વિશ્વભરના બજારોમાં મોટા ઘટાડા વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ગાબડું; ભાવ ઘટીને $63 પ્રતિ બેરલ થયા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફની અસર સમગ્ર વ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફની અસર સમગ્ર વિશ્વના શેરબજાર પર જોવા મળી છે. વિશ્વભરના બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે તેલના ભાવમાં પણ તીવ્ર ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડ 2.42 ટકા ઘટીને $63.99 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે, જ્યારે WTI(West Texas Intermediate) ક્રૂડ 2.39 ટકા ઘટીને $60.51 પર પહોંચી ગયું છે. કુદરતી ગેસ અને ગેસોલિનના ભાવમાં પણ આ જ વલણ ચાલુ રહ્યું. કુદરતી ગેસના ભાવમાં 1.64 ટકાનો ઘટાડો થયો છે.
OPEC+ દેશોએ ઉત્પાદન વધારવાનો નિર્ણય
આ મોટા ઘટાડા વચ્ચે, 7 એપ્રિલ, સોમવારના રોજ, સરકારી માલિકીની તેલ કંપનીઓ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (OIL) ના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે છેલ્લા ત્રણ દિવસથી ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા છે. ટ્રમ્પના આ ટેરિફને કારણે, તાજેતરના દિવસોમાં તેલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. આ ઉપરાંત, OPEC+ દેશોએ અપેક્ષા કરતાં વધુ ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ક્રૂડ ઓઇલમાં ઘટાડાનો દર વધુ ઝડપી બન્યો છે.
ટ્રમ્પે OPEC+ પર તેલના ભાવ ઘટાડવા માટે દબાણ કર્યું છે. તેમનું કહેવું છે કે આનાથી ફુગાવાને નિયંત્રિત કરવામાં મદદ મળશે અને રશિયા પર દબાણ વધશે, જે યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરી શકે છે.
રિફાઇનરી કંપનીઓને ઇન્વેન્ટરી નુકસાન
હવે પ્રશ્ન એ છે કે કાચા તેલના ભાવમાં ઘટાડો ONGC અને ઓઇલ ઇન્ડિયા માટે કેમ નુકસાનકારક છે? હકીકતમાં, જ્યારે તેલ સસ્તું હોય છે, ત્યારે ONGC અને ઓઇલ ઇન્ડિયા જેવી કંપનીઓના નફાનું માર્જિન ઘટે છે, કારણ કે તેઓ તેલ કાઢવા અને પ્રક્રિયા કરવામાં નિશ્ચિત ખર્ચ ઉઠાવે છે. તે જ સમયે, જો અગાઉ ઊંચા ભાવે ખરીદેલું તેલ ઓછા ભાવે વેચવું પડે, તો રિફાઇનરી કંપનીઓને ઇન્વેન્ટરી નુકસાન થઈ શકે છે.
આ ઉપરાંત, જ્યારે તેલની માંગ પર દબાણ હોય છે અને તે જ સમયે ઉત્પાદન વધે છે, ત્યારે વૈશ્વિક બજારમાં વધુ પડતા પુરવઠાનું જોખમ વધી જાય છે. આનાથી કિંમતોમાં વધુ ઘટાડો થઈ શકે છે, જે આ કંપનીઓ માટે વધુ સમસ્યાઓ ઊભી કરે છે.








