VIDEO : સાયબર સુરક્ષા સામેના પડકારો: નાણા મંત્રી નિર્મલા સીતારમણે SEBI અને શેરબજારના હિસ્સેદારોને આપી ચેતવણી
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા તાજેતરમાં સેબી (SEBI) અને શેરબજારના અન્ય હિસ્સેદારોને સાયબર સુરક્ષા અંગે ચેતવણી આપી હતી. તાજેતરમાં નાણાકીય ક્ષેત્રમાં વધી રહેલા સાયબર જોખમો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બદલાતા સમય સાથે SEBI એ ઉભરતા પડકારોનો સામનો કરવા માટે સજ્જ રહેવું પડશે, જેમાં 'સાયબર સુરક્ષા' સૌથી મોટો અને તાકીદનો પડકાર છે.
રાષ્ટ્રીય સ્તરે નુકસાનની ભીતિ
નાણા મંત્રીએ ચેતવણી આપી હતી કે, જો કોઈ મુખ્ય એક્સચેન્જ, ડિપોઝિટરી, ક્લિયરિંગ કોર્પોરેશન અથવા મોટા બ્રોકર પર એક પણ સફળ સાયબર હુમલો થશે તો તે રાષ્ટ્રીય સ્તરે બજારોને ખોરવી શકે છે. આવા હુમલાઓ માત્ર સંપત્તિનો નાશ જ નથી કરતા, પરંતુ જાહેર જનતાના વિશ્વાસને પણ એ રીતે હચમચાવી શકે છે જેને ફરીથી સ્થાપિત કરવામાં વર્ષો લાગી જાય.
AI-આધારિત હુમલાઓનું વધતું જોખમ
આજના યુગમાં ટેકનોલોજી જેટલી મદદરૂપ છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ રહી છે. નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા સંચાલિત ટૂલ્સ સાયબર હુમલાઓને વધુ ઝડપી અને અનુકૂળ બનાવી રહ્યા છે. આ હુમલાઓ હવે વધુ મોટા પાયે અને ઘણીવાર સ્વાયત્ત રીતે હાથ ધરવામાં આવે છે. હુમલાના સાધનો ખૂબ જ ઝડપથી વિકસી રહ્યા છે, અને તેથી જ આપણા સંરક્ષણના સાધનોએ તેનાથી પણ વધુ ઝડપે વિકસિત થવું પડશે.
ભવિષ્યની તૈયારી અને સતર્કતા
નાણા મંત્રીએ સેબી દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા પણ કરી હતી. તેમણે ખાસ કરીને એપ્રિલ 2025થી અમલમાં આવેલા 'સાયબર સિક્યોરિટી અને સાયબર રિઝિલિયન્સ ફ્રેમવર્ક' નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ ફ્રેમવર્કને એક મજબૂત પાયો ગણાવ્યો હતો, જેના પર ભવિષ્યમાં વધુ કામ કરી શકાય છે.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, માત્ર સેબી જ નહીં, પરંતુ તમામ નિયંત્રિત સંસ્થાઓએ પણ અત્યંત સતર્ક રહેવું પડશે. સાયબર સુરક્ષા એ હવે માત્ર ટેકનિકલ બાબત નથી, પરંતુ રાષ્ટ્રીય આર્થિક સ્થિરતા માટેની અનિવાર્ય જરૂરિયાત છે.

