મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

અમૂલની હરિફ બનેલી નંદિની કેવી રીતે બની દક્ષિણ ભારતમાં મોટી બ્રાન્ડ, હવે તિરુપતિ મંદિરમાં કરશે ઘી સપ્લાય 

તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં વપરાતા ઘીમાં પ્રાણીઓની ચરબી અને અન્ય ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ વ

અમૂલની હરિફ બનેલી નંદિની કેવી રીતે બની દક્ષિણ ભારતમાં મોટી બ્રાન્ડ, હવે તિરુપતિ મંદિરમાં કરશે ઘી સપ્લાય 

તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં વપરાતા ઘીમાં પ્રાણીઓની ચરબી અને અન્ય ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ વિવાદ વધી ગયો છે. ત્યારે આંધ્રપ્રદેશ સરકારે ઘી સપ્લાય કરતી કંપનીમાં ફેરફાર કરીને 'નંદિની'ને આપવામાં આવ્યો છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા પણ કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો છે. થોડા વર્ષો પહેલા પણ નંદિની તિરુપતિ મંદિર માટે ઘી સપ્લાય કરતી હતી, પરંતુ ટેન્ડરમાં AR ડેરીને આ કામ મળ્યું હતું. જોકે, નંદિનીને ફરી ઘી સપ્લાયનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. અમૂલની જેમ દક્ષિણ ભારતમાં એક બ્રાન્ડ બનેલી નંદિની કંપની અને તેના માલિક વિશે જાણીએ.

ઉત્તર ભારતમાં અમૂલ અને મધર ડેરીના દૂધ ઉત્પાદનોની લોકપ્રિયતાની જેમ દક્ષિણ ભારતમાં 'નંદિની' બ્રાન્ડનું નામ જાણીતું નામ છે. 'નંદિની' કર્ણાટકની સૌથી મોટી દૂધ બ્રાન્ડ છે, જે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને ગોવા સહિતના રાજ્યોમાં દૂધ અને દૂધની પ્રોડક્ટ પૂરી પાડે છે. KMF (કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ ફેડરેશન લિમિટેડ) આ બ્રાન્ડની માલિકી ધરાવે છે.

KMFની કેવી રીતે થઈ શરૂઆત?

કર્ણાટકના કોડાગુ જિલ્લામાં વર્ષ 1955માં પ્રથમ ડેરી સહકારી સંસ્થા ખોલવામાં આવી હતી. તે સમયે પાઉચ પેકિંગમાં દૂધ પ્રચલિત ન હતું. પશુપાલકો જ લોકોના ઘરે ઘરે દૂધ પહોંચાડતા હતા. 1970ના દાયકા સુધીમાં દૂધ ઉત્પાદન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 1970માં આવેલી શ્વેત ક્રાંતિ અંતર્ગત વિશ્વ બેંક દ્વારા ડેરી પ્રોજેક્ટને લગતી ઘણી યોજનાઓ પણ બનાવવામાં આવી હતી. વિશ્વ બેંકના ડેરી પ્રોજેક્ટના અમલીકરણ માટે, કર્ણાટક સરકારે 1974માં કર્ણાટક ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન (KDCC)ની સ્થાપના કરી. 10 વર્ષ બાદ 1984માં તેનું નામ બદલીને કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) રાખવામાં આવ્યું

નંદિની બ્રાન્ડ નામ કેવી રીતે આવ્યું?

વર્ષ 1984માં પેકેજ્ડ દૂધ અને અન્ય ઉત્પાદનોના સપ્લાય માટે એક બ્રાન્ડ શરૂ કરી, જેનું નામ 'નંદિની' રખાયું. ટુંક સમયમાં જ તે કર્ણાટકમાં સૌથી લોકપ્રિય બ્રાન્ડ બની ગઈ. દક્ષિણ ભારતમાં તેની સમકક્ષ બીજી કોઈ કંપની ન હોવાને પગલે એક મોટી બ્રાન્ડ બની ગઈ. પડોશી રાજ્યોમાં પણ તેના ઉત્પાદનો વેચાવા લાગ્યા. આ બ્રાન્ડ તમામ પ્રકારના દૂધ અને દૂધની બનાવટોનો સપ્લાય કરે છે. હાલમાં કર્ણાટક એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઓફિસર MK જગદીશ KMFના MD અને CEO છે.
 
