શેરબજાર કરતાં અનેકગણુ રિટર્ન આપ્યું સોના-ચાંદીએ, તમે રોકાણ કર્યું કે નહીં?
Gold Silver Investment Return: રોકાણકારો મોટાભાગે મબલક રિટર્ન મેળવવા માટે અત્યંત જોખમી શેરબજારમા

Gold Silver Investment Return: રોકાણકારો મોટાભાગે મબલક રિટર્ન મેળવવા માટે અત્યંત જોખમી શેરબજારમાં રોકાણ કરતાં હોય છે. પરંતુ આ વર્ષે અત્યારસુધીમાં શેરબજાર કરતાં પણ વધુ રિટર્ન આપવામાં કિંમતી ધાતુઓ મોખરે રહી છે.
અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ વધુ રૂ. 1500 વધી રૂ. 93000 પ્રતિ કિગ્રાની રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. આ સાથે ચાંદીએ ચાલુ કેલેન્ડર વર્ષમાં રોકાણકારોને કિગ્રા દીઠ રૂ. 18500 અર્થાત 24.83 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે સોનામાં 17.92 ટકા રિટર્ન નોંધાયુ હતું. અમદાવાદમાં સોનાની કિંમત ગઈકાલે ઓલટાઈમ હાઈ 77000 પ્રતિ 10 ગ્રામ સામે આજે રૂ. 400 ઘટી રૂ. 76600 પ્રતિ 10 ગ્રામ થઈ છે.
આ વર્ષે અત્યાર સુધી નોંધાયેલો વધારો
| વિગત | રિટર્ન |
| ચાંદી | 24.83% |
| સોનું | 17.92% |
| સેન્સેક્સ | 3.94% |
| નિફટી | 4.91% |
શેરબજાર કરતાં અનેકગણુ રિટર્ન
લોકસભા ચૂંટણી, જિયો પોલિટિકલ ક્રાઈસિસ સહિત વૈશ્વિક પરિબળોના પગલે શેરબજારમાં છેલ્લા દોઢ માસથી ભારે વોલેટિલિટી જોવા મળી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં સેન્સેક્સ તેની ઓલટાઈમ હાઈ સાથે 3.94 ટકા અને નિફ્ટી 50 4.91 ટકા વધ્યો છે. સેફ હેવને આ વર્ષે અત્યારસુધીમાં આકર્ષક રિટર્ન આપી રોકાણકારોનો ફેવરિટ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ બન્યો છે.
પ્રોફિટ બુકિંગ વધ્યું
સોના અને ચાંદીની કિંમતો રેકોર્ડ સ્તરે વધી રહી હોવાથી તેમાં પ્રોફિટ બુકિંગ પણ વધ્યું છે. વૈશ્વિક સ્તરે ગઈકાલે સોના અને ચાંદીએ નવી રેકોર્ડ ટોચ નોંધાવતા સંસ્થાકીય રોકાણકારો વેચવાલી મારફત પ્રોફિટ બુક કરી રહ્યા હતા. કોમોડિટી નિષ્ણાતોના મતે, સોના-ચાંદીમાં તેજીનો દોર જારી રહેશે. જેમાં એકાદ-બે કરેક્શન આવી શકે છે. પરંતુ એકંદરે તેજી છે. જેની પાછળના કારણો ફુગાવો હળવો થતાં સપ્ટેમ્બરથી અમેરિકી ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની શરૂઆતની અપેક્ષા તથા ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવની સ્થિતિ વધવાની ભીતિ છે. ઈરાનના રાષ્ટ્રપતિનુ હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થતાં તેના આરોપો અમેરિકા અને ઈઝરાયલ પર લગાવવામાં આવી રહ્યા છે. બીજી બાજુ યુક્રેન અને રશિયા વચ્ચે પણ તણાવની સ્થિતિ જૈસે થૈ હોવાથી કિંમતી ધાતુમાં ખરીદી વધવાનો આશાવાદ છે. હાલ થોડો સમય સોનુ 71000-75000ની રેન્જમાં વોલેટાઈલ રહેશે.








