મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

અમેરિકન ડોલર સામે રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચ્યો, ક્રૂડના વધતા ભાવની થઈ અસર

ભારતીય રૂપિયો આજે અમેરિકી ડોલર સામે 7 પૈસાથી વધુ તૂટી 84.05ના રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં RBIન

અમેરિકન ડોલર સામે રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચ્યો, ક્રૂડના વધતા ભાવની થઈ અસર

ભારતીય રૂપિયો આજે અમેરિકી ડોલર સામે 7 પૈસાથી વધુ તૂટી 84.05ના રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં RBIની દખલગીરીથી ડોલર સામે રૂપિયાનું સ્તર જાળવી રાખવામાં આવતા તે 83.50 પર સ્થિર થયો હતો. પરંતુ ક્રૂડના વધતા ભાવો અને વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલીના કારણે અંતે ડોલર સામે 84નું લેવલ ક્રોસ કરી ઓલટાઈમ લો થયો હતો.

ક્રૂડ વધુ મોંઘુ થયું

મધ્ય-પૂર્વમાં જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના કારણે ક્રૂડના ભાવો આસમાને પહોંચતાં રૂપિયો નબળો પડ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં જ 10 ટકાથી વધુ ઉછળ્યું હતું. ગઈકાલે પણ 3.5 ટકાથી વધુ ઉછળી 79.1 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું. ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના પુરવઠો અને આયાત પર અસર થઈ છે. ભારતે 2023-24માં 138 અબજ ડોલરનું ક્રૂડ આયાત કર્યું હતું.

FIIની 54231.90 કરોડની વેચવાલી

વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટી બજારમાંથી સતત વેચવાલી નોંધાવી રહ્યા છે. ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં FIIએ રૂ. 54231.90 કરોડની વેચવાલી નોંધાવી છે. જેની અસર પણ રૂપિયા પર થઈ છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે ફેડ વ્યાજના દરોમાં ઘટાડો કરવાનું હાલ પૂરતુ સ્થગિત કરે તેવી અટકળો વચ્ચે વિદેશી રોકાણકારો ફંડ પાછું ખેંચી રહ્યા છે.

RBI દખલગીરી વધારશે

RBI દ્વારા રૂપિયાનું સ્તર જાળવી રાખવા સતત પ્રયાસો થઈ રહ્યા છે. RBIના ડેટા અનુસાર, 27 સપ્ટેમ્બર સુધી દેશની ફોરેક્સ રિઝર્વ વધી 704.9 અબજ ડોલરની રેકોર્ડ ટોચે પહોંચી હતી. રૂપિયાને વધુ નબળો પડતો અટકાવવા માટે RBIએ સોમવારે અનૌપચારિક રીતે બેન્કોને રૂપિયા સામે મોટો દાવ ન રમવા સૂચના આપી હતી.

આ સમાચાર શેર કરો