KMF રાજ્યના 15 ડેરી યુનિયનોનું નેતૃત્વ કરતું સંગઠન છે. તેમાં બેંગલુરુ કોઓપરેટિવ મિલ્ક યુનિયન, કોલાર કોઓપરેટિવ મિલ્ક યુનિયન, મૈસૂર કોઓપરેટિવ મિલ્ક યુનિયન અને અન્ય ઘણા સંગઠનો છે. આ ડેરી યુનિયનો જિલ્લા સ્તરની ડેરી સહકારી મંડળીઓ થકી દરેક ગામમાંથી દૂધ ખરીદીને KMF સુધી પહોંચાડે છે. કર્ણાટક દૂધ સંઘની વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ ડેરી સહકારી મંડળી 24,000 ગામોના 26 લાખ ખેડૂતો પાસેથી દરરોજ 46 લાખ કિલોથી વધુ દૂધ ખરીદે છે. અને દૂધ ઉત્પાદકોને દરરોજ રૂ. 28 કરોડથી વધુની ચૂકવણી કરે છે. 15 યુનિટોમાં દૂધ પ્રોસેસ કરીને પેકિંગ બાદ તેનું માર્કેટિંગ અને વેચાણનું કામ કરે છે.

KMFનું કુલ ટર્નઓવર રૂ. 19,784 કરોડ

નંદિની બ્રાન્ડ થકી દક્ષિણ ભારતમાં દૂધ, દહીં, માખણ, પનીર, ચીઝ, ફ્લેવર્ડ મિલ્ક, ચોકલેટ, રસ્ક, કૂકીઝ, બ્રેડ, નમકીન, આઈસ્ક્રીમ જેવી 148થી વધુ પ્રોડક્ટ્સ નંદિની બ્રાન્ડ હેઠળ સપ્લાય કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2022-23માં KMFનું કુલ ટર્નઓવર રૂ. 19,784 કરોડ હતું.

અમૂલ અને નંદિની વચ્ચે શા માટે થયો વિવાદ?

અમૂલ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની માલિકીની છે. નાણાકીય વર્ષ 2022-23માં તેનું કુલ ટર્નઓવર રૂ. 61,000 કરોડ હતું. જ્યારે નંદિનીનું ટર્નઓવર 19,784 કરોડ રૂપિયા હતું. ગત વર્ષે અમૂલે કર્ણાટકમાં રિટેલ માર્કેટની જાહેરાત કરતાં વિવાદ થયો હતો. કર્ણાટક મિલ્ક ફેડરેશને દાવો કર્યો હતો કે બે સહકારી મંડળીઓ વચ્ચે હંમેશા એવો કરાર થયો છે કે જ્યાં સુધી તેઓ પોતપોતાની માંગ પૂરી કરવા સક્ષમ ન હોય ત્યાં સુધી તેઓ એકબીજાના બજારમાં પ્રવેશશે નહીં. જોકે આ કરાર લેખિતમાં નહોતો.
 
અમૂલે દાવો કર્યો હતો કે, કર્ણાટકના ઘણા શહેરોમાં અને ખાસ કરીને બેંગલુરુમાં દૂધની માંગ પૂરી ન થતી હોય તેણે ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા દૂધ વેચવાનું નક્કી કર્યું છે. એ પછી અમૂલે અહીં માર્કેટમાં પ્રવેશ કરતાં વિવાદે જોર પકડ્યું હતું. દક્ષિણ ભારતમાં અમૂલ ઉત્પાદનોનો બહિષ્કાર પણ કરાયો હતો. આ વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો હતો.

આ સમાચાર શેર કરો