Sensex today: 3 વાગતા જ બજારે પલટી મારી પણ છેલ્લી 10 મીનિટમાં આખી બાજી બદલાઈ: સેન્સેક્સ 324 અને નિફ્ટી 104 પોઈન્ટની સપાટીએ બંધ

Sensex today: બુધવારે ભારતીય શેરબજાર વધારા સાથે ખુલ્યું અને 25000ને પાર કરી ગયું. પરંતુ 3 વાગતાની સાથે જ, છેલ્લા એક કલાકમાં મોટાપાયે ચોમેરથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. જો કે, છેલ્લી 10 મિનિટમાં, બજારનો મૂડ ફરી બદલાઈ ગયો અને છેલ્લે તેજી સાથે ભારતીય શેરબજારો બંધ રહ્યા હતાં.
આજે, એક રેન્જમાં હોવા છતાં, ભારતીય શેરબજારે સતત છઠ્ઠા દિવસે તેજીનો ટ્રેન્ડ દર્શાવ્યો. સેન્સેક્સ 324 પોઈન્ટના વધારા સાથે 81,425 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 105 પોઈન્ટના વધારા સાથે 24,973 પર બંધ થયો. જોકે, નિફ્ટી 25,000ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી શક્યો નહીં.
30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ લગભગ 403 પોઈન્ટ વધીને 81,504 પર ખુલ્યો. દિવસ દરમિયાન, ઇન્ડેક્સ 81,643.88ની ઊંચી રેન્જ અને 81,235.42ની નીચી રેન્જમાં ટ્રેડ થયો. અંતે, ઇન્ડેક્સ 323.83 પોઈન્ટ અથવા 0.40% વધીને 81,425.15 પર બંધ થયો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી-50 પણ 123 પોઈન્ટના વધારા સાથે 24,991 પોઈન્ટ પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, આ ઇન્ડેક્સ 25,035.70ની ઉચ્ચ રેન્જ અને 24,915.05ની નીચી રેન્જમાં ટ્રેડ થયો. અંતે, નિફ્ટી-50 104.50 પોઈન્ટ અથવા 0.42% વધીને 24,973.10 પોઈન્ટ પર બંધ થયો.
બ્રોડર માર્કેટમાં - વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ અનુક્રમે 0.83% અને 0.73%ના વધારા સાથે બંધ થયા.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
સેન્સેક્સના શેરોમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ, એચસીએલ ટેક, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક અને ટાટા કન્સલ્ટન્સીના શેરમાં વધારો નોંધાયો હતો. આ શેરોમાં 4.50% સુધીનો વધારો થયો હતો. બીજી તરફ, મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એટરનલ મુખ્ય નુકસાનમાં હતા. તેમાં 2.46% સુધીનો ઘટાડો જોવા મળ્યો.
આઇટી અને જાહેર ક્ષેત્રની બેંકોના શેર ચમક્યા
નિફ્ટી આઈટી અને પીએસયુ બેન્ક ઈન્ડેક્સે બ્રોડર માર્કેટમાં અન્ય સેક્ટરલ ઈન્ડેક્સની તુલનાએ સારો દેખાવ કર્યો હતો. અને અનુક્રમે 2.63% અને 2.09% ના વધારા સાથે બંધ થયો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ સૌથી મોટો ઘટાડો હતો, જે 1.28% ના ઘટાડા સાથે બંધ થયો. આ મુખ્યત્વે એમઆરએફ, મહિન્દ્રા & મહિન્દ્રા અને ટીવીએસ મોટર કંપનીના શેરમાં નબળાઈને કારણે હતું.
એશિયાઈ બજારોમાં તેજી
આજે વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ હોવાથી ભારતીય શેરબજારોને સપોર્ટ મળ્યો હતો. રોકાણકારો ચીનના ઓગસ્ટ સીપીઆઇ અને પીપીઆઇ ડેટાની રાહ જોઈ રહ્યા હોવાથી એશિયન બજારોમાં તેજી જોવા મળી. ચીનનો સીએસઆઇ 300 ઇન્ડેક્સ 0.27% વધ્યો, જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ 0.39% વધ્યો. જાપાનનો નિક્કી 0.21% વધ્યો અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.3%ના મજબૂત વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
વોલ સ્ટ્રીટમાં પણ વિક્રમી બંધ
ફેડરલ રિઝર્વ આગામી સપ્તાહે વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી અપેક્ષા રાખતા રોકાણકારો રાત્રે ત્રણેય મુખ્ય યુએસ સૂચકાંકો રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા. ડાઉ જોન્સ 0.43%, S&P 500 0.27% અને નાસ્ડેક 0.37% વધ્યો હતો.
સ્થાનિક સ્તરે નબળી કમાણી
દેશની અંદરની કંપનીઓના ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં નબળા રહ્યા છે. નાણાકીય વર્ષ 26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિફ્ટી-50 કંપનીઓનો કમાણી વૃદ્ધિ દર ફક્ત 7.4% હતો, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ધીમો છે.
એફપીઆઈ દ્વારા વેચવાલી
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) એ આ નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ 2026)માં અત્યાર સુધીમાં રૂપિયા 17,262 કરોડના સરકારી બોન્ડ વેચ્યા છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન રૂપિયા 54,259 કરોડની ખરીદી કરવામાં આવી હતી. નિષ્ણાતો કહે છે કે આ વખતે નફા બુકિંગ, રૂપિયામાં વધઘટ અને વૈશ્વિક વ્યાજ દરો અંગે અનિશ્ચિતતાને કારણે આ આઉટફ્લો જોવા મળ્યો છે.
જીએસટી સુધારા અંગે મૂડીઝની ચેતવણી
સરકારે ત્રીજી સપ્ટેમ્બરે જીએસટીના કર માળખામાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે. આ અંતર્ગત, ચાર ટેક્સ સ્લેબ ઘટાડીને બે મુખ્ય દર કરવામાં આવ્યા છે. આ ફેરફાર 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. રેટિંગ એજન્સી મૂડીઝનું કહેવું છે કે ઓછા ટેક્સ દર ખાનગી વપરાશમાં વધારો કરી શકે છે, પરંતુ આવકમાં ઘટાડો થવાથી સરકારના રાજકોષીય ખાધ અને દેવું ઘટાડવાના પ્રયાસો ધીમા પડી શકે છે.

