Sensex today: સતત બીજા દિવસે છેલ્લા અડધો કલાકમાં વેચવાલી હાવી થતાં સેન્સેક્સ 153 અને નિફ્ટી 62 પોઈન્ટ ઘટ્યો

Sensex today: સાત ઓક્ટોબર બાદ આજે આઠ ઓક્ટોબરે ભારતીય શેરબજારમાં ફરીથી છેલ્લી 30 મિનિટમાં વેચવાલી હાવી થતી જોવા મળી હતી. સવારે NSEનો 50 શેરનો બેન્ચમાર્ક નિફ્ટી 25,079.75 પર ખુલ્યો. એક કલાકમાં, ઈન્ડેક્સ 25,192.50ની ઊંચી સપાટીએ પહોંચી ગયો. જોકે, બપોરે 2 વાગ્યા પછી વેચવાલી શરૂ થઈ અને ત્યારબાદ નિફ્ટી 25,008.50ની નીચી સપાટીએ પહોંચી.
દરમિયાન, બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ 81,899.51 પર ખુલ્યો. ત્યારબાદ તે 82,257.74 ની ઊંચી સપાટીએ પહોંચ્યો. નિફ્ટીની જેમ, સેન્સેક્સમાં પણ ભારે વેચવાલી જોવા મળી, જે 81,646.08 પર ગગડી ગયો.સતત ચાર દિવસની તેજી પછી, બુધવારે ભારતીય શેરબજારોમાં પ્રોફીટ-બુકિંગ જોવા મળ્યું. ઊંચા સ્તરે વેચવાલીનું સતત દબાણ આવવાના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા.
જોકે, નિફ્ટી 25,000ની ઉપર પોતાની પકડ જાળવી રાખવામાં સફળ રહ્યો. આઈટી શેરોમાં ખરીદી જોવા મળી અને કેટલાક મેટલ અને હોસ્પિટલ શેરોમાં તેજી જોવા મળી, પરંતુ ઓટો, બેંકિંગ અને મિડ-કેપ શેરો પર દબાણને કારણે બજારમાં નરમાઇ રહી.
દિવસના ઉતાર-ચઢાવ પછી, સેન્સેક્સ ૧૫૩ પોઈન્ટ ઘટીને 81,774 પર બંધ થયો, અને નિફ્ટી 62 પોઈન્ટ ઘટીને ૨25,046 પર બંધ થયો. બેંકિંગ અને ઓટો સેક્ટરના શેર દબાણ હેઠળ આવ્યા, જ્યારે આઈટી, હોસ્પિટલ અને મેટલ શેરોએ ઘટાડાને મર્યાદિત કર્યો.
જિયોજીત ઈન્વેસ્ટમેન્ટના રીસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ઇન્ડેક્સમાં ભારે વોલેટાલિટી જોવા મળી. એક સારી તેજી પછી પ્રોફિટ બૂકિંગે તેજીની ગતિ ધીમી કરી નાંખી. રોકાણકારોમાં પણ સાવચેતીનું વલણ જોવા મળ્યું, કારણ કે, તેઓ બીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની પહેલા વેલ્યુએશન અને ગ્રોથનું ફરીથી મૂલ્યાંકન કરી રહ્યા છે.
સેક્ટરલ ટ્રેન્ડ્સ મિશ્ર રહ્યા, મજબૂત માંગ અને આકર્ષક મૂલ્યાંકનને કારણે આઇટી શેરોએ વધુ સારો દેખાવ કર્યો, જ્યારે પ્રોફીટ-બુકિંગને કારણે ઓટો, બેંકિંગ અને એફએમસીજી જેવા ક્ષેત્રો દબાણ હેઠળ રહ્યા. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને અમેરિકામાં ચાલી રહેલા સરકારી શટડાઉનને કારણે સોનાના ભાવ ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા. આનાથી જોખમથી બચવાની ભાવનાનો સંકેત મળ્યો. હવે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વ ઘ(એફઓએમસી)ની બેઠક પર છે, તેનાથી નીતિગત દિશાનો સંકેત મળી શકે છે. "આગળ જતાં, જ્યારે વૈશ્વિક વિકાસ મહત્વપૂર્ણ રહેશે, બજારનું ધ્યાન હવે સ્થાનિક કંપનીઓના પરિણામો, મેક્રો ઇકોનોમિક ડેટા અને આગામી તહેવારોની મોસમ પર રહેશે," તેમણે કહ્યું.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
બ્રોડર માર્કેટ્સની વાત કરવામાં આવે તો નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 ઇન્ડેક્સ અનુક્રમે 0.73 ટકા અને 0.52 ટકા ઘટ્યા હતા. ક્ષેત્રીય મોરચે, નિફ્ટી આઇટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાયના બધા ક્ષેત્રો લાલ નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 1.51 ટકા વધ્યો હતો. ઇન્ફોસિસ, ટીસીએસ, કોફોર્જ, એલટીઆઈ માઇન્ડટ્રી, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા જેવા આઇટી શેરોમાં તેજી જોવા મળી હતી.
