Closing Bell : મોંઘવારી ઘટવાથી અને અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટાડાની અપેક્ષાએ શેરબજારમાં ઉછાળો
Closing Bell Today : વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર આજે 13 જૂન ગુરુવારે સતત બીજા કારોબારી સત્રમા

Closing Bell Today : વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર આજે 13 જૂન ગુરુવારે સતત બીજા કારોબારી સત્રમાં ઊંચા સ્તરે બંધ રહ્યો હતો. આર્થિક મોરચે, મે મહિનામાં છૂટક ફુગાવાના ઘટાડાને કારણે બજાર ઊંચા સ્તરે બંધ થયું હતું. તમને જણાવી દઈએ કે રિટેલ મોંઘવારી દર મે મહિનામાં ઘટીને 4.7 ટકા પર આવી ગયો હતો, જે 12 મહિનામાં તેનો સૌથી નીચો આંકડો છે.
આ ઉપરાંત યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરવાની અપેક્ષાથી પણ શેરબજારને ટેકો મળ્યો છે.
BSEનો Sensex આજે 77,102.05 પોઈન્ટના મજબૂત વધારા સાથે ખુલ્યો હતો. જો કે, ટ્રેડિંગના અંત સુધીમાં, બજારે તેના કેટલાક લાભો ગુમાવ્યા અને અંતે 0.27 ટકા અથવા 204.33 પોઇન્ટના ઉછાળા સાથે 76,810.90 પર શેર બજાર બંધ થયું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 77,145.46 પોઈન્ટ ઉપર ગયો હતો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ-NSEનો Nifty પણ 0.33 ટકા અથવા 75.95 પોઈન્ટના વધારા સાથે 23,398.90 ના સ્તર પર બંધ થયો હતો.
શેરબજારમાં આજે તેજીનું કારણ
આર્થિક મોરચે, ફુગાવામાં ઘટાડાના આંકડાએ આગામી સમયમાં આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં કાપની અપેક્ષાઓ વધારી દીધી છે. આ સિવાય કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં ભારે ખરીદીએ પણ બજારના સેન્ટિમેન્ટને ટેકો આપ્યો હતો.
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, અમેરિકા અને ભારતમાં ફુગાવાના મોરચે સારા સમાચાર છે. ફુગાવાના આંકડા દર્શાવે છે કે ફુગાવો ઘટાડવાની પ્રક્રિયા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. બજારના દૃષ્ટિકોણથી, બેંકિંગ ક્ષેત્ર માટે આ ખાસ કરીને સકારાત્મક સમાચાર છે.
આજના ટોપ ગેઇનર્સ
સેન્સેક્સ કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ 2.73 ટકા વધીને બંધ થયા છે. ઉપરાંત, ટાઇટન, એલએન્ડટી, ઇન્ડસઇન્ડ બેંક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો અને બજાજ ફાઇનાન્સના શેરમાં મુખ્યત્વે વધારો થયો હતો.
સેક્ટરલ ઇન્ડેક્સની સ્થિતિ
ગુરુવારે, નિફ્ટી બેન્ક અને નિફ્ટી એફએમસીજી સૂચકાંકોમાં નબળાઈ નોંધાઈ હતી, જ્યારે નિફ્ટી મિડકેપ 100, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી, નિફ્ટી ઓટો નિફ્ટી ફાર્મા અને નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સમાં વધારો નોંધાયો હતો.
આજના ટોપ લૂઝર્સ
બીજી તરફ હિન્દુસ્તાન યુનિલિવરનો શેર સૌથી વધુ 1.64 ટકા ઘટીને બંધ રહ્યો હતો. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, પાવર ગ્રીડ, ભારતી એરટેલ, આઈટીસી, એનટીપીસી અને ટાટા મોટર્સના શેર ઘટીને બંધ થયા હતા.
અદાણી ગ્રુપના શેરોની સ્થિતિ
ગુરુવારે, ગૌતમ અદાણી જૂથની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી 6ના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા, જ્યારે ચાર શેરમાં વધારો નોંધાયો હતો. એનડીટીવીનો શેર બે ટકા વધ્યો હતો જ્યારે અદાણી ગ્રીન એનર્જીના શેર બે ટકા ઘટીને બંધ થયા હતા. લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, અશોકા બિલ્ડકોન, ઓએનજીસી, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેંક અને એચસીએલ ટેક વધ્યા હતા જ્યારે એસબીઆઈ લાઈફ, અશોક લેલેન્ડ, આઈસીઆઈસીઆઈ બેંક અને વેદાંત ડાઉન હતા.
મે મહિનામાં છૂટક ફુગાવો ઘટ્યો હતો
કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત છૂટક ફુગાવો મે મહિનામાં ઘટીને 4.7 ટકા થયો હતો, જે 12 મહિનામાં તેનો સૌથી નીચો આંકડો છે.
ખાદ્યપદાર્થોના ભાવ ઊંચા રહેવા છતાં, ઇંધણ અને મૂળભૂત ચીજવસ્તુઓના ભાવમાં નરમાઈને કારણે છૂટક ફુગાવો ઘટ્યો છે. પરંતુ ઔદ્યોગિક ઉત્પાદનમાં થોડી નરમાઈ જોવા મળી હતી. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) એપ્રિલમાં 5 ટકા વધ્યો હતો, જ્યારે માર્ચમાં તે 5.4 ટકા વધ્યો હતો.
વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?
એશિયાના અન્ય બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી અને હોંગકોંગનો હેંગસેંગ વધ્યો હતો જ્યારે જાપાનનો નિક્કી અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટમાં નુકસાન થયું હતું. યુરોપિયન બજારો બપોરના સત્ર દરમિયાન ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા જ્યારે બુધવારે મોટાભાગના અમેરિકન બજારો લીલા નિશાનમાં બંધ થયા હતા.








