મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Business: યુદ્ધ હોય કે શાંતિ, ચાઈનીઝ ચીજોનો ભરોસો ન થાય

- સ્માઇલ ઇન્ડેક્સ - આપણે ભૂખ્યા પેટે ચાઈનીઝ લારીઓ પર આક્રમણ કરીએ છીએ, પણ સરંક્ષણમાં ચાઈ

Business: યુદ્ધ હોય કે શાંતિ, ચાઈનીઝ ચીજોનો ભરોસો ન થાય

- સ્માઇલ ઇન્ડેક્સ

- આપણે ભૂખ્યા પેટે ચાઈનીઝ લારીઓ પર આક્રમણ કરીએ છીએ, પણ સરંક્ષણમાં ચાઈનીઝનો ઉપયોગ નથી કરતા

નવરાલાલે જાહેરાત કરી આજથી ચેાઈનીઝ ચીજો પર પ્રતિબંધ. તે સાથે જ ઘર, ગલી, બજાર અને ગામમાં દોડાદોડ થઈ ગઈ. બધાને લાગ્યું કે નવરાલાલ જેવો ગ્રાહક ખરીદી બંધ કરી દેશો તો સમગ્ર લારી-પાથરણાં બજારનું આખું અર્થતંત્ર ખોરવાઈ જશે. 

બે-ચાર વેપારીઓ તો પ્રતિનિધિ મંડળ રચીને નવરાલાલને સમજાવવા આવ્યા. 'ગ્રાહક મહોદય, ચાઈનીઝ ચીજો નહીં ચાલે એવાં બધાં  સૂત્રો તો એવા નબીરાઓને જ પોસાય, જે લોકો પાંચ રુપિયાની ચીજ માટે ૫૦ રુપિયા આપવા  તૈયાર હોય. તમારા જેવા એક ઉપર એક ફ્રી હોય તો તેમાં પણ ત્રીજી આઈટમ માગનારા માટે તો ચાઈનીઝ સિવાય ઉદ્ધાર નથી.'

પણ નવરાલાલ ટસના મસ ન થયા. 'જુઓ, અહીં ઈન્ડિયામાં તો અમે પિચકારીઓથી માંડીને લાઈટો અને મોબાઈલમાં પણ છેતરાયા. પણ એ ઠીક હતું. એમાં અમારા જીવને જોખમ ન હોતું, પણ આ પાકિસ્તાનનો દાખલો તો નજર સામે છે. એમણે ચાઈનીઝ સરંજામ પર ભરોસો રાખ્યો તો જુઓ, કામના સમયે જ એકેય હથિયાર સરખું ચાલતું નથી. હવે હુ ંસમજી ગયો કે યુદ્ધ હોય કે શાંતિ, ચાઈનીઝ ચીજો પર ભરોસો ન થાય તે ન જ થાય.'

એક વેપારી કહે, 'અરે નવરાલાલ, તમે જરા સમજો. તમારે ક્યાં મોરચા પર યુદ્ધ લડવા જવાનું છે તે તમને આટલી ચિંતા? અને કદાચ ન કરે ને નારાયણ અને સરકાર ક્યારેક કોઈક દિવસ તમને મોરચા પર મોકલે તો પણ ચાઈનીઝ મશીનગન તો હાથમાં નહીં જ પકડાવે. આપણે ભૂખ્યા પેટે આક્રમણ કરવાનું હોય ત્યારે ચાઈનીઝની લારીઓ પર ધસી જઈએ છીએ, પરંતુ આપણું સંરક્ષણ કરવાનું હોય ત્યાર ેચાઈનીઝ  ચીજો નથી વાપરતા.'

બીજા વેપારી કહે, 'અરે નવરાલાલ, તમે તો અમારા વિશ્વનીય ગ્રાહક છો. તમે એક ચીજ ઉધારમાં લઈ જાઓ પછી બીજી ચીજ ઉધાર લેવા આવો ત્યારે આગલી ચીજનું દસ ટકા પણ પેમેન્ટ તો કરી જ દો છે. પછી ત્રીજી ચીજ લેવા આવો ત્યારે પાછલી બંને ચીજોના પાંચ-પાંચ ટકા વધારે આપી દો છે. અમને ખાતરી છે કે ગ્રાહક તરીકે તમે ચાઈનીઝ નેચરના જરાય નથી. તમારા વાયદા બિલકુલ ચાઈનીઝ ચીજ જેવા તકલાદી નથી. એટલે અમે પણ તમને ચીજો આપી દઈએ છીએ, પણ પાકિસ્તાન તો સુપરડુપર ભિખારી દેશ  છે. અમને  નથી લાગતું કે તેણે ચીનને રડાર તો ઠીક છે, પરંતુ એકાદી  રકાબીના પણ રોકડા ચૂકવ્યા હોય. પછી શું છે કે ખેરાતમાં મળેલી ચીજોનો તો ભરોસો ન જ કરાય.'

તો પણ નવરાલાલ મોઢું બગાડીને બેસી રહ્યા. આખરે એક વેપારીએ નવરાલાલની પાસે જઈને એકદમ હળવાશથી  કહ્યું, 'નવરાલાલ, તમે પાકિસ્તાનના અનુભવો પરથી પદાર્થપાઠ લઈ રહ્યા છો? એ તો દેશદ્રોહ થયો. પાકિસ્તાનને માઠો અનુભવ થયો એના આધારે તમે તમારી ખરીદીની પેટર્ન બદલશો?'

નવરાલાલ એકદમ જોશમાં આવી  ગયા. સોશિયલ મીડિયા સેનાનીની અદામાં તેમણે જાહેર કર્યું , 'સારું, હું તમારે  ત્યાંથી ચાઈનીઝ ચીજોની ખરીદી કરવાનું ચાલુ રાખીશ.'

વેપારીઓ એકબીજા સામે આંખ મિચકારી હસતા હસતા રવાના થયા.

સ્માઈલ ટિપ

દુનિયાની સૌથી તકલાદી ચીજોમાં ચાઈનીઝ આઈટમો બીજા નંબરે છે, પહેલા નંબરે તો નેતાઓનાં વચનો જ આવે છે.

- વ્યર્થશાસ્ત્રી

આ સમાચાર શેર કરો