MDH અને એવરેસ્ટ પર સિંગાપોર-હોંગકોંગમાં લાગ્યો પ્રતિબંધ, FSSAI ભારતમાં કરશે તપાસ
સિંગાપોરમાં ભારતીય મસાલા કંપનીઓ એવરેસ્ટ અને MDHના કેટલાક મસાલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મસ

સિંગાપોરમાં ભારતીય મસાલા કંપનીઓ એવરેસ્ટ અને MDHના કેટલાક મસાલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મસાલાઓને બજારમાંથી પાછો ખેંચી લેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે અને લોકો અને વેચાણકર્તાઓને ચેતવણી આપવામાં આવી છે. આ પ્રતિબંધ બાદ ભારત સરકારે FSSAIને આ મસાલાઓની ગુણવત્તા તપાસવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત દેશમાં વેચાતી અન્ય કંપનીઓના મસાલાના ટેસ્ટિંગનો પણ આદેશ આપવામાં આવ્યો છે. FSSAI એ ટેસ્ટિંગ હેતુઓ માટે દેશભરમાંથી MDH અને એવરેસ્ટ સહિત પાવડરના સ્વરૂપમાં તમામ બ્રાન્ડના મસાલાના નમૂના લેવાનું શરૂ કર્યું છે. એક સરકારી સૂત્રએ આ માહિતી આપી છે.
વિદેશમાં મુદ્દો ઉઠ્યા બાદ ચિંતા વધી
સિંગાપોર અને હોંગકોંગમાં આ બંને કંપનીઓના કેટલાક મસાલાની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ આ પગલું ભરવામાં આવી રહ્યું છે. સૂત્રએ મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા FSSAI બજારમાંથી MDH અને એવરેસ્ટ સહિત તમામ બ્રાન્ડના મસાલાના નમૂનાઓ બજારમાંથી લઈ રહ્યું છે જેથી તપાસ કરી શકાય કે તેઓ નિર્ધારિત માપદંડો પૂરા કરે છે કે નહીં.
તપાસવામાં આવી રહી છે ઉત્પાદનની ગુણવત્તા
તેમણે કહ્યું કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) નિકાસ કરવામાં આવતા મસાલાની ગુણવત્તાને નિયંત્રિત કરતી નથી. FSSAI, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ, સ્થાનિક બજારમાં વેચાતા ઉત્પાદનોની ગુણવત્તા ચકાસવા માટે નિયમિતપણે બજારમાંથી મસાલાના નમૂના એકત્રિત કરે છે.
હોંગકોંગ અને સિંગાપોરમાં લાદવામાં આવ્યો પ્રતિબંધ
આ દરમિયાન, સ્પાઈસિસ બોર્ડ ઓફ ઈન્ડિયા હોંગકોંગ અને સિંગાપોરમાં ભારતીય બ્રાન્ડ MDH અને એવરેસ્ટના ચાર મસાલા-મિશ્રણ ઉત્પાદનોના વેચાણ પર લાદવામાં આવેલા પ્રતિબંધની તપાસ કરી રહ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે, આ મસાલામાં જંતુનાશક 'ઇથિલિન ઓક્સાઈડ' સ્વીકાર્ય મર્યાદા કરતાં વધુ મળી આવ્યું છે.
'ઇથિલિન ઓક્સાઇડ' શું છે?
'ઇથિલિન ઓક્સાઇડ' એક ગંધહીન રસાયણ છે, જેનો ઉપયોગ ખાદ્ય ઉત્પાદનોમાં છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવે છે. તેની વધુ પડતી માત્રા માનવ શરીર માટે ખૂબ જ હાનિકારક છે અને કેન્સર જેવી ખતરનાક બીમારીઓનું કારણ પણ બની શકે છે.
ભારતીય મસાલા બોર્ડના અધિકારીએ આપી આ માહિતી
ભારતીય મસાલા બોર્ડના ડાયરેક્ટર એ. બી. રેમા શ્રીએ મીડિયાને જણાવ્યું છે કે, અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. આ અંગે કંપનીઓનો તાત્કાલિક સંપર્ક થઈ શક્યો ન હતો. હોંગકોંગના સેન્ટર ફોર ફૂડ સેફ્ટી (CFS)એ ગ્રાહકોને આ ઉત્પાદનો ન ખરીદવા અને વેપારીઓને તેનું વેચાણ ન કરવા જણાવ્યું છે. જ્યારે સિંગાપોર ફૂડ એજન્સીએ આવા મસાલા પાછા ખેંચી લેવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉત્પાદનોમાં MDH મદ્રાસ કરી પાવડર, એવરેસ્ટ ફિશ કરી મસાલા, MDH સાંબર મસાલા, મિક્સ મસાલા પાવડર અને MDH કરી પાવડર, મિક્સ મસાલા પાવડરનો સમાવેશ થાય છે.








