Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Major change in GST rules: No more arrests in tax evasion case? Decision can be taken on October 7

GST નિયમોમાં મોટો બદલાવ: ટેક્સ ચોરીના કેસમાં હવે ધરપકડ નહીં? 7 ઑક્ટોબરે લેવાઈ શકે છે નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
GST નિયમોમાં મોટો બદલાવ: ટેક્સ ચોરીના કેસમાં હવે ધરપકડ નહીં? 7 ઑક્ટોબરે લેવાઈ શકે છે નિર્ણય
સોર્સ : gstv

GST લાગુ થયાના આશરે 9 વર્ષ બાદ કર વ્યવસ્થામાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. સરકાર જીએસટી અધિકારીઓને મળેલી ધરપકડ કરવાની સત્તા હટાવવા પર વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવ પર 7 ઑક્ટોબરના રોજ યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

App Store

જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો GST સંબંધિત કેસોમાં ટેક્સ અધિકારીઓ પાસે સીધી ધરપકડ કરવાની હાલની સત્તા સમાપ્ત થઈ શકે છે. આ માટે GST કાયદામાં સુધારો કરવો પડશે અને સરકાર તેને આગામી શિયાળુ સત્રમાં સંસદ સમક્ષ રજૂ કરી શકે છે.

હાલમાં GST અધિકારીઓ પાસે કયા અધિકારો છે?

હાલના GST કાયદા હેઠળ ગંભીર કર અપરાધોના કિસ્સામાં ધરપકડ કરવાની જોગવાઈ છે. ખાસ કરીને નકલી બિલ બનાવવા, ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા અને જાણીજોઈને કરચોરી કરવા જેવા કેસોમાં કાર્યવાહી થઈ શકે છે. CGST Act ની કલમ 69 હેઠળ કમિશનરને ધરપકડની મંજૂરી આપવાનો અધિકાર છે. આ માટે અધિકારી પાસે એ માનવા માટે પૂરતો આધાર હોવો જરૂરી છે કે વ્યક્તિએ ગંભીર GST અપરાધ કર્યો છે.

સરકારે 2022માં ધરપકડ અને જામીનને લઈને અધિકારીઓ માટે માર્ગદર્શિકા પણ બહાર પાડી હતી. તેમાં જણાવાયું હતું કે કાયદામાં છૂટ છે માત્ર એટલા ખાતર જ ધરપકડ ન થવી જોઈએ. ધરપકડ કરવા માટે કેસની ગંભીરતા અને વ્યક્તિની ભૂમિકા સહિતના અન્ય પાસાંઓ ધ્યાને લેવા જરૂરી છે.

હવે ફેરફાર પર કેમ વિચાર થઈ રહ્યો છે?

આ ફેરફાર પાછળનું સૌથી મોટું કારણ કર અધિકારીઓ દ્વારા સત્તાના દુરુપયોગની ફરિયાદો હોવાનું કહેવાય છે. મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે છેલ્લા આશરે 8-9 મહિનાથી આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. વેપારીઓ અને કંપનીઓ તરફથી GST તપાસ અને ધરપકડને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખાસ કરીને કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓની ધરપકડને લઈને ઉદ્યોગ જગતમાં સવાલો ઊભા થતા રહ્યા છે. સરકાર હવે GST સિસ્ટમમાં એવો ફેરફાર લાવવા માંગે છે જેથી ગંભીર છેતરપિંડી પર કાર્યવાહી પણ ચાલુ રહે અને વેપારીઓને બિનજરૂરી ડરનો સામનો પણ ન કરવો પડે.

4 વર્ષમાં થઈ 887 ધરપકડો

આંકડા દર્શાવે છે કે GST કાયદા હેઠળ ધરપકડની સત્તાનો ઉપયોગ થયો છે. 2021-22 થી 2024-25 વચ્ચે GST સંબંધિત ગુનાના 72,393 કેસ નોંધાયા હતા અને સેન્ટ્રલ જીએસટી અધિકારીઓએ 887 લોકોની ધરપકડ કરી છે. આ આંકડો માત્ર કેન્દ્રીય જીએસટી ફોર્મેશનનો છે; રાજ્ય GST અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ધરપકડો આમાં સામેલ નથી.

છેતરપિંડી કરનારાઓ પર કાર્યવાહી કેવી રીતે થશે?

સૂચિત સુધારામાં ગંભીર છેતરપિંડી અને જાણીજોઈને કરવામાં આવેલા અપરાધો સામે કાર્યવાહી ચાલુ રાખવાની વાત છે. ફેરફાર એટલો થઈ શકે છે કે GST કાયદા હેઠળ ટેક્સ અધિકારીઓ જાતે ધરપકડ કરવાની સત્તાનો ઉપયોગ નહીં કરે.

આવા કિસ્સાઓમાં ફોજદારી કાયદા હેઠળ કાર્યવાહી કરવાનો માર્ગ અપનાવી શકાય છે. અહેવાલો અનુસાર જાણીજોઈને આચરવામાં આવેલી ગંભીર છેતરપિંડીના કેસોમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

7 ઑક્ટોબરે શું થશે?

હવે સૌની નજર 7 ઑક્ટોબરના રોજ મળનારી જીએસટી કાઉન્સિલની બેઠક પર છે. આ બેઠકમાં ધરપકડ કરવાની સત્તા હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે. જો પરિષદ દ્વારા આ પ્રસ્તાવ આગળ વધારવામાં આવશે તો જીએસટી કાયદામાં સુધારો કરવો પડશે. ત્યારપછી સરકાર તેને સંસદમાં રજૂ કરી શકે છે. અહેવાલો મુજબ આગામી શિયાળુ સત્રમાં કાયદામાં ફેરફાર થઈ શકે છે.

હાલ પૂરતી તો જીએસટી અધિકારીઓની ધરપકડની સત્તા હજુ સમાપ્ત થઈ નથી. આ માત્ર એક પ્રસ્તાવ છે અને અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલની ચર્ચા, સરકારના વલણ અને આગળની કાનૂની પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.