ગભરાટભર્યા વેચાણ વચ્ચે સેન્સેક્સમાં 451 અને નિફ્ટીમાં 168 પોઇન્ટનો કડાકો
જાન્યુઆરી સીરીઝના બીજા દિવસે શેરબજારમાં ભારે ચડાવઉતારના પગલે સેન્સેક્સ અને નિફ્ટી લાલ ન

જાન્યુઆરી સીરીઝના બીજા દિવસે શેરબજારમાં ભારે ચડાવઉતારના પગલે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ રહ્યા હતાં. જો કે મિડ કેપ અને સ્મોલ કેપ નીચલા સ્તરેથી સુધરીને બંધ રહ્યા હતા. ફાર્મા, આઇટી, એફએમસીજી, શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે રિયલ્ટી, ઓટો, પીએસયુ ઇન્ડેક્સ ઘટાડે બંધ રહ્યા હતા તેમજ મેટલ અને બેન્કિંગ શેરોમાં પણ દબાણ જોવા મળ્યું હતું.
શેરબજારમાં સોમવારે કારોબારની શરૂઆત મામુલી ઘટાડા સાથે થઇ હતી. જો કે, નિફ્ટી અને સેન્સેક્સે બપોરના ટ્રેડિંગ સેશનમાં સારી રિકવરી કરી હતી, જ્યારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો દ્વારા ગભરાટભરી વેચવાલીનું પ્રભુત્વ રહ્યું હતું જેથી બજાર તેના ઉપરના સ્તરેથી તૂટી ગયું હતું. ગયા સપ્તાહની શરૂઆતમાં બજારમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતુ.
બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી50 સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં એટલે કે સોમવાર, 30 ડિસેમ્બરે મોટા ઘટાડા સાથે બંધ થયા છે. સોમવારે 30 શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ 50 પોઈન્ટથી વધુ ઘટીને 78,637 પર ખુલ્યો હતો. બાદમાં તે 78,395.50 પોઈન્ટ પર સરકી ગયો. અંતે, સેન્સેક્સ 450.94 પોઈન્ટ અથવા 0.57% ના મોટા ઘટાડા સાથે 78,248.13 પર બંધ થયો. સેન્સેક્સ ઉપરના લેવલેથી 876 પોઇન્ટ ઘટ્યો હતો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ લાલ રંગમાં ખુલ્યો હતો અને અસ્થિર ટ્રેડિંગના અંતે 168.50 પોઈન્ટ અથવા 0.71%ના ઘટાડા સાથે 23,644.90 પર બંધ થયો હતો.
આ પણ વાંચો : IPO Listing: ત્રણ કંપનીઓની બજારમાં એન્ટ્રી, ફાર્મા કંપનીના શેરમાં રોકાણકારોને મળ્યો 52 ટકા લિસ્ટિંગ લાભ
ફાર્મા અને આઈટી ઈન્ડેક્સમાં વધારો
આજના ટ્રેડિંગમાં ફાર્મા અને આઈટી સેક્ટરના શેરોમાં સારા ઉછાળાને કારણે નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.01% વધારા સાથે 23,241ના સ્તર પર અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.57% વધારા સાથે 43,971ના સ્તર પર બંધ થયો.
નિફ્ટી એફએમસીજી 0.31% વધારાની સાથે 56,618ના સ્તર પર બંધ થયા છે. તે જ સમયે, બેંક નિફ્ટી 0.70% ઘટાડા સાથે 50,953 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી મેટલ 1.27% ઘટીને 8,610ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સિવાય નિફ્ટી ઓટો 1.43%ના ઘટાડા સાથે 22,768ના સ્તર પર બંધ થયો.
ટોપ લૂઝર્સ
ટાટા મોટર્સના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. ટાઇટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એનટીપીસી, એબીઆઈ, મારુતિ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર સૌથી વધુ ઘટ્યા હતા.
ટોપ ગેઇનર્સ
સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાંથી ઝોમેટોના શેર 4%થી વધુના વધારા સાથે બંધ થયા છે. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ઇન્ડસઇન્ડ બેંક, એશિયન પેઇન્ટ્સ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા.
શુક્રવારે બજાર કેવું હતું?
શુક્રવાર, 27 ડિસેમ્બરના રોજ સેન્સેક્સ 226.59 પોઈન્ટ અથવા 0.29%ના વધારા સાથે 78,699.07ના સ્તર પર બંધ થયા છે. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 63.20 પોઈન્ટ અથવા 0.27 ટકાના વધારા સાથે 23,813.40 પર બંધ રહ્યો હતો.
વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ ચાલુ છે
વિદેશી રોકાણકારો FIIએ શુક્રવારે રૂ. 13.23 અબજ ($155 મિલિયન)ના શેરનું વેચાણ કર્યું હતું અને સતત નવમા ટ્રેડિંગ સત્રમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. તેનાથી વિપરીત, છેલ્લા આઠ સત્રોમાં સ્થાનિક રોકાણકારોએ ઇક્વિટીની ચોખ્ખી ખરીદી કરી હતી.
રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે
સોમવારે અમેરિકન ચલણ સામે રૂપિયો સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો હતો. યુએસ ડોલર સામે રૂપિયો 85.5350 પર બંધ થયો હતો, જે પાછલા સત્રમાં 85.5325થી નજીવો ઘટી ગયો હતો.








