1988માં સરકારે બનાવી હતી SEBI,જાણો કેવી રીતે રાખે છે શેરબજારનો હિસાબ
અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગના તાજેતરના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ અને સેબી ચીફ માધાબી પુરી બુચ વચ્ચે કનેક્શનનો દાવો કર્યો

અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગના તાજેતરના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ અને સેબી ચીફ માધાબી પુરી બુચ વચ્ચે કનેક્શનનો દાવો કર્યો હતો. જોકે, સેબી ચીફ માધાબી પુરી બુચે આ આરોપોને નકારી કાઢ્યા છે. પરંતુ વિપક્ષ સેબી ચીફ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં SEBI શું છે અને તે કેવી રીતે કામ કરે છે તે જાણવું જરૂરી છે.
ભારત સરકાર દ્વારા સેબી અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવે છે. સેબીની રચના 12 એપ્રિલ 1988ના રોજ ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ, તેને 30 જાન્યુઆરી, 1992ના રોજ કાનૂની અધિકારો અને સ્વાયત્તતા મળી. સેબીનું મુખ્યાલય મુંબઈમાં અને પ્રાદેશિક કચેરીઓ દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા અને અમદાવાદ જેવા શહેરોમાં છે. શેરબજારનું નિયમન અને અન્ય સિક્યોરિટી બજારોની દેખરેખ અને નિયંત્રણ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ભારતની મુખ્ય નિયમનકારી સંસ્થા છે. સેબીનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો, સિક્યોરિટીઝમાં વેપારની પારદર્શિતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવાનો છે.
સેબીના ચેરમેન સૌથી વરિષ્ઠ અધિકારી તરીકે બોર્ડના તમામ કાર્યો અને નીતિઓ માટે જવાબદાર છે. સેબી ચીફ ઉપરાંત, બોર્ડમાં 3થી 5 પૂર્ણકાલિન સભ્યો હોય છે. તેમની પાસે નાણાકીય બજારોના નિયમન સહિતની ઘણી જવાબદારીઓ છે. આ સિવાય સેબીમાં નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક તરફથી નામાંકિત બે સભ્યો પણ હોય છે.
જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પહેલા ભારતીય શેરબજારે ઈતિહાસ રચતા પ્રથમ વખત બજાર 5 ટ્રિલિયન ડોલર ક્લબમાં સામેલ થયું હતું. એ સમયે એવી અપેક્ષા હતી કે ભારત ટૂંક સમયમાં વિશ્વનું સૌથી મોટું ટોપ માર્કેટ બની જશે. સેબીનું કામ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું છે. સેબી પાસે નિયમો બનાવવાની અને વિવાદોની પતાવટ કરવાની સત્તા છે. તે મૂડીબજારમાં વ્યાપાર સંબંધિત હેરફેર અને છેતરપિંડી અટકાવવા માટે પણ જવાબદાર છે. સેબીનું કામ મ્યુચ્યુઅલ ફંડ સિક્યોરિટીઝની નોંધણી કરવાનું અને તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું છે. આ ઉપરાંત, સેબી નવી કંપનીઓના લિસ્ટિંગમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.






