Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Indian Rupee vs Dollar: Rupee plunges against dollar, reaches low of 91, know these factors were responsible

Indian Rupee vs Dollar: રૂપિયો ડોલર સામે ગગડીને 91ના તળિયે પહોંચ્યો, જાણો આ પરિબળો જવાબદાર રહ્યા

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Indian Rupee vs Dollar: રૂપિયો ડોલર સામે ગગડીને 91ના તળિયે પહોંચ્યો, જાણો આ પરિબળો જવાબદાર રહ્યા
સોર્સ : GSTV

Indian Rupee vs Dollar: હાલમાં ભારતીય રૂપિયાનું મૂલ્ય 1 અમેરિકન ડૉલરના 91 રૂપિયા જેટલું થઈ ગયું છે. રૂપિયો સતત ગગડતો રહ્યો હોવાથી એની આ 'પડતી' બાબતે કોઈને આશ્ચર્ય નહીં થાય, પણ આશ્ચર્યજનક લાગે એવી હકીકત એ છે કે, ભૂતકાળમાં રૂપિયો ડૉલર કરતાં વધુ શક્તિશાળી હતો! 100 વર્ષ અગાઉ 1 રૂપિયાનું મૂલ્ય 10 ડૉલર જેટલું હતું! તો પછી આજે રૂપિયાનું આટલું બધું અવમૂલ્યન કેવી રીતે થયું? ચાલો, જાણીએ તેની પાછળના આર્થિક, રાજકીય અને વૈશ્વિક કારણો.

App Store

રૂપિયાના ઘટાડાના પાછળના મુખ્ય કારણો

રૂપિયાના મૂલ્યમાં વર્ષોવર્ષ થતો ઘટાડો કોઈ એક કારણસર નથી થયો; એમાં નીચે મુજબના પરિબળો સામેલ છે. 

1.  સ્વતંત્ર નીતિઓ અને અર્થતંત્રનો વિકાસ: બ્રિટિશ પાઉન્ડ સાથેનું જોડાણ સમાપ્ત થઈ જતાં રૂપિયાનું મૂલ્ય ભારતના પોતાના આર્થિક સંદર્ભો, વેપાર સંતુલન અને નીતિ નિર્ણયો પર આધારિત બની ગયું.

2.  આર્થિક સંકટો અને અવમૂલ્યન: 1966 અને 1991ના આર્થિક સંકટોએ રૂપિયાના મૂલ્યમાં મોટા અને સતત ઘટાડા કર્યા, જેમાંથી પૂર્ણપણે સાજા થવામાં વર્ષો લાગી ગયા.

3.  વેપાર અસંતુલન (ખાધ): ભારત તેની ઘણી જરૂરિયાતો, જેમ કે ક્રૂડ ઓઇલ, સોનું અને ઇલેક્ટ્રૉનિક્સ, માટે આયાત પર ખૂબ આધાર રાખે છે. આયાત વધુ અને નિકાસ ઓછી હોવાથી વેપાર ખાધ (Trade Deficit) ઊભી થાય છે, જે રૂપિયા પર ઘટાડાનું દબાણ લાવે છે.

4.  વૈશ્વિક પરિબળો: 2008ની વૈશ્વિક મંદી અને 2020ના કોવિડ-19 મહામારી જેવી વૈશ્વિક આર્થિક ઘટનાઓ વિશ્વભરના રોકાણને પ્રભાવિત કરે છે, જેને પરિણામે ભારત જેવા ઉભરતા બજારોમાંથી ભંડોળ બહાર ખેંચાઈ જાય છે.

5.  ડૉલરની સ્થિતિ: અમેરિકન ડૉલર વિશ્વનું પ્રાથમિક આરક્ષિત ચલણ (Reserve Currency) છે. જ્યારે પણ વૈશ્વિક આર્થિક અથવા ભૂ-રાજકીય અનિશ્ચિતતા સર્જાય છે, ત્યારે રોકાણકારો અને કેન્દ્રીય બેંકો જોખમથી દૂર જઈને પોતાની મૂડીને સુરક્ષિત ગણાતાં ડૉલર અને યુ.એસ. ટ્રેઝરીમાં ખસેડી લે છે, જેનાથી વિશ્વભરમાં ડૉલરની માંગ અને મૂલ્ય વધે છે. પરિણામે ભારતીય અર્થતંત્ર પર બેવડી નકારાત્મક અસર પડે છે. એક તરફ, ભારતમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) તેમનું ભંડોળ પાછું ખેંચી ડૉલરમાં રૂપાંતરિત કરે છે, જેથી રૂપિયા પર વેચાણનું દબાણ ઊભું થાય છે. બીજી તરફ, મજબૂત ડૉલર ક્રૂડ ઓઇલ અને અન્ય આયાતી માલને વધુ મોંઘો બનાવે છે, જેથી દેશની વેપાર ખાધ વધે છે અને રૂપિયાની કિંમત પર ઘટાડાનું દબાણ આવે છે. આમ, વૈશ્વિક તણાવના સમયે ડૉલર તરફ થતાં પલટો સીધી રીતે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કરે છે.

