ટ્રેનમાં તમારી સીટ પર આવશે Zomatoથી ફૂડ, 100 કરતા પણ વધુ સ્ટેશનો પર શરૂ થઈ આ સર્વિસ
હવે તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે Zomato પર તમારું મનપસંદ ફૂડ ઓર્ડર કરી શકશો અને તમને તમારી સી

હવે તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે Zomato પર તમારું મનપસંદ ફૂડ ઓર્ડર કરી શકશો અને તમને તમારી સીટ પર જ ડિલિવરી મળશે. એપના માધ્યમથી ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ચલાવનારી કંપની Zomatoએ આ સર્વિસ માટે IRCTC સાથે હાથ મળાવ્યો છે.
10 લાખથી વધુ ઓર્ડરની ડિલિવરી
કંપનીની આ સેવા દેશના ઘણા શહેરોમાં શરૂ થઈ ચૂકી છે. Zomato અનુસાર, તેની ટ્રેન ફૂડ ડિલિવરી સર્વિસ દેશના 88 શહેરોમાં ઉપલબ્ધ છે. આ સર્વિસ દ્વારા, કંપનીએ અત્યાર સુધીમાં દેશના 100થી વધુ રેલવે સ્ટેશનો પર મુસાફરોને 10 લાખથી વધુ ઓર્ડર પહોંચાડ્યા છે. આ સર્વિસ હેઠળ, રેલ્વે મુસાફરો મુસાફરી દરમિયાન તેમના ફેવરિટ ફૂડનો ઓર્ડર આપી શકે છે અને તે તેમની સીટ પર પહોંચાડવામાં આવે છે.
કોચ અથવા સ્ટેશન પરિસરમાંથી કરી શકો છો ઓર્ડર
Zomatoએ આ સર્વિસને ‘Zomato – Food Delivery in Trains’ નામ આપ્યું છે. કંપનીનું કહેવું છે કે, તેની નવી સેવાનો લાભ ટ્રેનમાં મુસાફરી કરતા ગ્રાહકો તેમજ સ્ટેશન પર હાજર ગ્રાહકો લઈ શકશે. મતલબ કે, જો તમે કોઈ સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યા છો અને તમને ભૂખ લાગી છે, તો તમે Zomato દ્વારા ત્યાં તમારું ફેવરિટ ફૂડ ઓર્ડર કરી શકો છો. તમારું ફેવરિટ ફૂડ લેવા માટે તમારે સ્ટેશન છોડવાની જરૂર રહેશે નહીં.
સીઈઓ ગોયલે શેર કર્યું અપડેટ
Zomatoના સહ-સ્થાપક અને CEO દીપેન્દ્ર ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે એક અપડેટ શેર કરી છે. તેમણે લખ્યું છે- Zomato હવે 100થી વધુ રેલ્વે સ્ટેશનો પર સીધા તમારા ડબ્બામાં ફૂડ પહોંચાડી રહ્યું છે. IRCTC સાથેની અમારી પાર્ટનરશિપ બદલ આભાર. અમે પહેલાથી જ ટ્રેનો પર 10 લાખથી વધુ ઓર્ડર પહોંચાડી ચૂક્યા છીએ. તમારી આગામી સફર પર તેને અજમાવી જુઓ!
શુક્રવારે આટલો ઘટી ગયો હતો સ્ટોક
Zomato તેના વ્યવસાયને વિસ્તારવા માટે સતત નવી સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. તાજેતરમાં કંપનીએ ઓર્ડર શેડ્યૂલ કરવાની સુવિધા શરૂ કરી છે. શુક્રવારે Zomatoનો શેર 3.66 ટકા ઘટીને રૂ. 273.50 પર બંધ થયો હતો.








