મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

સોના-ચાંદીના બજારમાં હાહાકાર! બે જ દિવસમાં સોનું ₹2,100 અને ચાંદી ₹7,500થી વધુ તૂટી, રોકાણકારોના ઉડ્યા હોશ

સોના-ચાંદીના બજારમાં હાહાકાર! બે જ દિવસમાં સોનું ₹2,100 અને ચાંદી ₹7,500થી વધુ તૂટી, રોકાણકારોના ઉડ્યા હોશ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

તહેવારોની સિઝનમાં સોના-ચાંદીની ખરીદી વધવાની આશા વચ્ચે વાયદા બજારમાં (Futures Market) કિંમતોમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને મોંઘવારીની ચિંતાઓ વચ્ચે સોના-ચાંદીના ભાવ સતત નીચે જઈ રહ્યા છે. માત્ર બે દિવસમાં સોનું ₹2,100થી વધુ અને ચાંદી ₹7,500થી વધુ સસ્તી થઈ છે. કિંમતોમાં આવેલા આ ઘટાડાથી રોકાણકારોમાં ચિંતા વધી છે.

સોનાની કિંમતોમાં સતત ઘટાડો

સોનાના ભાવમાં છેલ્લા બે દિવસથી ઉતાર જોવા મળી રહ્યો છે. ગુરુવારે સોનું એક સમયે ₹1,43,920ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. જોકે, ત્યારબાદ તેમાં ઘટાડો શરૂ થયો હતો અને અંતે તે ₹1,42,596 પર બંધ થયું હતું.

શુક્રવારે પણ સોનાની નબળી શરૂઆત થઈ હતી. સોનું ₹1,42,225ના સ્તરે ખુલ્યા બાદ વધુ ઘટીને ₹1,41,772ની નીચલી સપાટીએ પહોંચ્યું હતું. આ રીતે બે દિવસમાં સોનાના ભાવમાં ₹2,100થી વધુનો ઘટાડો નોંધાયો છે. વચ્ચે થોડી રિકવરી જોવા મળી હોવા છતાં બજારમાં દબાણ યથાવત્ રહ્યું છે.

ચાંદીમાં સોનાથી પણ મોટો કડાકો

સોનાની સરખામણીએ ચાંદીમાં વધુ મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક સમયે ₹4,20,000ની ઓલ ટાઇમ હાઈ સપાટીએ પહોંચેલી ચાંદી હવે ₹1,86,000ની આસપાસ ટ્રેડ થઈ રહી છે.

શુક્રવારે ચાંદીના ભાવમાં અત્યાર સુધીમાં ₹3,200થી વધુનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ગુરુવારે પણ ચાંદી ₹4,400થી વધુ તૂટી હતી. આમ, માત્ર બે દિવસમાં ચાંદીના ભાવમાં ₹7,500થી વધુનો ઘટાડો થયો છે.

રોકાણકારોમાં ચિંતાનો માહોલ

તહેવારોની સિઝનમાં સામાન્ય રીતે સોના-ચાંદીની માંગમાં વધારો જોવા મળે છે, પરંતુ આ વખતે વાયદા બજારનું ચિત્ર અલગ જ છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ક્રૂડ ઓઇલના ભાવ અને મોંઘવારીની ચિંતાઓ કિંમતો પર અસર કરી રહી છે.

સોના-ચાંદીના ભાવમાં અચાનક આવેલા આ ઘટાડાથી રોકાણકારો મૂંઝવણમાં છે. આગામી દિવસોમાં કિંમતોમાં વધુ ઘટાડો થશે કે ફરી તેજી આવશે તેના પર બજારની નજર રહેશે.

નોંધ: અહીં આપેલા ભાવ વાયદા બજારના છે. સ્થાનિક ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવ અલગ હોઈ શકે છે.

આ સમાચાર શેર કરો