Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold and silver prices drop sharply, silver falls by Rs. 13,000 in two days!

Business: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, બે દિવસમાં ચાંદી રૂ. 13,000 તૂટી!

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Business: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, બે દિવસમાં ચાંદી રૂ. 13,000 તૂટી!
સોર્સ : GSTV

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધ્યો હતો. બજારમાં નવી માંગ ખૂબ જ ધીમી જોવા મળી હતી. બજારના જાણકારોના જણાવ્યા અનુસાર, વૈશ્વિક બજાર તૂટવાને કારણે ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી છે. બીજી તરફ, ક્રૂડ તેલના ભાવમાં શરૂઆતી ઘટાડા બાદ ફરીથી ઉછાળો જોવા મળ્યો હતો. સ્વિટ્ઝર્લેન્ડમાં શરૂ થનારી ઈરાન અને અમેરિકા વચ્ચેની ન્યુક્લિયર વિષયક વાટાઘાટો મુલતવી રહેતાં વૈશ્વિક બજારમાં ફરી અજંપો અને અનિશ્ચિતતાનો માહોલ વધ્યો હતો.

App Store

લેબેનોનમાં ફરીથી ઘર્ષણ વધ્યાના અહેવાલો પણ સાંપડ્યા છે. આ દરમિયાન, હોર્મુઝ રૂટ પરથી એક જ દિવસમાં આશરે ૨૫ જેટલા ઓઈલ ટેન્કરો પસાર થયાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ નીચામાં ૭૮.૭૯ ડોલર થયા પછી સુધરીને ૭૯.૬૮ ડોલર રહ્યા હતા, જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૭૫.૯૧ ડોલર થઈને બાદમાં ૭૬.૬૮ ડોલર પર ટ્રેડ થઈ રહ્યા હતા.

વૈશ્વિક બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઊંચકાવાને કારણે વૈશ્વિક સોનામાં વિવિધ ફંડોની વેચવાલી (સેલિંગ) વધી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ 4242થી 4243 ડોલરના સ્તરેથી ઘટીને નીચામાં 4121 ડોલર સુધી પહોંચ્યા બાદ 4149થી 4150 ડોલર આસપાસ રહ્યા હતા.

અમદાવાદ અને મુંબઈ બજારની સ્થિતિ:

વૈશ્વિક બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધુ રૂ. ૩,૦૦૦ તૂટ્યા હતા. આ ઘટાડા સાથે ૯૯૫ ટચના સોનાનો ભાવ રૂ. ૧,૪૯,૭૦૦ તથા ૯૯૯ ટચનો ભાવ રૂ. ૧,૫૦,૦૦૦ બોલાતો થયો હતો. અમદાવાદમાં ચાંદીના ભાવ પણ કિલોદીઠ વધુ રૂ. ૬,૦૦૦ ગબડીને રૂ. ૨,૩૭,૦૦૦ બોલાયા હતા. બજારના સૂત્રોના જણાવ્યા મુજબ, સોનાના ભાવમાં બે દિવસમાં કુલ રૂ. ૧૪,૫૦૦ અને ચાંદીના ભાવમાં બે દિવસમાં કુલ રૂ. ૧૩,૦૦૦નો મોટો કડાકો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની પાછળ ચાંદીના ભાવ પણ ઔંસદીઠ ૬૭.૦૦ ડોલરથી ઘટીને નીચામાં ૬૩.૨૯ થઈ, બાદમાં ૬૪.૬૩થી ૬૪.૬૪ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવમાં વધુ રૂ. ૩,૦૦૦નો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીના ભાવ વધુ રૂ. ૮,૦૦૦ ગબડ્યા હતા. જીએસટી (GST) વગર મુંબઈ બજારમાં આજે ૯૯૫ ટચના સોનાનો ભાવ રૂ. ૧૪૪૩૯૦ તથા ૯૯૯ ટચનો ભાવ રૂ. ૧,૪૪,૯૭૦ રહ્યો હતો. મુંબઈમાં જીએસટી વગર ચાંદીનો ભાવ ઘટીને રૂ. ૨,૩૧,૯૭૩ સ્થિર થયો હતો. મુંબઈમાં સોના-ચાંદીના જીએસટી સાથેના ભાવ આ દર્શાવેલા ભાવો કરતાં ૩ ટકા ઊંચા રહ્યા હતા.

અન્ય ધાતુઓ અને ક્રૂડની સ્થિતિ:

મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટિનમના ભાવ પણ ૧૦ ગ્રામદીઠ આશરે રૂ. ૩,૫૦૦ તૂટ્યા હતા અને ભાવ ગબડીને રૂ. ૫૬,૪૮૯ બોલાયા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટિનમના ભાવ ઔંસદીઠ ૧૭૦૦ ડોલરથી ઘટી નીચામાં ૧૬૫૦ થઈ, બાદમાં ૧૬૬૯થી ૧૬૭૦ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડિયમના ભાવ ૧૨૮૫ ડોલરથી ઘટી નીચામાં ૧૨૫૧ થઈ, બાદમાં ૧૨૫૯થી ૧૨૬૦ ડોલર જોવા મળ્યા હતા.

વૈશ્વિક કોપર (તાંબુ) ના ભાવમાં આજે ૦.૫૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એકંદરે વૈશ્વિક બજારમાં આ સપ્તાહ દરમિયાન ક્રૂડ તેલના ભાવમાં આશરે ૧૦ ટકા જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકામાં હવે આગામી સમયમાં વ્યાજ દરોમાં વૃદ્ધિ થવાની શક્યતા વધી રહી છે, જેને પગલે અગ્રણી નાણાકીય સંસ્થા ગોલ્ડમેન સેકે આ વર્ષના અંત માટેનો સોનાના ભાવનો પોતાનો અંદાજ અગાઉની સરખામણીએ ઔંસદીઠ ૫૦૦ ડોલર ઘટાડી દીધો છે.