ડોલર સામે રૂપિયો નવા વિક્રમી તળીયે, જાણો શું છે મુખ્ય કારણ!

વિદેશી હુંડિયામણ બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઉછાળો આવતાં રૂપિયો ફરી ગબડયો હતો. કાલે શેરબજારમાં કડાકો બોલાતા તથા વિશ્વ બજારમાં અમેરિકા તથા ઈરાન વચ્ચે ફરી ઘર્ષણના સંકેતો વહેતાં થતાં તથા ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં આજે રૂપિયા પર દબાણ વધતા ડોલર સામે રૂપિયો ૯૫.50ના નવા તળિયે ઉતર્યો.
રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૪.૪૮ વાળા ગઈ કાલે સવારે રૂ.૯૪.૮૮ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૯૫.૩૪ થઈ ૯૫.૩૧ રહ્યા હતા.
વિશ્વ બજારમાં પણ કાલે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાયો હતો. જો કે વિશ્વ બજારમાં વિવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવ વધ્યા હતા છતાં ડોલર સામે ચીનની કરન્સી મક્કમ હતી. ચીનમાંથી નિકાસ નોંધપાત્ર વધ્યાના અહેવાલ હતા. દરમિયાન, ગોલ્ડમેનના જણાવ્યા મુજબ ચીનની કરન્સી હજી ૨૦ ટકા અંડર વેલ્યુ રહી છે.
દરમિયાન, અમેરિકા પ્રમુખ તથા ચીનના પ્રમુખ વચ્ચે આ સપ્તાહમાં મળનારી મિટિંગ પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ કાલે નીચામાં ૯૭.૯૨ તથા ઉંચામાં ૯૮.૧૫થી ૯૭.૯૮ રહ્યાના નિર્દેશો હતા.
મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ કાલે ૯૬ પૈસા ઉછળી ઉંચામાં ભાવ રૂ.૧૨૯.૬૫ થઈ રૂ.૧૨૯.૬૧ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૯૧ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૧૨.૧૩ થઈ રૂ.૧૧૨.૧૧ રહ્યા હતા. રૂપિયા સામે જાપાનની કરન્સી કાલે ૦.૪૬ ટકા ઉંચકાઈ હતી. ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૮૭ ટકા ઉછળી હતી.
ભારતમાં તાજેતરમાં બે સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેની ઈમ્પેકટ પણ આજે રૂપિયા પર જોવા મળી હતી. ભારતનો રૂપિયો એક વર્ષમાં વિવિધ નવ મુખ્ય કરન્સીઓ સામે ૨૫ ટકા સુધી તૂટયો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં કાલે ક્રૂડતેલના ભાવ વધી ઉંચામાં બેરલના ૧૦૬ ડોલર નજીક પહોંચ્યા હતા. ડોલરના ભાવ સાંજે રૂ.૯૫.૩૧ રહ્યા હતા. દરમિયાન, રૂપિયો ગબડતાં તથા ડોલરના ભાવ ઝડપી ઉછળતાં દેશમાં આયાત થતી ક્રૂડ સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જવાની તથા મોંઘવારી અને ફુગાવો વધવાની ભીતિ જાણકારો જણાવી રહ્યા હતા. રૂપિયા સામે સાંજે ડોલરના ભાવ ઉંચામાં રૂ.૯૫.૩૪ થઈ રૂ.૯૫.૩૧ રહ્યા હતા તથા બંધ ભાવના સંદર્ભમાં રૂપિયો નવા નીચા તળિયે ઉતરી ગયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ડોલર સામે રૂપિયો કાલે સાંજના ભાવ જોતાં ૮૨ પૈસા ગબડયો હતો.
ફોરેક્સ ભાવ
ડોલર રૂ. 95.50
પાઉન્ડ રૂ. 129.83
યુરો રૂ. 112.11
યેન રૂ. 0.60

