Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : IRDAI's preparation for a major change in the way insurance is bought and sold will also impact the agent's commission

વીમો ખરીદવા અને વેચવાની રીતમાં મોટા ફેરફારની IRDAIની તૈયારી, એજન્ટના કમિશન પર પણ પડશે અસર

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
વીમો ખરીદવા અને વેચવાની રીતમાં મોટા ફેરફારની IRDAIની તૈયારી, એજન્ટના કમિશન પર પણ પડશે અસર
સોર્સ : gstv

વીમા ક્ષેત્રમાં ગ્રાહકો અને વીમા વિતરકો બંનેને અસર કરી શકે તેવા મહત્વના ફેરફારોની તૈયારી શરૂ થઈ છે. ભારતીય વીમા નિયામક અને વિકાસ સત્તામંડળ (IRDAI)એ વીમા વિતરણ વ્યવસ્થામાં સુધારા માટે બે ભાગમાં કન્સલ્ટેશન પેપર (Consultation Paper) રજૂ કર્યા છે. તેમાં વીમા કંપનીઓના ખર્ચ, એજન્ટ અને ડિસ્ટ્રિબ્યુટરના કમિશન, બેંક મારફતે વીમા વેચાણ, મિસ-સેલિંગ (Mis-selling) અને ડિજિટલ પ્લેટફોર્મ પર ગ્રાહકોને વીમો ખરીદવા માટે અપનાવવામાં આવતી રીતો અંગે અનેક પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે.

App Store

લોન સાથે ચોક્કસ વીમો લેવાની ફરજ પર રોકનો પ્રસ્તાવ

IRDAIના પ્રસ્તાવમાં ગ્રાહકો માટે મહત્વની બાબત લોન સાથે વીમો જોડવાની પ્રથા અંગે છે. જો કોઈ બેંક અથવા નાણાકીય સંસ્થા (Financial Institution) લોન આપવાની શરત તરીકે ગ્રાહકને કોઈ ચોક્કસ વીમા પોલિસી ખરીદવા માટે ફરજ પાડે, તો આવી પ્રથાને રોકવાનો પ્રસ્તાવ છે.

પ્રસ્તાવનો હેતુ એ છે કે ગ્રાહકને વીમો ક્યાંથી લેવો તે અંગે વધુ સ્વતંત્રતા મળે. સાથે જ વીમો લેવાથી અથવા ન લેવાથી લોનના વ્યાજદરમાં કોઈ ફેરફાર થતો હોય તો તેની માહિતી ગ્રાહકને સ્પષ્ટ રીતે આપવામાં આવે.

વીમા કંપનીઓના મેનેજમેન્ટ ખર્ચમાં ઘટાડો કરવાની તૈયારી

IRDAIએ વીમા વિતરણ સાથે જોડાયેલા ખર્ચમાં થયેલા વધારા પર પણ ધ્યાન આપ્યું છે. કન્સલ્ટેશન પેપરમાં Expenses of Management (EoM)ની મર્યાદાને આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર ઘટાડવાનો પ્રસ્તાવ છે.

પ્રસ્તાવ મુજબ જીવન વીમા કંપનીઓ માટે પાંચ વર્ષમાં EoMની મર્યાદા 12.5 ટકા અને સામાન્ય વીમા કંપનીઓ માટે 20 ટકા સુધી લાવવાની વાત કરવામાં આવી છે. આ ફેરફારનો હેતુ વીમા કંપનીઓના ખર્ચ અને વિતરણ ખર્ચને વધુ નિયંત્રિત કરવાનો છે.

એજન્ટના કમિશન નક્કી કરવાની રીત બદલાઈ શકે

વીમા એજન્ટ (Insurance Agent) અને અન્ય ડિસ્ટ્રિબ્યુટર્સ માટે કમિશન નક્કી કરવાની પદ્ધતિમાં પણ ફેરફારનો પ્રસ્તાવ છે. હાલ પ્રીમિયમની રકમ કમિશન નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ નવા માળખામાં માત્ર પ્રીમિયમને બદલે વીમા પ્રોડક્ટની જટિલતા, ગ્રાહકને આપવામાં આવતી સર્વિસ, પોલિસી વેચવા માટે કરવામાં આવતી મહેનત અને ડિસ્ટ્રિબ્યુશન ચેનલ જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવાની દરખાસ્ત છે.

