ચેક બુકના નિયમોમાં મોટો ફેરફાર; ફ્રોડ રોકવા બેન્કોએ શરૂ કરી આલ્ફા-ન્યૂમેરિક કોડવાળી નવી ચેક બુક

જો તમે પણ બેન્કિંગ વ્યવહારો કે પેમેન્ટ કરવા માટે ચેક બુકનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બેન્ક ઓફ ઈન્ડિયા (BOI) સહિત દેશની ઘણી જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કએ પોતાના ગ્રાહકો માટે 'આલ્ફા-ન્યૂમેરિક કોડ' (Alphanumeric Code) ધરાવતી નવી ચેક બુક આપવાની શરૂઆત કરી દીધી છે. બેન્કો દ્વારા ગ્રાહકોને ઇમેઇલ અને એસએમએસ મોકલીને નવી ચેક બુક માટે અરજી કરવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈપણ મોટું પેમેન્ટ અટકે નહીં.
શા માટે બદલવામાં આવ્યા ચેકના નિયમો?
નવી માર્ગદર્શિકા અનુસાર, 31 ડિસેમ્બર, 2026 પછી રૂ. 50,000 કે તેથી વધુ રકમના એવા ચેક સ્વીકારવામાં આવશે નહીં, જેના પર આલ્ફા-ન્યૂમેરિક કોડ અંકિત ન હોય. આ કોડમાં અક્ષરો અને અંકોનું ખાસ મિશ્રણ હોય છે, જેનાથી ચેકની ચકાસણી અને વેરીફિકેશન પહેલા કરતાં વધુ સુરક્ષિત બનશે. ચેકમાં થતી ગેરરીતિઓ કે બનાવટી ચેક દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ચેક ટ્રાન્ઝેકશન સિસ્ટમ (CTS) મારફતે ચેક ક્લિયરિંગની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
નવી ચેક બુકનો ચાર્જ અને બેન્કના નિયમો
જુદી જુદી બેન્કોમાં ખાતાના પ્રકાર અનુસાર નવી ચેક બુકનો ચાર્જ અલગ-અલગ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, બેન્ક ઓફ ઈન્ડિયા (BOI) પોતાના બચત ખાતાધારકોને એક વર્ષમાં 25 પેજની એક ચેક બુક મફત આપે છે, ત્યારબાદ વધારાના દરેક પેજ માટે રૂ. 5નો ચાર્જ લેવામાં આવે છે. અન્ય સરકારી અને પ્રાઇવેટ બેન્કોમાં પણ તેમના નિયમો અનુસાર ચોક્કસ ચાર્જ લાગુ થઈ શકે છે.

