બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, અમેરિકા-કેનેડા વેપાર વાટાઘાટોની અસર વિશ્વબજાર પર

મુંબઈ ઝવેરીબજારમાં શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉછળતા જોવા મળ્યા હતા. વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ફરી તેજી બતાવી રહ્યા હતા. વિશ્વબજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં ફરી વૃધ્ધિ થઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
વિશ્વબજારમાં સોના-ચાંદીના ભાવ
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના 4,060 ડોલરવાળા વધી સપ્તાહના અંતે 4,114 ડોલર રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર 10 ગ્રામદીઠ 995ના રૂ.1,21,031 વાળા રૂ.1,21,900 બોલાઈ રહ્યા હતા જ્યારે 999ના ભાવ રૂ.1,21,518 વાળા રૂ.1,22,400 રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.1,47,033 વાળા રૂ.1,50,000 બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના 48.01થી 48.02 વાળા વધી 48.62થી 48.63 ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ 99.03 વાળો ઉંચામાં 99.10 થયા પછી નીચામાં 98.73 થઈ છેલ્લે 98.74 રહ્યાના નિર્દેશો મળ્યા હતા. આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.87.86થી 87.87 આસપાસ રહ્યા હતા.
અમેરિકા કેનેડા વેપાર વાટાઘાટોની અસર વિશ્વબજાર પર
વિશ્વબજારમાં પ્લેટીનમ 1610 ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ 1423 ડોલર રહ્યાના નિર્દેશો હતા. અમેરિકા તથા કેનેડા વચ્ચે વેપાર વિષયક વાટાઘાટોમાં ગાંઠ ઊભી થતાં વિશ્વબજારમાં અમેરિકન ડોલર સામે કેનેડીયન ડોલરના ભાવ 0.28% ઘટ્યાના સમાચાર હતા.
દરમિયાન વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં પીછેહટના સમાચાર મળ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના 66.43 વાળા નીચામાં ભાવ 65.41 થઈ છેલ્લે ભાવ 65.94 ડોલર રહ્યા હતા. અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર વિષયક તણાવ વધતાં વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પર નેગેટીવ ઈમ્પેક્ટ દેખાઈ હતી.