ડિસ્ટ્રિબ્યુટર પેમેન્ટમાં મોટો વધારો

IRDAIના કન્સલ્ટેશન પેપર અનુસાર FY23થી FY25 દરમિયાન એક સેમ્પલમાં કોર્પોરેટ એજન્ટ્સ સાથે જોડાયેલા નવા બિઝનેસનું પ્રીમિયમ આશરે 28 ટકા વધીને ₹63,000 કરોડથી ₹80,000 કરોડ થયું હતું. બીજી તરફ કુલ ડિસ્ટ્રિબ્યુટર પેમેન્ટ 125 ટકા વધીને ₹9,580 કરોડથી ₹21,600 કરોડ થયું હતું. આ તફાવતને ધ્યાનમાં રાખીને કમિશન અને અન્ય વિતરણ ખર્ચ અંગે નવા નિયમોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

વીમાની કિંમત જોવા માટે વ્યક્તિગત માહિતી આપવાની જરૂર નહીં રહે?

IRDAIએ વીમા વેબસાઇટ્સ પર વપરાતા કહેવાતા ‘ડાર્ક પેટર્ન’ (Dark Patterns) સામે પણ કાર્યવાહીનો પ્રસ્તાવ મૂક્યો છે. કેટલીક વેબસાઇટ પર વીમા પ્રોડક્ટની કિંમત અથવા તેની સુવિધાઓ જોવા પહેલાં ગ્રાહક પાસે મોબાઇલ નંબર અથવા અન્ય વ્યક્તિગત માહિતી માંગવામાં આવે છે.

નવા પ્રસ્તાવ હેઠળ આવી રીતો પર પ્રતિબંધ મૂકવાની વિચારણા છે. ગ્રાહકને પ્રોડક્ટ, તેની કિંમત અને ગુણવત્તા સંબંધિત માહિતી સરળ અને સ્ટાન્ડર્ડાઇઝ્ડ (Standardised) રીતે ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે.

મિસ-સેલિંગ રોકવા માટે પણ નવા નિયમો

વીમા પોલિસીના વેચાણ દરમિયાન ગ્રાહકની જરૂરિયાત કરતાં અલગ અથવા યોગ્ય ન હોય તેવી પોલિસી વેચવાની ફરિયાદો અંગે પણ IRDAIએ ધ્યાન આપ્યું છે. નવા પ્રસ્તાવોમાં મિસ-સેલિંગને નિયંત્રિત કરવા માટે વધુ કડક વ્યવસ્થા, ગ્રાહકની જરૂરિયાતને અનુરૂપ પોલિસી છે કે નહીં તેની તપાસ અને કેટલાક કિસ્સામાં કમિશન પરત ખેંચવાની (Commission Clawback) જોગવાઈ અંગે ચર્ચા કરવામાં આવી છે.

‘બીમા સુગમ’ અને ડિજિટલ માર્કેટપ્લેસ પર ભાર

વીમા ખરીદવાની પ્રક્રિયાને વધુ ડિજિટલ અને ગ્રાહક કેન્દ્રિત બનાવવા માટે IRDAI ‘બીમા સુગમ’ (Bima Sugam) જેવી વ્યવસ્થાને આગળ વધારવા માગે છે. તેનો ઉદ્દેશ ગ્રાહકોને અલગ-અલગ વીમા પ્રોડક્ટ્સ અને તેમની વિગતો ડિજિટલ માધ્યમથી સમજવા તથા સરખાવવા માટે વધુ સરળ વ્યવસ્થા આપવાનો છે.

સાથે જ Public Insurance Registry (PIR) જેવી ડિજિટલ વ્યવસ્થાઓ દ્વારા વીમા સંબંધિત રેકોર્ડ અને માહિતી વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી ઊભી કરવાનો પ્રસ્તાવ છે.

આ પ્રસ્તાવો હજુ નિયમ બન્યા નથી

સૌથી મહત્વની બાબત એ છે કે IRDAI દ્વારા રજૂ કરવામાં આવેલા આ ફેરફારો હાલમાં કન્સલ્ટેશન પેપરના સ્તરે છે. એટલે કે આ અંતિમ નિયમો નથી. IRDAIએ સંબંધિત પક્ષો અને ઉદ્યોગના હિતધારકો પાસેથી આ પ્રસ્તાવો અંગે પ્રતિસાદ માંગ્યો છે.

જો આ પ્રસ્તાવો આગળ જઈને નિયમોમાં રૂપાંતરિત થાય છે, તો વીમો ખરીદતા ગ્રાહકોને પોલિસીની કિંમત અને વિકલ્પો અંગે વધુ સ્પષ્ટ માહિતી મળી શકે છે. લોન સાથે ચોક્કસ વીમો લેવાની શરત અંગે પણ ફેરફાર થઈ શકે છે અને વીમા વેચાણમાં કમિશન તથા અન્ય પ્રોત્સાહનો પર વધુ નિયંત્રણ આવી શકે છે.