આ દરમિયાન, નિફ્ટી રિયલ્ટી, મીડિયા, ઓટો અને એનર્જી ઇન્ડેક્સમાં 1% થી વધુનો ઘટાડો થયો હતો. નિફ્ટી બેંક, એફએમસીજી, ફાઇનાન્શિયલ સર્વિસીસ, ફાર્મા, મેટલ અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં પણ 1 ટકાનો ઘટાડો થયો હતો.
બેન્કિંગ શેરો સૌથી વધુ દબાણ હેઠળ હતા. નિફ્ટી બેન્ક 221 પોઈન્ટ ઘટીને 56,018 પર બંધ થયો. RBIના નવા ડ્રાફ્ટ ધોરણો અંગે ચિંતાને કારણે બંધન બેન્ક અને PSU બેન્કિંગ શેરોમાં વેચવાલી જોવા મળી. આ દરમિયાન, SBI કાર્ડ અને RBL બેન્ક 2-5% વધ્યા.ઓટો સેક્ટરમાં પણ દબાણ જોવા મળ્યું. ટાટા મોટર્સના વિદેશી યુનિટ, જગુઆર લેન્ડ રોવરના નબળા Q2 વેચાણના અહેવાલને કારણે 2% ઘટાડો થયો. જગુઆરના જથ્થાબંધ વેચાણમાં 24% ઘટાડો થયો.
ક્લાયન્ટ બીએમડબલ્યુ દ્વારા નફાની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ મહીન્દ્રા એન્ડ મહીન્દ્રાના શેર પણ લગભગ 2% ઘટ્યા અને સંવર્ધન મધરસન 2%થી વધુ ઘટ્યા.
વૈશ્વિક બજારોનો સંકેત
શરૂઆતના કારોબારમાં એશિયન બજારો મિશ્ર રહ્યા. શરૂઆતના કારોબારમાં હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.89 ટકા ઘટ્યો. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.22 ટકા વધ્યો. ચીન અને દક્ષિણ કોરિયાના બજારો રજાઓ માટે બંધ રહ્યા.
બીજી તરફ, વિશ્વ બેંક 2025 માં ચીનની અર્થવ્યવસ્થા 4.8%ના દરે વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા રાખે છે. આ એપ્રિલમાં 4% ના અંદાજ કરતા વધારે છે અને બેઇજિંગના જીડીપી વૃદ્ધિના લક્ષ્યાંકની લગભગ 5% ની નજીક છે.
ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વના સર્વેક્ષણમાં ગ્રાહકોની અપેક્ષાઓમાં ઘટાડો અને ફુગાવામાં વધારો થવાની ચેતવણી દર્શાવ્યા બાદ મંગળવારે વોલ સ્ટ્રીટ પર વૈશ્વિક બજારો નબળા રહ્યા હતા. સરકારી ડેટા જાહેર કરવા પર રાજકીય ગતિરોધને કારણે યુએસ શટડાઉન સાતમા દિવસે પણ ચાલુ રહ્યું હોવાથી આ અહેવાલ પણ મહત્વપૂર્ણ હતો.
દરમિયાન, એઆઇ-આધારિત બજાર અંગે ચિંતાઓ ફરી ઉભી થઈ. અહેવાલોમાં જણાવાયું છે કે ઓરેકલના ક્લાઉડ માર્જિન વિશ્લેષકોની અપેક્ષા કરતા ઓછા હતા અને કંપનીને કેટલાક એન-વિડિયા ચિપ ભાડા સોદામાં નુકસાન થઈ રહ્યું હતું. આ સમાચાર પર ઓરેકલના શેર 2.5 ટકા ઘટ્યા હતા. આ ઉપરાંત, ડાઉ જોન્સ 0.2 ટકા, S&P 500 ઇન્ડેક્સ 0.38 ટકા અને નાસ્ડેક ઇન્ડેક્સ 0.67 ટકા ઘટીને બંધ થયા.

