મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

RBIને ગોલ્ડ લોન આપવામાં મળી અનિયમિતતા, ફિનટેક કંપનીઓ નથી કરી રહી RBIની ગાઇડલાઇનનું પાલન

છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના દાગીના ગીરવે મુકીને લોન લેવ

RBIને ગોલ્ડ લોન આપવામાં મળી અનિયમિતતા, ફિનટેક કંપનીઓ નથી કરી રહી RBIની ગાઇડલાઇનનું પાલન

છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના દાગીના ગીરવે મુકીને લોન લેવાનું ચલણ ઝડપથી વધ્યું છે. તેની પાછળનું કારણ એ છે કે, આમાં લોન મેળવનારનો સિબિલ સ્કોર જોવામાં આવતો નથી અને તે સરળતાથી જારી કરવામાં આવે છે. પરંતુ આમાં મોટી હેરાફેરી સામે આવી છે.

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ કહ્યું છે કે, સોના સામે લોન આપવાના મામલે મોટી ગેરરીતિઓ સામે આવી છે. RBIએ સોમવારે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, ફિનટેક કંપનીઓ અને બિઝનેસ કોરસ્પોન્ડન્ટ્સ સાથેની ભાગીદારી દ્વારા આપવામાં આવેલી લોનમાં મોટી હેરાફેરી થઈ છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ ગ્રાહકની હાજરી વિના સોનાનું વેલ્યુએશન અને બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ દ્વારા ક્રેડિટ વેલ્યુએશન સહિતની કેટલીક ખોટી પ્રથાઓને પણ હાઈલાઈટ કરી છે. વધુમાં, ફિનટેક કંપનીઓમાં પ્રસ્થાપિત કેવાયસી અનુપાલન અને લોન વિતરણ અને રી-પેમેન્ટ માટે ઈન્ટરનલ એકાઉન્ટ્સનો ઉપયોગ શામેલ છે.

નોન બેન્કિંગ લેન્ડર્સ ચણા મમરાની જેમ વહેચી રહ્યા છે ગોલ્ડ લોન

અગાઉ, બુધવારે જારી કરાયેલા ઇક્રા રેટિંગ્સનો અહેવાલ દર્શાવે છે કે, બેન્કો અને નોન-બેન્કિંગ ધિરાણકર્તાઓ નાણાકીય વર્ષ 2024-25ના અંત સુધીમાં રૂ. 10 લાખ કરોડની ગોલ્ડ લોન વિતરિત કરવાનો આંકડો પાર કરશે, જ્યારે નાણાકીય વર્ષ 2027 સુધીમાં આ આંકડો 15 લાખ કરોડને પાર કરી શકે છે.

RBIએ આપ્યા તપાસના આદેશ

આ ખોટી પ્રથાઓ સામે આવ્યા પછી, ભારતીય રિઝર્વ બેંકે તમામ દેખરેખ સંસ્થાઓને તેમની સંપૂર્ણ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. RBIએ જણાવ્યું હતું કે, તમામ દેખરેખ હેઠળની સંસ્થાઓએ તેમની ગોલ્ડ લોન નીતિઓ, પ્રક્રિયાઓ અને પ્રેક્ટિસની સંપૂર્ણ સમીક્ષા કરવી જોઈએ જેથી ખામીઓ દૂર કરી શકાય. કેન્દ્રીય બેન્ક દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે, ગોલ્ડ લોન પોર્ટફોલિયોની બારીકીથી તપાસ કરવામાં આવે. ખાસ કરીને કેટલાક ક્ષેત્રોમાં નોંધપાત્ર વૃદ્ધિને જોતાં અને આઉટ સોર્સ પ્રવૃત્તિઓ અને થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડર માટે પર્યાપ્ત નિયંત્રણો છે તેવી ખાતરી કરવા માટે આ તપાસ જરૂરી છે. 

ગોલ્ડ લોન આપતી વખતે સિબિલ સ્કોર ધ્યાને લેવાતો નથી

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગોલ્ડ લોન લેનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગોલ્ડ લોનમાં વધારો થવાનું સૌથી મોટું કારણ એ છે કે, તેમાં સિબિલ સ્કોર વગેરે ધ્યાનમાં લેવામાં આવતા નથી અને આ સરળતાથી ઉપલબ્ધ છે. હાલ, ગોલ્ડ પ્લેજ સામે લોન લેવાનું કુલ મૂલ્ય 10.6 ટકા છે, જ્યારે એક્ટિવ લોનનું પ્રમાણ 14.2 ટકા છે.

આ સમાચાર શેર કરો