મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Reliance AGM 2024: મુકેશ અંબાણીએ કહ્યું, જામનગરમાં બનાવીશું AI ડેટા સેન્ટર, જણાવ્યો Jioનો ફ્યુચર પ્લાન

મુકેશ અંબાણીના નેતૃત્વમાં દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક

Reliance AGM 2024: મુકેશ અંબાણીએ કહ્યું, જામનગરમાં બનાવીશું AI ડેટા સેન્ટર, જણાવ્યો Jioનો ફ્યુચર પ્લાન

મુકેશ અંબાણીના નેતૃત્વમાં દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક સામાન્ય સભા (AGM) શરૂ થઈ ગઈ છે. બપોરે 2 વાગ્યે મુકેશ અંબાણીના સંબોધનની શરૂઆત થતાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ઝડપથી વધવા લાગ્યા અને 2 ટકાથી વધુ વધ્યા. આ મીટિંગ દરમિયાન રિલાયન્સના ચેરમેન રિલાયન્સ ગ્રૂપની બે કંપનીઓ રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના આઈપીઓ અંગે ચિત્ર સ્પષ્ટ કરી શકે છે.

દરેક ભારતીયને AI સાથે જોડવાનું લક્ષ્ય

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે વાત કરતા મુકેશ અંબાણીએ Jioની ભવિષ્યની યોજનાઓ સમજાવતા કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય દરેક ભારતીયને AI સાથે જોડવાનો છે. તેમણે કહ્યું કે, અમે લોકોને AI સાથે જોડવાનું વચન પૂરું કરીશું. આ માટે Jio Brainના નામે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લાવવામાં આવશે અને ગુજરાતના જામનગરમાં AI ડેટા સેન્ટર બનાવવામાં આવશે. મુકેશ અંબાણીએ AGMમાં કહ્યું, 'Jio True 5G એ વિશ્વમાં સૌથી ઝડપી 5G અપનાવવાનો રેકોર્ડ પણ હાંસલ કર્યો છે. તે વિશ્વના સૌથી અદ્યતન 5G નેટવર્ક્સમાંનું એક બની ગયું છે.

2G મુક્ત ભારત માટે સ્લોગન આવ્યું

રિલાયન્સની AGMમાં 2G મુક્ત ભારતનું સૂત્ર આપતાં મુકેશ અંબાણીએ કહ્યું કે, Jioએ 50 ટકા યુઝર્સને 3G સાથે જોડ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, આજે રિલાયન્સનું જિયો દેશના ખૂણે ખૂણે પહોંચી ગયું છે અને તે દેશની સૌથી મોટી પેટન્ટ ધારક પણ બની ગઈ છે. Jio પાસે 5G, 6Gમાં 350થી વધુ પેટન્ટ છે. કંપની સામાન્ય માણસ માટે 5G ફોન લાવી છે અને 2 વર્ષમાં Jioના 13 કરોડ ગ્રાહકો 5G સાથે જોડાયા છે. હવે 2G ગ્રાહકો પણ 5Gમાં અપગ્રેડ થઈ રહ્યા છે.

1.7 લાખ નવી નોકરીઓ ઊભી કરી

મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ રોજગાર આપવામાં આગળ છે. કંપનીએ ગયા વર્ષે 1.7 લાખ નવી નોકરીઓનું સર્જન કર્યું છે. આ માટે, કંપનીએ FY24માં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર $437 મિલિયન ખર્ચ્યા છે. અમે નવા ઈન્સેન્ટિવ બેસ્ડ મોડલ પર કામ કરી રહ્યા છીએ.

મુકેશ અંબાણીએ JioFin પર આ વાત કહી

મુકેશ અંબાણીએ કહ્યું કે, ગયા વર્ષે રિલાયન્સે 2,555 પેટન્ટ ફાઈલ કરી હતી. કંપનીનું ભવિષ્ય ઉજ્જવળ છે. Jio ફાઇનાન્શિયલ સર્વિસિસ વિશે જણાવતાં તેમણે કહ્યું કે, કંપનીનો બિઝનેસ સારો ચાલી રહ્યો છે અને તેનું માર્કેટ કેપ 2.2 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે.

બોનસ શેરની જાહેરાત

મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં મોટી જાહેરાત કરી છે. તેઓએ તેમના શેરધારકો માટે રૂ. 1 પર એક બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એટલે કે રિલાયન્સના એક શેર માટે 1 શેર આપવામાં આવશે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે, આ નિર્ણય ગુરુવારે એજીએમના દિવસે બપોરે 1.45 વાગ્યે લેવામાં આવ્યો છે અને આ માટે બોર્ડના સભ્યોની મીટિંગ 5 સપ્ટેમ્બરે મળશે. બિઝનેસના વિસ્તરણ અને મજબૂત નાણાકીય કામગીરીને ધ્યાનમાં રાખીને કંપનીએ આ જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ RILની AGMમાં આ અંગેની માહિતી આપી છે.

એજીએમ શરૂ થતાંની સાથે જ શેરમાં થયો વધારો

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સની એજીએમ શરૂ થતાં જ કંપનીના શેર (રિલાયન્સ શેર) ઝડપથી વધવા લાગ્યા. તે સવારે 9.15 વાગ્યે રૂ. 3,006.20 પર ખુલ્યો હતો અને બપોરે 2 વાગ્યે આરઆઇએલનો શેર 2.28% વધીને રૂ. 3,065.05 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.

આ સમાચાર શેર કરો