Sensex today: ફેડના રેટ ઘટાડા છતાં, આ 3 કારણોસર બજાર ઘટ્યું; સેન્સેક્સ 592 પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી 25877 પર બંધ થયો

Sensex today: ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં કાપની જાહેરાત છતાં ભારતીય શેરબજાર ગુરુવારે 30 ઓક્ટોબરે મોટા ઘટાડા સાથે બંધ રહ્યા છે. ફેડના નિર્ણયથી વૈશ્વિક બજારોમાં મિશ્ર ભાવના જોવા મળી અને સ્થાનિક શેરબજારો પર તેની અસર પડી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંક જેવા હેવીવેઇટ શેરોમાં ઘટાડાએ પણ બજારને નીચે ખેંચી લીધું.
30 શેરોવાળો BSE સેન્સેક્સ 84,750.90 પર ખુલ્યો. દિવસ દરમિયાન, તે 84,312ના નીચા અને 84,906ના ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યો. અંતે તે 592.67 પોઈન્ટ અથવા 0.70 ટકા ઘટીને 84,404 પર બંધ થયો.
તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 25,984ના સ્તરે ખુલ્યો. 26,032 અને 25,845 ની વચ્ચે વધ્યા પછી, તે 176.05 પોઈન્ટ અથવા 0.68 ટકા ઘટીને 25,877ના સ્તરે બંધ થયો. નિફ્ટીના 50માંથી 40 શેર ઘટાડે બંધ રહ્યા હતાં, જે દર્શાવે છે કે બજારનો ઘટાડો વ્યાપક હતો.
બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 47,504,242 કરોડથી ઘટીને રૂપિયા 47,156,416.40 કરોડ થયું, જે કુલ માર્કેટ કેપમાં રૂપિયા 3.5 લાખ કરોડનું નુકસાન દર્શાવે છે.
"અપેક્ષા મુજબ, યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો. જોકે, ચેરમેન જેરોમ પોવેલ દ્વારા સૂચવવામાં આવ્યું હતું કે આ 2025 સુધીનો છેલ્લો દર ઘટાડો હોઈ શકે છે તે પછી આ થયું," જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના સંશોધન વડા વિનોદ નાયરે જણાવ્યું. "પોવેલના આ સંકેતથી બજારની તેજી અટકી ગઈ અને વ્યાજ દરમાં વધુ ઘટાડાની અપેક્ષાઓ ઓછી થઈ ગઈ. મજબૂત થતા યુએસ ડોલરે ભારત સહિત ઉભરતા બજારોમાં જોખમ ટાળવા માટે પ્રોત્સાહન આપ્યું."
તેમણે જણાવ્યું હતું કે, ઘરેલું મોરચે બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો મિશ્ર રહેવા અને "સેન્સેક્સ અને F&O સમાપ્તિના કારણે બજારમાં અસ્થિરતા આવી. દરમિયાન, રોકાણકારો ટ્રમ્પ-શી વેપાર વાટાઘાટો પર નજર રાખી રહ્યા છે. આનું કારણ એ છે કે આ ચર્ચાઓને લગતી અનિશ્ચિતતાના કારણે બજારમાં સાવધાનીનો માહોલ છે.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
સેન્સેક્સની કંપનીઓમાં ભારતી એરટેલ, પાવરગ્રીડ, ટેક મહીન્દ્રા, ઇન્ફોસિસ અને બજાજ ફાઇનાન્સના શેરમાં સારો એવો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ, એલ&ટી, ભારત ઇલેક્ટ્રોનિક્સ, અલ્ટ્રાટેક, મારુતિ સુઝુકી અને અદાણી પોર્ટ્સના શેરમાં ઉછાળો જોવા મળ્યો.
વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ અનુક્રમે 0.1 ટકાનો નજીવો વધારો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 0.1 ટકાનો ઘટાડો થયો હતો. ક્ષેત્રીય મોરચે, નિફ્ટી એનર્જી સિવાય, અન્ય તમામ ક્ષેત્રો લાલ નિશાનમાં બંધ થયા હતા.
નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ 0.7 ટકા ઘટ્યા, ત્યારબાદ આઇટી, ઓટો, મેટલ્સ, ફાર્મા, બેંકો અને ઓઇલ એન્ડ ગેસનો સમાવેશ થાય છે. ફાર્મા ઇન્ડેક્સ સૌથી મોટો ઘટાડો રહ્યો. સેમાગ્લુટાઇડ સંબંધિત સમાચારોને કારણે ડૉ. રેડ્ડીઝ લેબ્સ લગભગ 5% ઘટ્યો અને ટોચનો ઘટાડો કરનાર બન્યો. સીઇઓ ઉમંગ વોહરાએ રાજીનામું આપવાની જાહેરાત કરતાં સિપ્લા 3% ઘટ્યો.
