કેનેરા બેંકનું એક્સ હેન્ડલ થયું હેક, બેંકે યુઝર્સને આપી આ સૂચના
જાહેર ક્ષેત્રની મોટી બેંક કેનેરા બેંકનું X પ્લેટફોર્મ શનિવાર, 22 જૂન, 2024ના રોજ હેક કરવામાં આ

જાહેર ક્ષેત્રની મોટી બેંક કેનેરા બેંકનું X પ્લેટફોર્મ શનિવાર, 22 જૂન, 2024ના રોજ હેક કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા હેન્ડલ X હેક થયા પછી, હેકરે બેંકના ઓફિશિયલ X હેન્ડલનું નામ બદલીને 'ether.fi' કરી દીધું. આ સાથે સ્થાન બદલીને કેમેન આઇલેન્ડ કરવામાં આવ્યું હતું.
બેંકે રવિવાર, 23 જૂન, 2024ના રોજ તેના ફેસબુક પેજ પર આ બાબતે ઓફિશિલ સ્ટેટમેન્ટ જારી કરીને તેના ગ્રાહકોને આ બાબતની જાણ કરી છે. બેંકે કહ્યું કે, કેનેરા બેંક તમામ સંબંધિત પક્ષોને જણાવવા માગે છે કે, બેંકના ઓફિશિયલ X (Twitter) હેન્ડલ સાથે ચેડા કરવામાં આવ્યા છે. તમામ ટીમો આ મામલે તપાસ કરી રહી છે અને બેંક તેના હેન્ડલ સુધી પહોંચવા માટે કામ કરી રહી છે.
ગ્રાહકોને સાવચેત રહેવા આપી સૂચના
કેનેરા બેંકે તેના ગ્રાહકોને હેક થયેલા કેનેરા બેંકના X હેન્ડલ પર કોઈપણ પ્રકારની પોસ્ટ ન મૂકવાની સલાહ આપી છે. આ સાથે, બેંકે કહ્યું કે, અમે X સાથે મળીને આ સમસ્યાને વહેલી તકે હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને X હેન્ડલ મળ્યા પછી, અમે અમારા ગ્રાહકોને આ વિશે ચોક્કસપણે જાણ કરીશું. ગ્રાહકોને થઈ રહેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.
એક્સિસ બેંક સાથે પણ બની હતી આવી જ ઘટના
નોંધનીય છે કે, આ કોઈ પહેલો મામલો નથી જ્યારે કોઈ બેંકનું એક્સ હેન્ડલ આ રીતે હેક થયું હોય. આ પહેલા ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકનું સપોર્ટ હેન્ડલ પણ હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું. આ પછી બેંકના હેન્ડલ પરથી ક્રિપ્ટોકરન્સી માટે અનેક પ્રકારની પોસ્ટ બનાવવામાં આવી હતી. આ બાબતની જાણકારી મળતા જ બેંકે તપાસ શરૂ કરી હતી.






