Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Big blow to Elon Musk: Tesla, SpaceX shares plunge, $44.4 billion in one day

ઈલોન મસ્કને મોટો ઝટકો: ટેસ્લા અને સ્પેસએક્સના શેર તૂટતા એક જ દિવસમાં 44.4 અબજ ડૉલરનું જંગી નુકસાન

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ઈલોન મસ્કને મોટો ઝટકો: ટેસ્લા અને સ્પેસએક્સના શેર તૂટતા એક જ દિવસમાં 44.4 અબજ ડૉલરનું જંગી નુકસાન
સોર્સ : gstv

ઈલોન મસ્કની કંપની ટેસ્લા (Tesla)ના શેર્સમાં બુધવારે, 22 જુલાઈના રોજ આશરે 5%નો ઘટાડો નોંધાયો હતો. આ સાથે જ ઈલોન મસ્કની બીજી કંપની સ્પેસએક્સ (SpaceX)ના શેર્સમાં પણ 6%થી વધુનો કડાકો બોલ્યો હતો. કંપનીઓના શેર્સ તૂટવાના કારણે ઈલોન મસ્કને એક જ દિવસમાં 44.4 અબજ ડૉલરનું જંગી નુકસાન વેઠવું પડ્યું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની કુલ સંપત્તિ ઘટીને 745 અબજ ડૉલર રહી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ઈલોન મસ્ક ટ્રિલિયોનર બન્યા હતા.

App Store

ટેસ્લાના પરિણામો અને શેર્સમાં કડાકો

એપ્રિલથી જૂન ત્રિમાસિક ગાળાના મિશ્ર પરિણામો જાહેર કર્યા બાદ ટેસ્લાના શેર્સમાં આ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, કંપનીની આવક અપેક્ષા કરતાં વધુ રહી હતી, પરંતુ નફામાં મોટો ઘટાડો અને નેગેટિવ ફ્રી કેશ ફ્લોને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો હતો. એક્સટેન્ડેડ ટ્રેડિંગમાં ટેસ્લાના શેર 4.4% ઘટીને 374.01 ડૉલર પર આવી ગયા હતા. જ્યારે નિયમિત કારોબારમાં પણ શેર 1.3% તૂટ્યો હતો અને વર્ષ 2026માં અત્યાર સુધીમાં આ શેર 15% જેટલો નીચે આવી ચૂક્યો છે.

આવક વધી પણ ચોખ્ખો નફો 5% ઘટ્યો 

ટેસ્લાની આ ત્રિમાસિક ગાળામાં કુલ આવક 28.24 અબજ ડૉલર રહી હતી, જે ગયા વર્ષના સમાન ગાળા કરતાં 26% વધુ છે. પરંતુ, કંપનીની શેર દીઠ કમાણી (EPS) માત્ર 0.33 ડૉલર રહી હતી, જે વોલ સ્ટ્રીટની 0.51 ડૉલરની અપેક્ષા કરતાં ખૂબ ઓછી છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો (Net Profit) પણ ગયા વર્ષની સરખામણીએ 5% ઘટીને 1.11 અબજ ડૉલર થઈ ગયો હતો.

ઓટોમોબાઈલ અને એનર્જી બિઝનેસનું પ્રદર્શન

કંપનીના ઓટોમોબાઈલ બિઝનેસની આવક વાર્ષિક ધોરણે 23% વધીને 20.52 અબજ ડૉલર થઈ છે. આ સિવાય, એનર્જી બિઝનેસમાં પણ આવક 13% વધીને 3.14 અબજ ડૉલર પર પહોંચી છે, જેમાં સોલર એનર્જી અને બેટરી સ્ટોરેજ સિસ્ટમનો સમાવેશ થાય છે. જોકે, કારની સરેરાશ વેચાણ કિંમતમાં ઘટાડો થવાને કારણે ટેસ્લાનું કુલ પ્રોફિટ માર્જિન ઘટી ગયું હતું, જેના લીધે ગ્રોસ માર્જિન અગાઉના 17.2%થી ઘટીને 16.8% રહી ગયું છે.

નેગેટિવ કેશ ફ્લો અને ભવિષ્યના ખર્ચ અંગે ચિંતા

ટેસ્લા માટે બીજી સૌથી મોટી ચિંતા તેનો નેગેટિવ કેશ ફ્લો છે, જેમાં આ ત્રિમાસિક ગાળા દરમિયાન 1.1 અબજ ડૉલરનો ઘટાડો નોંધાયો છે. આ સિવાય, કંપનીનો કેપેક્સ (મૂડી ખર્ચ) બમણાથી વધુ વધીને 5.79 અબજ ડૉલર સુધી પહોંચી ગયો છે, જે વાર્ષિક ધોરણે 142% નો જંગી વધારો દર્શાવે છે. ઈલોન મસ્કની આ કંપનીના સીએફઓ વૈભવ તનેજાના જણાવ્યા અનુસાર, વર્ષ 2026 અને ત્યારબાદ પણ ટેસ્લાના કામકાજના ખર્ચમાં વધારો થતો રહેશે, જેમાં કાચા માલની ઊંચી કિંમતો અને વ્યાજદરમાં આવતા ફેરફારો કંપનીના ખર્ચને વધુ વધારશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News