આંતરરાષ્ટ્રીય કોલસાના ભાવમાં સુધારો થતાં કોલ ઇન્ડિયા લગભગ 2% વધ્યો. એલ&ટી લીલા નિશાનમાં બંધ થયો પરંતુ તેની ઇન્ટ્રાડે ઊંચી સપાટીએથી નીચે ગયો. પીબી ફિનટેક (પોલિસીબજાર) એ બીજા ક્વાર્ટરના મજબૂત પ્રદર્શન પછી 7% ઉછળ્યો.
શેરબજારમાં ઘટાડા માટે ત્રણ મુખ્ય કારણો
- પોવેલના નિવેદનથી બજારની અપેક્ષાઓ પર પાણી ફરી ગયું. ફેડરલ રિઝર્વના આ નિર્ણયને પૂર્વનિર્ધારિત નિષ્કર્ષ માનવામાં આવતો હતો. જોકે, ફેડના ચેરમેન જેરોમ પોવેલના નિવેદનથી બજારની અપેક્ષાઓ પર પાણી ફરી ગયું. પોવેલે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં દરમાં ઘટાડો નિશ્ચિત નથી, એટલે કે વધુ રાહતની કોઈ ગેરંટી નથી. રોકાણકારોને આશા હતી કે સતત દર ઘટાડાથી બજારમાં નાણાં વધશે, જે અર્થતંત્રને પણ ટેકો આપશે. જોકે, પોવેલનું નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે ફેડ હવે સાવધ છે અને કોઈ ઉતાવળિયા પગલાં લેશે નહીં.
- સેન્સેક્સની ઓક્ટોબર એક્સપાયરી
સેન્સેક્સની ઓક્ટોબર ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની આજે એક્સપાયરી તારીખ હતી. સેન્સેક્સનો પુટ કોલ રેશિયો 0.7 પર રહ્યો, જે એ દર્શાવે છે કે, સેન્સેક્સ કોલ્સમાં પુટ્સની સરખામણીએ વધારે ઓપન ઇન્ટરેસ્ટ છે. બીએસઈ અનુસાર, સેન્સેક્સ કોલ્સમાં સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ 85,000 સ્ટ્રાઇક પર જોવા મળ્યો હતો, ત્યારબાદ 84,600 અને 84,500 સ્ટ્રાઇક જોવા મળી હતી. બીજી તરફ, પુટ્સમાં 84,400 અને 84,300 સ્ટ્રાઇક પર સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળ્યું હતું.
૩. પ્રોફિટ બુકિંગ
સેન્સેક્સ અને નિફ્ટી સર્વકાલીન ઉચ્ચતમ સ્તરની નજીક પહોંચતા બજારમાં નફો-બુકિંગ જોવા મળ્યું. વિશ્લેષકો માને છે કે આજના બજારની ગતિવિધિ નફો-બુકિંગનું પરિણામ છે. આનું કારણ એ છે કે આ મહિનામાં અત્યાર સુધીમાં બેન્ચમાર્ક સૂચકાંકોમાં 5 ટકાથી વધુનો વધારો થયો છે અને તે તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરની નજીક છે. વર્તમાન સ્તરે, સેન્સેક્સ અને નિફ્ટી સપ્ટેમ્બર 2024 માં સ્થાપિત અનુક્રમે 85,978 અને 26,277 ના તેમના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી 2 ટકાથી ઓછા નીચે છે.
વૈશ્વિક બજારો
આ કારણે એશિયાઇ બજારોમાં મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ લગભગ 1 ટકા વધ્યો, જ્યારે જાપાનનો નિક્કી 225 થોડો નીચો બંધ થયો. ઓસ્ટ્રેલિયાનો ASX 200 પણ ઘટ્યો, પરંતુ ટોપિક્સ ઇન્ડેક્સમાં થોડો વધારો જોવા મળ્યો. દરમિયાન, રોકાણકારો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની આગામી બેઠક પર નજર રાખી રહ્યા છે, જે ટ્રમ્પના બીજા કાર્યકાળ પછી તેમની પ્રથમ સામ-સામે વાતચીત હશે. આ બેઠક વેપાર સંબંધોને અસર કરી શકે છે, તેથી બજાર તેના પર નજીકથી નજર રાખી રહ્યું છે.
ગઈકાલે યુએસ બજારોમાં પણ થોડી નબળાઈ જોવા મળી. ડાઉ જોન્સ 0.2 ટકા ઘટીને બંધ થયો, જ્યારે S&P 500માં થોડો ઘટાડો થયો. જોકે, ટેક્નોલૉજી કંપની એનવિડિયાના શેરમાં મજબૂત તેજીને કારણે નાસ્ડેક ઈન્ડેક્સ 0.55 ટકા વધીને નવા રેકોર્ડ 23,958.47 પર પહોંચ્યો.

