મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

સોના-ચાંદીમાં મહાકડાકો! બે દિવસમાં ચાંદી ₹12,599 તૂટી, સોનું પણ ₹3,730 ગગડ્યું

સોના-ચાંદીમાં મહાકડાકો! બે દિવસમાં ચાંદી ₹12,599 તૂટી, સોનું પણ ₹3,730 ગગડ્યું
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

Gold and Silver Price: વાયદા બજાર (MCX)માં છેલ્લા બે દિવસથી સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો કડાકો બોલાતાં પ્રતિ કિલો ભાવમાં કુલ ₹12,599નું ગાબડું પડ્યું છે. બીજી તરફ, સોનાના ભાવમાં પણ બે દિવસમાં ₹3,730નો ઘટાડો થતાં રોકાણકારોનું ધ્યાન બજારની હિલચાલ તરફ ખેંચાયું છે.

ચાંદીના ભાવમાં આજે વધુ ₹3,799નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે એક દિવસ અગાઉ તેમાં આશરે ₹8,800નો મોટો કડાકો આવ્યો હતો. આમ, માત્ર બે દિવસમાં ચાંદીના ભાવમાં જંગી ઘટાડો થતાં તેની કિંમત ₹2,00,000ના સ્તરથી નીચે સરકી ગઈ છે. આજે સવારે ચાંદીનો ઓપન ભાવ ₹2,12,319 નોંધાયો હતો, જ્યારે અગાઉનો બંધ ભાવ (Previous Close) ₹2,11,187 રહ્યો હતો.

બીજી તરફ, સોનાના ભાવમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. એક દિવસ અગાઉ સોનું ₹2,479 ઘટ્યું હતું, જ્યારે આજે તેમાં વધુ ₹1,251નો ઘટાડો નોંધાયો હતો. પરિણામે, છેલ્લા બે દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવમાં કુલ ₹3,730નું ગાબડું પડ્યું છે અને ભાવ ₹1,42,000ના સ્તરની આસપાસ આવી પહોંચ્યો છે. આજે MCX પર સોનાનો ઓપન ભાવ ₹1,48,397 નોંધાયો હતો, જ્યારે અગાઉનો બંધ ભાવ ₹1,47,918 રહ્યો હતો.

સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનાં 3 મુખ્ય કારણો

કિંમતી ધાતુઓના ભાવમાં આવેલા આ ઘટાડા પાછળ વૈશ્વિક પરિબળો જવાબદાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. તેમાં મુખ્યત્વે ત્રણ કારણો ચર્ચામાં છે.

1. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો: મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને રાતા સમુદ્રના માર્ગો પર અસરને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલ (Crude Oil)ના ભાવ પ્રતિ બેરલ $112ને પાર કરી ગયા છે. તેલના ભાવમાં વધારાથી મોંઘવારી (Inflation) અંગેની ચિંતાઓ વધી છે.

2. અમેરિકાના વ્યાજદર અંગેની ચિંતા: અમેરિકન ફેડરલ રિઝર્વ (US Federal Reserve) વ્યાજદર ઊંચા સ્તરે લાંબા સમય સુધી જાળવી રાખે તેવી આશંકાએ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર કરી છે. વ્યાજદર ઊંચા રહેવાની શક્યતા કિંમતી ધાતુઓની માંગને અસર કરી શકે છે.

3. ટ્રેઝરી બોન્ડ યીલ્ડમાં વધારો: અમેરિકન ટ્રેઝરી બોન્ડની યીલ્ડ (Treasury Bond Yield) વધતાં કેટલાક રોકાણકારો સોના-ચાંદીમાંથી નાણાં કાઢીને બોન્ડ જેવા વિકલ્પો તરફ વળી રહ્યા છે. તેના કારણે કિંમતી ધાતુઓના બજારમાં વેચવાલીનું દબાણ વધ્યું છે.

સોના અને ચાંદીના ભાવમાં સતત બે દિવસથી જોવા મળેલો ઘટાડો રોકાણકારો અને ખરીદદારો માટે મહત્ત્વનો છે. જોકે, ભાવમાં આગળ પણ ઘટાડો થશે કે ફરી તેજી આવશે તે વૈશ્વિક પરિસ્થિતિ, અમેરિકાની નાણાકીય નીતિ અને બજારની માંગ પર નિર્ભર રહેશે.

આ સમાચાર શેર કરો