મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

સેબીએ તેની પ્રેસ રિલીઝ પાછી ખેંચી, કહ્યું પરસ્પર વાતચીતથી ફરિયાદોનું નિરાકરણ આવશે, જાણો યુ-ટર્ન પાછળનું કારણ

માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ સોમવારે તેની 4 સપ્ટેમ્બરની અખબારી યાદી પાછી ખેંચી લી

સેબીએ તેની પ્રેસ રિલીઝ પાછી ખેંચી, કહ્યું પરસ્પર વાતચીતથી ફરિયાદોનું નિરાકરણ આવશે, જાણો યુ-ટર્ન પાછળનું કારણ

માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ સોમવારે તેની 4 સપ્ટેમ્બરની અખબારી યાદી પાછી ખેંચી લીધી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કર્મચારીઓને બહારના તત્વો દ્વારા ઉશ્કેરવામાં આવી રહ્યા છે. સેબીમાં કામ કરવાની પરિસ્થિતિઓ અંગે કર્મચારીઓએ અસંતોષ વ્યક્ત કર્યા બાદ તે જારી કરવામાં આવ્યો હતો. 

5 સપ્ટેમ્બરે સેબી હેડક્વાર્ટરની બહાર મોટી સંખ્યામાં કર્મચારીઓના વિરોધને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કર્મચારીઓએ નિવેદન પાછું ખેંચવાની અને સેબીના વડા માધબી પુરી બુચના રાજીનામાની માંગ કરી હતી.

સોમવારે એક નિવેદનમાં, સેબીએ છેલ્લા 36 વર્ષોમાં ભારતીય સિક્યોરિટીઝ માર્કેટને વિશ્વના સૌથી ગતિશીલ અને સારી રીતે નિયંત્રિત બજારોમાંનું એક બનાવવામાં તેના કર્મચારીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારી છે. સેબીએ જણાવ્યું હતું કે, તે યોગ્ય આંતરિક તંત્ર દ્વારા કર્મચારી-સંબંધિત બાબતો સાથે વ્યવહાર કરે છે.

એક અખબારી નિવેદનમાં બજાર નિયામક સેબીએ જણાવ્યું હતું કે, “સેબી કર્મચારી સંબંધિત બાબતોનો યોગ્ય આંતરિક તંત્ર દ્વારા નિકાલ કરે છે. તમામ ગ્રેડના અધિકારીઓના પ્રતિનિધિઓ સાથે રચનાત્મક ચર્ચા કર્યા પછી, સેબી અને તેના સ્ટાફે પુષ્ટિ કરી છે કે આવા મુદ્દાઓ સંપૂર્ણપણે આંતરિક છે અને તેનું સંચાલન સંસ્થાના શાસનના ઉચ્ચ ધોરણો અનુસાર અને ટાઈમ-બાઉન્ડ ફ્રેમવર્કમાં કરવામાં આવશે."

માધબી પુરી બુચ તેના કાર્યકાળના સૌથી પડકારજનક સમયનો સામનો કરી રહી છે

માધબી પુરી બૂચ માટે, વિરોધ અને આંતરિક મુદ્દાઓ એવા સમયે આવ્યા છે જ્યારે તેણી તેના કાર્યકાળમાં કદાચ સૌથી પડકારજનક સમયનો સામનો કરી રહી છે. બેંકિંગ પ્રોફેશનલમાંથી નિયમનકાર બનેલ માધબી અદાણી ગ્રૂપ સામેની તપાસમાં કથિત હિતોના ટકરાવ અને અન્ય આરોપો સામે ઝઝુમી રહી છે.

કોઈપણ નાણાકીય નિયમનકાર માટે તે અભૂતપૂર્વ છે કે 6 ઓગસ્ટના રોજ, લગભગ 500 કર્મચારીઓએ ટોચના મેનેજમેન્ટ સામે નાણા મંત્રાલયને એક પત્ર લખ્યો હતો, જેમાં અનપ્રોફેશનલ વર્ક કલ્ચરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં જાહેરમાં બધાની સામે અપમાન અને કર્મચારીઓને તાડુકીને દબડાવવા જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ પત્ર વિશે મીડિયા અહેવાલ પ્રકાશિત થયા પછી, સેબીએ એક અખબારી યાદી દ્વારા પ્રતિક્રિયા આપી, આ દાવાઓને "અસંગત" ગણાવ્યા, જેના કારણે કર્મચારીઓમાં આક્રોશ પેદા થયો હતો. નિયમનકારે જણાવ્યું હતું કે, કેટલાક બહારના તત્વોની કાન ભંભેરણીથી કર્મચારીઓએ આ હરકત કરી હતી. 

આ સમાચાર શેર કરો