Stock Market Crash: બે દિવસમાં સેન્સેક્સમાં 2500થી વધુ પોઈન્ટનું ગાબડું
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે શેરબજારમાં શુક્રવારે પણ મોટો કડાકો જોવા મળ્યો છે. જેના પગલે રોકાણકારોને

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે શેરબજારમાં શુક્રવારે પણ મોટો કડાકો જોવા મળ્યો છે. જેના પગલે રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.
બજાર બંધ થવા સુધીમાં શુક્રવારે સેન્સેક્સ 808 પોઈન્ટના ઘટાડા સાથે 81,688 પર બંધ થયો હતો. જ્યારે 235 પોઈન્ટ ગગડીને 25,014 પર બંધ થયો હતો. બે દિવસમાં સેન્સેક્સમાં 2500થી વધુ પોઈન્ટનું ગાબડું પડ્યું છે.સેન્સેક્સમાં ગુરૂવારે 1,769 પોઈન્ટના ઘટાડો જોવા મળ્યો હતો.
રોકાણકારોને રૂ. 3.70 લાખ કરોડનું નુકસાન
આજે પણ બજારમાં વેચવાલીથી રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડે છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 461.05 લાખ કરોડ પર બંધ થયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 465.05 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 3.70 લાખ કરોડનું નુકસાન થયું છે. આ સપ્તાહે ભારતીય શેરબજારની માર્કેટ કેપમાં રૂ. 17 લાખ કરોડનો ઘટાડો થયો છે.
આ કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો
પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ વચ્ચે બજારમાં મોટો કડાકો જોવા મળ્યો. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના ભયને કારણે વૈશ્વિક બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ છે.
ક્રૂડ ઓઈલના ભાવને લઈને પણ બજારમાં ચિંતા જોવા મળી છે. ઈરાન તેલ બજારમાં એક પ્રમુખ કારોબારી છે. સંઘર્ષ વધે તો તેલનો સપ્લાય પ્રભાવિત થઈ શકે છે. જેનાથી ભાવ વધી શકે. તેની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ પર પડશે ખાસ કરીને જે ઓઈલની આયાત પર નિર્ભર છે.
અમેરિકામાં મંદીનો ડર વધી ગયો છે, જેના કારણે છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર વિશ્વભરનાં બજારોમાં જોવા મળી રહી છે.