બ્રિટિશ શાસનમાં 'મજબૂત' હતો રૂપિયો
100 વર્ષ અગાઉ ભારત બ્રિટિશ સામ્રાજ્યને આધીન હતું ત્યારે ભારતીય રૂપિયો(INR) બ્રિટિશ પાઉન્ડ(GBP) સાથે સીધો જોડાયેલો હતો. આજની જેમ એ જમાનામાં પણ પાઉન્ડ ડૉલર કરતાં વધુ મૂલ્યવાન ચલણ હતું. (હાલમાં 1 GBP= 120 INR છે.) પાઉન્ડ સાથેના જોડાણને કારણે ભારતીય રૂપિયાનું મૂલ્ય પણ ડૉલર કરતાં ઘણું ઊંચું હતું. ઐતિહાસિક સંદર્ભો પ્રમાણે, 1925 સુધી 1 ભારતીય રૂપિયો લગભગ 10 ડૉલરની સમકક્ષ હતો. આ સ્થિતિ સ્વાભાવિક હતી કારણ કે તે સમયે ચલણનું મૂલ્ય તેને ટેકો આપતા સોનાના ભંડાર અને સામ્રાજ્યની આર્થિક શક્તિ પર આધારિત હતું. બ્રિટિશ શાસનનો પાવર રૂપિયાને મજબૂતી બક્ષતો હતો. 

સ્વતંત્રતા પછી રૂપિયાની પડતી થવા લાગી 
1947માં સ્વતંત્રતા મળ્યા પછી ભારતે સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે આર્થિક નીતિઓને આકાર આપવાનું શરૂ કર્યું. રૂપિયાનું મૂલ્ય હવે પાઉન્ડ સાથે જોડાયેલું નહોતું, જેને કારણે રૂપિયાનું મૂલ્ય ઘટવાની શરૂઆત થઈ. ત્યાર પછી વર્ષોવર્ષ રૂપિયાનું મૂલ્ય ઘટતું ગયું. 

- 1947 (સ્વતંત્રતા પછી): 1 USD = 3.3 INR

- 1966: ગંભીર આર્થિક પરિસ્થિતિના કારણે ભારત સરકારે રૂપિયાનું નાટકીય અવમૂલ્યન કર્યું, જેના કારણે દર 1 USD = 7.5 INR થઈ ગયો.

- 1991: ઊંચા ફુગાવાને કારણે ભારતે બીજા મોટા અવમૂલ્યન અને આર્થિક સુધારા કર્યા, જેથી રૂપિયાની કિંમત 1 USD = 17.5 INR પર પહોંચી ગઈ.

- 2000થી 2020: વધતી આયાત અને અન્ય વૈશ્વિક કારણોસર રૂપિયો સતત નબળો પડતો ગયો. 2020 સુધીમાં 1 USD = 76 INR ના સ્તરે પહોંચી ગયો.


- 2025: હાલમાં વિદેશી રોકાણમાં ઘટાડો, વેપાર ખાધ અને વૈશ્વિક અનિશ્ચિતતા જેવા કારણોસર રૂપિયો ઐતિહાસિક નીચા સ્તરે (1 USD = 91 INR) પહોંચી ગયો છે.

વિશ્વમાં ડૉલર કરતાં વધુ મજબૂત ચલણો પણ છે, કયાં કયાં? 

વિશ્વભરમાં અમેરિકન ડૉલરનો દબદબો હોવા છતાં એવા પણ ઘણાં ચલણ છે જે ડૉલર કરતા મજબૂત છે. BookMyForex વેબસાઇટ પ્રમાણે, વર્તમાન વિનિમય દરો અનુસાર, નીચેના ચલણો ડૉલર કરતાં વધુ મૂલ્યવાન છે.

-  કુવૈતી દિનાર (KWD): 1 KWD = 292.28 INR (એટલે કે 1 KWD = 3.25 USD)

-  બહેરીન દિનાર (BHD): 1 BHD = 238.09 INR (= 2.65 USD)

- ઓમાની રિયાલ (OMR): 1 OMR = 226.38 INR (= 2.52 USD)

- બ્રિટિશ પાઉન્ડ (GBP): 1 GBP = 120.19 INR

- યુરો (EUR): 1 EUR = 105.13 INR

- સ્વિસ ફ્રેંક (CHF): 1 CHF = 112.84 INR

આ ચલણો મુખ્યત્વે મજબૂત ક્રૂડ ઓઈલ ઈકોનોમી (કુવૈત, બહેરીન, ઓમાન)ની સાથે સમૃદ્ધિ, રાજકીય સ્થિરતા (યુ.કે., સ્વિટ્ઝરલેન્ડ, યુરોઝોન) ધરાવતા દેશો સાથે સંકળાયેલા છે.

તો પછી ભારતી રૂપિયાનું ભવિષ્ય શું હોઈ શકે?
100 વર્ષમાં 1 રૂપિયાના 10 ડૉલરથી લઈને 1 ડૉલરના 91 રૂપિયા થઈ જવાની યાત્રા એ સ્વતંત્ર ભારતની આર્થિક સફર, વૈશ્વિક પડકારોનો સામનો કરવાની તેની ક્ષમતા અને વૈશ્વિક અર્થતંત્રોમાં રહેલી ગતિશીલતાનું પ્રતિબિંબ છે. રૂપિયાની શક્તિ આજે પણ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ, વિદેશી રોકાણના પ્રવાહ અને કેન્દ્રીય બેંકની નીતિઓ જેવા ઘણાં પરિબળો દ્વારા નિર્ધારિત થાય છે. રૂપિયાની આ 'પડતી-કથા' દર્શાવે છે કે ચલણના મૂલ્યની ઉત્ક્રાંતિ એક જટિલ પ્રક્રિયા છે, જે રાષ્ટ્રની આર્થિક નીતિઓ અને વૈશ્વિક ઘટનાઓની ગતિ સાથે ગૂંથાયેલી હોય છે.