Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : RBI's big plan: Plastic currency notes will soon come to India, know the special features

ફાટવાની કે પલળવાની ચિંતા ખતમ! ભારતમાં પોલીમર બેંકનોટ્સ લોન્ચ કરવાની તૈયારીમાં RBI

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
ફાટવાની કે પલળવાની ચિંતા ખતમ! ભારતમાં પોલીમર બેંકનોટ્સ લોન્ચ કરવાની તૈયારીમાં RBI
સોર્સ : GSTV

RBI Plastic Notes News: ડિજિટલ પેમેન્ટ અને UPI ના આ જમાનામાં પણ દેશમાં રોકડની માંગ સતત વધી રહી છે. આ સ્થિતિ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભારતમાં ફરી એકવાર પ્લાસ્ટિક એટલે કે પોલીમર બેંકનોટ્સ (Polymer Banknotes) લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. હાલમાં પટના અને મુંબઈમાં મળેલી આરબીઆઈની સેન્ટ્રલ બોર્ડ મીટિંગમાં આ અંગે ગંભીર ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં જ તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે.

App Store

શા માટે RBI પ્લાસ્ટિક નોટો તરફ વળી રહી છે?

દેશમાં રોકડનો વપરાશ વધવાની સાથે આરબીઆઈ પર આર્થિક અને ઓપરેશનલ બોજ સતત વધી રહ્યો છે. આ નિર્ણય પાછળ મુખ્ય ૩ કારણો જવાબદાર છે. આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં બેંકનોટ છાપવાના ખર્ચમાં તીવ્ર ઉછાળા સાથે 6,372.8 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જે અગાઉના વર્ષે 5,101.4 કરોડ રૂપિયાનો હતો. દેશમાં ચલણમાં રહેલી કુલ રોકડ મે મહિનાના મધ્ય સુધીમાં રેકોર્ડ 42.86 ટ્રિલિયન પર પહોંચી ગઈ છે, જે વાર્ષિક ધોરણે 11.5% નો વધારો દર્શાવે છે. માત્ર એક જ વર્ષમાં બજારમાંથી 23.8 અબજ મેલી કે ફાટેલી નોટો પાછી ખેંચવી પડી હતી, જેમાં 500 ની નોટોનો હિસ્સો સૌથી વધુ હતો.

પોલીમર નોટોના ફાયદા

પરંપરાગત કપાસ આધારિત કાગળની નોટોની સરખામણીમાં પોલીમર નોટો લાંબા ગાળે વધુ સસ્તી અને સુરક્ષિત સાબિત થાય છે. વૈશ્વિક રિપોર્ટ્સ અનુસાર, પ્લાસ્ટિકની નોટો કાગળની નોટો કરતાં 2.5 થી 4 ગણી વધુ ટકાઉ હોય છે અને તે સરળતાથી ફાટતી નથી. આ નોટો ખાસ પ્રકારની બાય-એક્સિઅલી ઓરિએન્ટેડ પોલીપ્રોપીલિન ફિલ્મથી બને છે. જેના કારણે તેના પર પાણી, ભેજ, કાદવ કે બેક્ટેરિયાની કોઈ અસર થતી નથી. પોલીમર નોટોમાં અદ્યતન સિક્યોરિટી ફીચર્સ અને ખાસ સ્યાહીનો ઉપયોગ થાય છે, જેથી તેની નકલ કરવી અશક્ય બની જાય છે. પ્લાસ્ટિક નોટો છાપવાનો પ્રારંભિક ખર્ચ સામાન્ય નોટો કરતા બમણો થાય છે, પરંતુ તે લાંબો સમય ચાલતી હોવાથી લાંબા ગાળે સરકારના હજારો કરોડ રૂપિયા બચે છે.

ભારતમાં અગાઉ પણ થયો હતો પ્રયાસ

આરબીઆઈએ આ પૂર્વે ઓક્ટોબર 2009 માં 10 ની 1 અબજ પ્લાસ્ટિક નોટો બહાર પાડવા માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું હતું. ત્યારબાદ 2015-16 માં દેશના પાંચ અલગ-અલગ આબોહવા ધરાવતા શહેરો મૈસૂર, શિમલા, જયપુર, કોચી અને ભુવનેશ્વરમાં આ નોટોનું ફિલ્ડ ટ્રાયલ કરવાની યોજના હતી. જોકે, તે સમયે ટેકનિકલ અને એટીએમ ઓપરેશનલ ખામીઓને કારણે પ્રોજેક્ટ પડતો મુકાયો હતો. હવે આરબીઆઈના અધિકારીઓનું માનવું છે કે આપણું બેંકિંગ ઈકોસિસ્ટમ અને એટીએમ ઓથેન્ટિકેશન સિસ્ટમ અપગ્રેડ થઈ ચૂકી છે, જેથી હવે આ પાયલોટ પ્રોજેક્ટ સરળતાથી અમલી બનાવી શકાશે.

વિશ્વના આ દેશો વર્ષોથી વાપરે છે પ્લાસ્ટિક મની

વિશ્વમાં સૌથી પહેલા 1988 માં ઓસ્ટ્રેલિયાએ પોલીમર નોટો રજૂ કરી હતી અને 1996 સુધીમાં તે સંપૂર્ણપણે પ્લાસ્ટિક કરન્સી પર શિફ્ટ થઈ ગયું હતું. હાલમાં ઓસ્ટ્રેલિયા ઉપરાંત બ્રિટન (UK), કેનેડા, ન્યુઝીલેન્ડ, વિયેતનામ, માલદીવ્સ, રોમાનિયા અને બ્રુનેઈ જેવા અનેક દેશો કાગળને બદલે પ્લાસ્ટિકની નોટોનો જ સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે.