહ્યા હતાં.  રોકાણકારોએ જાપાનના નવા વેપાર ડેટાનું મૂલ્યાંકન કર્યું. જાપાનનો નિક્કી 225 0.14% ઘટ્યો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 પણ 0.21% ઘટ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.5% વધ્યો, જે પ્રાદેશિક વલણને નકારી કાઢે છે.

અમેરિકામાં વોલ સ્ટ્રીટના મુખ્ય ઈન્ડેક્સ મિશ્ર વલણ સાથે બંધ રહ્યા હતાં. નવેમ્બરના રોજગાર અહેવાલના વિલંબિત પ્રકાશનને રોકાણકારોએ પચાવી પાડતાં S&P 500 સતત ત્રીજા દિવસે ઘટ્યો, જે 0.24% ઘટીને બંધ થયો. ટેક-હેવી નાસ્ડેક કમ્પોઝિટ 0.23% વધ્યો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.62% ઘટ્યો.

આ સમાચાર શેર કરો

જાહેરાત